ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન

05 March, 2021 10:47 AM IST  |  Ahmedabad

ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન

અક્ષર અને વિરાટ

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મૅચના પહેલા દિવસે ગઈ કાલે ભારતીય સ્પિનરો ફરી એક વાર ઇંગ્લૅન્ડની ટીમને હેરાન કરતા જોવા મ‍ળ્યા હતા. અક્ષર પટેલે ૪, રવિચંદ્રન અશ્વિને ૩, મોહમ્મદ સિરાજે બે અને વૉશિંગ્ટન સુંદરે ૧ વિકેટ લઈને ઇંગ્લૅન્ડને આખી ટીમને ૨૦૫ રનમાં પૅવિલિયનભેગી કરી દીધી હતી. ભારતે પણ પહેલી ઇનિંગની નબળી શરૂઆત કરતાં દિવસના અંતે એક વિકેટે ૨૪ રન બનાવી લીધા હતા. ભારત હજી ૧૮૧ રન પાછળ છે.

સ્ટોક્સે આપી લડત

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને શરૂઆતની ત્રણ વિકેટ ૩૦ રનમાં ગુમાવી દીધી હતી, જેમાંથી ડોમિનિક સિબલી બે અને ઝૅક ક્રાઉલી ૯ રને અક્ષરના શિકાર બન્યા હતા, જ્યારે કૅપ્ટન જો રૂટને પાંચ રને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. ચોથી વિકેટ માટે જૉની બેરસ્ટો (૨૮) અને બેન સ્ટોક્સ વચ્ચે ૪૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. બેરસ્ટો આઉટ થયા બાદ સ્ટોક્સ અને ઑલી પોપ (૨૯) વચ્ચે ૪૩ રનની પાર્ટનરશિનપ થઈ હતી. જોકે સ્ટોક્સે ધીરજ સાથે રમતાં ૧૨૧ બૉલમાં ૬ ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને ટીમ માટે સૌથી મોટી ૫૫ રનની ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૨૪મી હાફ સેન્ચુરી કરી હતી. વૉશિંગ્ટન સુંદરે તેની વિકેટ લીધી હતી. ડૅનિયલ લૉરેન્સ પણ ૪૬ રન કરીને અક્ષરનો શિકાર બન્યો હતો. ઇંગ્લિશ ટીમના ૬ પ્લેયર એકઅંકી સ્કોરમાં આઉટ થતાં ટીમ વહેલી આઉટ થઈ ગઈ હતી.

ભારતની નબળી શરૂઆત

આત્મવિશ્વાસથી ભરપૂર વિરાટસેના ૨૦૬ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા મેદાનમાં ઊતરી અને અત્યંત નબળી શરૂઆત કરતાં ઇનિંગના ત્રીજા જ બૉલમાં શુભમન ગિલની વિકેટ ગુમાવી બેઠી હતી. જોકે પછીથી ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ ધૈર્ય સાથે રમતાં દિવસના અંત સુધી ૨૪ રન બનાવ્યા હતા. રોહિત ૮ રન અને પુજારા ૧૫ રન કરી ક્રીઝ પર છે. ટીમ ઇન્ડિયા હજી ૧૮૧ રન પાછળ છે.

કોણીની ઈજાને લીધે ન રમ્યો જોફ્રા

ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર છેલ્લા કેટલાક સમયથી કોણીની ઈજાથી હેરાન થઈ રહ્યો છે અને એ ઈજાને લીધે જ તેનો સમાવેશ ભારત સામેની છેલ્લી ટેસ્ટ મૅચમાં નહોતો કરવામાં આવ્યો. આ ઉપરાંત બેન સ્ટોક્સ અને અન્ય કેટલાક ખેલાડીઓનું પેટ ખરાબ હોવાનું પણ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ જણાવ્યું હતું. ઈસીબીની મેડિકલ ટીમે જણાવ્યા અનુસાર ઈસીબીએ ઉક્ત જાણકારી આપી હતી.

england india motera stadium cricket news sports news axar patel virat kohli ravichandran ashwi