29 July, 2025 09:41 AM IST | London | Gujarati Mid-day Correspondent
પાંચમા દિવસના અંતિમ સમયમાં ભારતીય પ્લેયર્સે ડ્રૉ માટે જલદી હાથ ન મિલાવતાં અકળાયો હતો બેન સ્ટોક્સ.
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ચોથી ટેસ્ટ-મૅચ નિર્ધારિત સમય પહેલાં સમાપ્ત કરવાના પ્રયાસો માટે ઇંગ્લૅન્ડના ‘ડબલ સ્ટાન્ડર્ડ’ની ટીકા કરી હતી. રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર પોતાની સદી પૂરી કરે અને છેલ્લી ૧૫ ઓવરની રમત પૂરી થાય એ પહેલાં મૅચ ડ્રૉ માટે હાથ મિલાવવા ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ પ્રેશર કરી રહ્યો હતો.
બેન સ્ટોક્સે આ બન્ને ઑલરાઉન્ડર્સને કહ્યું હતું, શું તમે હૅરી બ્રુક (પાર્ટ-ટાઇમ બોલર) સામે ટેસ્ટ-સદી ફટકારવાના છો? સ્ટોક્સે પાછળથી ખુલાસો કર્યો કે તેણે ડ્રૉની આ ઑફર કરી, કારણ કે તે ઇંગ્લૅન્ડના થાકેલા મુખ્ય બોલર્સને ઇન્જરી પહોંચાડવાનું જોખમ લેવા માગતો નહોતો. ભારતના બન્ને ઑલરાઉન્ડર્સને સદી પૂરી કર્યા પછી જ ડ્રૉ માટે હાથ મિલાવવાનો નિર્દેશ ડ્રેસિંગ રૂમથી મળ્યો હતો.
અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું, ‘શું તમે ડબલ સ્ટાન્ડર્ડ શબ્દ સાંભળ્યો છે? આપણા ઑલરાઉન્ડર્સે આખો દિવસ તમારા બોલર્સનો સામનો કર્યો અને અચાનક જ્યારે તેઓ સદીની નજીક હોય છે ત્યારે તમે તેમને બહાર કરવા માગો છો? તેઓએ આવું શા માટે કરવું જોઈએ? તેઓએ સવારથી જ તમારા બધા બોલર્સનો સામનો કર્યો અને મૅચ ડ્રૉ કરાવી. તેઓએ ખૂબ મહેનત કરી, શું તમે ઇચ્છો છો કે તેઓ તેમની સદી પૂર્ણ ન કરે?’
અશ્વિન વધુમાં કહે છે, ‘જો હું ભારતીય કૅપ્ટન હોત તો હું બાકીની આખી ૧૫ ઓવર રમ્યો હોત. આ ટેસ્ટ-રન છે. સદી કમાવવી પડે છે, ભેટ તરીકે આપવામાં આવતી નથી. વૉશિંગ્ટન સદીને લાયક હતો, જાડેજા પણ એને લાયક હતો.’
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલૅસ્ટેર કુક અને નાસીર હુસેને પણ ભારતના એ નિર્ણયને સમર્થન આપ્યું હતું.