લેન્ગ્થ અને સ્પીડ અક્ષરના વિનાશ-મંત્રો

26 February, 2021 08:12 AM IST  |  Mumbai | Sunil Vaidya

લેન્ગ્થ અને સ્પીડ અક્ષરના વિનાશ-મંત્રો

સ્પિનરના બૉલ ફરે કે ન ફરે, પણ પિચ પરની ઊડતી ધૂળની ડમરી કદાચ માનસિક રીતે એવી રીતે બન્ને ટીમના બૅટ્સમેનો (રોહિત શર્મા અને થોડે ઘણે અંશે બેન સ્ટોક્સને બાદ કરતાં) પર હાવી થઈ ગઈ હતી કે એક દિવસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ૧૭ વિકેટ ખરી પડી, જેમાં ભારતનો ૧૦ વિકેટે વિજય થયો, પણ ટેસ્ટ ક્રિકેટ માટે આ મૅચ સારી ઍડ્વર્ટાઇઝમેન્ટ ન કહેવાય.

પ્લેઇંગ ઇલેવનમાં એક જ સ્પિનરને સામેલ કરવાના ઇંગ્લૅન્ડના નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી, પણ તેમના કૅપ્ટન જો રૂટે પણ નહીં વિચાર્યું હોય કે તે પોતે સ્પિન બોલર તરીકે ભારતીય બૅટ્સમેનોને સાબરમતીની ધૂળ ચાટતા કરી દેશે. સામાન્ય રીતે રૂટ ‘પાર્ટટાઇમ’ બોલર કહેવાય, ખાસ કરીને ટેસ્ટ મૅચમાં. તેણે આ ટેસ્ટ પહેલાં ૧૦૧ ટેસ્ટમાં ૩૨ વિકેટ લીધી હતી અને તેનો શ્રેષ્ઠ દેખાવ ૮૭ રનમાં ૪ વિકેટનો હતો.  

ગઈ કાલે અંગત રેકૉર્ડ કરતાં રૂટે પોતાની પહેલી ત્રણ ઓવરમાં એક પણ રન આપ્યા વગર રિષભ પંત, વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલની ત્રણ વિકેટ લઈને ભારતીય કૅમ્પમાં હાહાકાર મચાવી દીધો હતો, એટલું જ નહીં,  તેણે ૮ રનમાં પાંચ વિકેટ લઈને ઇંગ્લૅન્ડની જીતની આશા જાગ્રત કરી હતી.

આ આશા જાગવાનું કારણ એ હતું કે ૩૧ રનમાં ૭ વિકેટ ખેરવાતાં ભારતની લીડ ફક્ત ૩૩ રન જ રહી હતી. આ ધબડકા માટે હું કંઈક અંશે ભારતના હાઇએસ્ટ સ્કોરર રોહિત શર્મા (૬૬ રન)ને જવાબદાર ગણીશ. રોહિત બહુ અદ્ભુત રીતે પિચની પરિસ્થિતિને અનુકૂળ બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે જૅક લીચના ઑફ-સ્ટમ્પ પરના પિચ થયેલા બોલને સ્વીપ કરવાની કોઈ જરૂર નહોતી. એ ખૂબ રિસ્કી શૉટ હતો અને રોહિતની ગણતરી ખોટી પડતાં તે લેગબિફોર આઉટ થયો અને એ પછી ભારતની ૩૦ રનમાં બાકીની પાંચ વિકેટ પડી ગઈ હતી.

મૅન ઑફ ધ મૅચ અક્ષર પટેલ માટે મોટેરાની ઘરઆંગણાની મૅચ એક યાદગાર નજરાણું બની ગઈ હતી. તેના સ્પીડમાં આવતા સીધા પણ સચોટ તીર જેવા બૉલ એવા ઘાતક પુરવાર થયા કે તેની કારકિર્દીની બીજી ટેસ્ટમાં જ તેની ઝોળીમાં ઇંગ્લૅન્ડે બે ઇનિંગ્સમાં કુલ ૧૧ વિકેટ નાખી દીધી. જેમ અક્ષર સફળ હતો એમ ઇંગ્લૅન્ડનો ડાબોડી સ્પિનર જૅક લીચને પણ સફળતા પ્રાપ્ત થઈ હતી. બન્ને ડાબોડી સ્પિનરોની નીતિ એકસરખી હતી, યોગ્ય લેંગ્થ અને ઝડપી ડિલિવરી.

પોતાની કારકિર્દીની ૪૦૦મી વિકેટ આ મૅચમાં લેનાર રવિચંદ્રન અશ્વિન ફરી એક વાર ૮૧ રનમાં ઑલઆઉટ થનાર ઇંગ્લૅન્ડ માટે ઘાતક પુરવાર થયો, કારણ કે તેની ૪ વિકેટમાં બેન સ્ટોક્સની મહત્ત્વની વિકેટ આવી હતી. સ્ટોક્સે ૨૫ રનની આક્રમક ઇનિંગ્સ રમીને ભારતને ઘેરવાની દરેક શક્યતા ઊભી કરી હતી, પણ અશ્વિનના એક સીધા બૉલને પારખવામાં તે થાપ ખાઈ ગયો હતો.

ભારત માટે ટાર્ગેટ ફક્ત ૪૯ રનનો હતો, પણ વિકેટની પરિસ્થિતિ જોતાં ઘણાને ભારતની હારની શંકા દેખાઈ હતી, પણ રોહિત શર્મા (૨૫ અણનમ)એ ફરી એક વાર બતાવી દીધું કે તે એક અવ્વલ કક્ષાનો બૅટ્સમૅન છે અને રૂટની ઓવરમાં ઉપરાઉપરી બે ફોર અને એક સિક્સર ફટકારીને વિજયનો ધ્વજ લહેરાવી દીધો. આ સાથે જૂન મહિનામાં લૉર્ડ્સમાં રમાનારી ટેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમવા માટે ભારતે પોતાનું સ્થાન ઑલમોસ્ટ નિશ્ચિત કરી લીધું છે. 

sports sports news cricket news india england test cricket