ઇંગ્લૅન્ડે આપેલા ૪૨૦ રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતના ૧ વિકેટે ૩૯ રન

09 February, 2021 07:51 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે આપેલા ૪૨૦ રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતના ૧ વિકેટે ૩૯ રન

વિકેટ સેલિબ્રેટ કરતો રવિચંદ્રન અશ્વિન (તસવીર: પી.ટી.આઇ.)

ભારતનું વિજયથી અંતર ૩૮૧ રનનું; પહેલી ઇનિંગમાં કરેલી ભૂલોનું ભારત જો પુનરાવર્તન ન કરે તો ચેન્નઈમાં નોંધાવી શકે છે જીત; રોહિત પૅવિલિયન ભેગો; ઇંગ્લૅન્ડનો એકેય બૅટ્સમેન સેકન્ડ ઇનિંગમાં હાફ સેન્ચુરી ન કરી શક્યો

ટીમ ઇન્ડિયા ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૫૭૯ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા જતાં ૩૩૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. વૉશિંગ્ટન સુંદરે છેલ્લે સુધી લડત આપી હતી, પણ સામા છેડે તેને કોઈ પણ પ્લેયરનો સાથ નહોતો મળ્યો. સુંદર ૮૫ રને નૉટઆઉટ રહ્યો હતો. ડોમિનિક બેસે સૌથી વધારે ૪ વિકેટ લીધી હતી. ભારતીય ટીમને ફૉલોઑન માટે ન મોકલી ઇંગ્લૅન્ડની ટીમ બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઊતરી હતી અને રવિચંદ્રન અશ્વિનની ફીરકીમાં ફસાઈ જતાં તેઓ માત્ર ૧૭૮ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. ભારતે પોતાની બીજી ઇનિંગ પણ ગઈ કાલે જ શરૂ કરી હતી અને કુલ ૪૨૦ રનના લક્ષ્યને પ્રાપ્ત કરતાં દિવસના અંત સુધી એણે એક વિકેટે ૩૯ રન બનાવી લીધા હતા. આમ આજે પાંચમા દિવસે તૂટતી જતી પિચ પર ભારત માટે ૩૮૧ રન કરવાનો પડકાર છે.

પહેલી ઇનિંગમાં ભારતે જોડ્યા હતા ૮૦ રન

ચોથા દિવસની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાએ ૬ વિકેટે ૨૫૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સાતમી વિકેટ માટે વૉશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે ૮૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. અશ્વિન ૩૧ રને આઉટ થયો હતો અને ત્યાર બાદ કોઈ પણ પૂંછડિયા પ્લેયર લાંબું ટકી શક્યા નહોતા અને તેઓ પાંચ રનનો આંકડો પણ પાર કરી નહોતા કરી શક્યા. સામા છેડે સુંદરે ફૉલોઑન ટાળવાનો શક્ય એટલો પ્રયાસ કર્યો હતો. તે ૮૫ રને છેલ્લે સુધી પિચ પર ટકી રહ્યો હતો. ચોથા દિવસે ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગમાં માત્ર ૮૦ રન વધારે જોડી શકી હતી. ડોમ બેસે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી, જ્યારે જેમ્સ ઍન્ડરસન, જોફ્રા આર્ચર અને જૅક લીચને બે-બે વિકેટ મળી હતી.

બીજી ઇનિંગ્સમાં લથડ્યું ઇંગ્લૅન્ડ

પહેલી ઇનિંગમાં ભારતને ૩૩૭ રને ઑલઆઉટ કરીને ઇંગ્લૅન્ડે ૨૪૧ રનની લીડ લીધી હતી અને ફૉલોઑનમાં ભારતને ન મોકલતાં તેઓ બીજી ઇનિંગમાં રમવા આવ્યા હતા. આ બીજી ઇનિંગના પહેલા જ બૉલમાં રૉરી બર્ન્સને અજિંક્ય રહાણેના હાથે કૅચ-આઉટ કરાવીને અશ્વિને રેકૉર્ડ કર્યો હતો અને પોતાનો મક્કમ ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ઇંગ્લૅન્ડનો કોઈ પણ પ્લેયર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. જો રૂટે સૌથી વધારે ૪૦ રન બનાવ્યા હતા. જ્યારે ઓલી પોપ ૨૮, ડોમ બેસ ૨૫ અને જોસ બટલર ૨૪ રને આઉટ થયા હતા. ટીમના ચાર ખેલાડી એકઅંકી સ્કોરમાં આઉટ થતાં ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગમાં ૧૭૮ રને ઑલઆઉટ થયું હતું અને ભારતને કુલ ૪૨૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. અશ્વિને સૌથી વધારે ૬ વિકેટ લીધી હતી, જ્યારે શાહબાઝ નદીમને બે અને ઇશાન્ત શર્મા તેમ જ જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી.

ભારતની ફરી નબળી શરૂઆત

બીજી ઇનિંગમાં ૪૨૦ રનના ટાર્ગેટને હાંસલ કરવા ઊતરેલી ભારતીય ટીમે રોહિત શર્મા અને શુભમન ગિલ સાથે રમતની શરૂઆત કરી હતી. ટીમે ૨૫ રનના સ્કોર પર ફરી એક વાર રોહિત શર્મા (૧૨) રૂપે પહેલી વિકેટ ગુમાવી હતી. ચોથા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યારે ભારતે એક વિકેટે ૩૯ રન બનાવી લીધા હતા. પિચ પર શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા અનુક્રમે ૧૫ અને ૧૨ રન બનાવીને રમી રહ્યા છે. ટીમ ઇન્ડિયાને આ મૅચ જીતવા માટે હજી ૩૮૧ રનની જરૂર છે અને તેમની ૯ વિકેટ સુરક્ષિત છે. જોકે ગઈ કાલે ભારતીય બોલરોએ કરેલી કમાલ બાદ આજે બૅટ્સમેનોએ કમાલ બતાવવી પડશે.

ઇનિંગના પહેલા બૉલ પર વિકેટ લેનાર પહેલો ભારતીય સ્પિનર બન્યો અશ્વિન

ગઈ કાલે ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગના પહેલા બૉલ પર વિકેટ લઈને રવિચંદ્રન અશ્વિને ૧૧૪ વર્ષ બાદ એક અનોખા રેકૉર્ડમાં પોતાનું નામ ઉમેરાવી દીધું હતું. ટેસ્ટ ક્રિકેટની કોઈ પણ ઇનિંગના પહેલા બૉલમાં વિકેટ લેવાનું પરાક્રમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ગઈ કાલે ત્રીજી વાર, પણ ભારત માટે પહેલી વાર બન્યું હતું. અશ્વિને અજિંક્ય રહાણેના હાથે સ્લીપમાં રૉરી બર્ન્સને કૅચઆઉટ કરાવીને આ વિક્રમ કર્યો હતો. આ પહેલાં આ પ્રકારનું પરાક્રમ ૧૯૦૭માં થયું હતું, જ્યારે સાઉથ આફ્રિકાના બર્ટ વૉગ્લરે ઇંગ્લૅન્ડના ટૉમ હેવર્ડને ઓવલમાં રમાયેલી મૅચના પહેલા બૉલમાં આઉટ કરીને કર્યું હતું. સૌપ્રથમ આ પ્રકારનું પરાક્રમ ઇંગ્લૅન્ડના સ્પિનર બૉબી પીલે ઑસ્ટ્રેલિયાના ઍલેક બૅનરમૅનને ૧૮૮૮માં રમાયેલી મૅચમાં આઉટ કરીને કર્યું હતું.

ઇશાન્તની ૩૦૦ ટેસ્ટ-વિકેટ

ઈજાને લીધે ઑસ્ટ્રેલિયા ટૂર ચૂકી ગયેલા ટીમ ઇન્ડિયાના પેસર ઇશાન્ત શર્માએ ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી. ઇશાન્તે આ ઉપલબ્ધિ પોતાની ૯૮મી ટેસ્ટ મૅચમાં ડૅનિયલ લૉરેન્સને એલબીડબ્લ્યુ આઉટ કરીને મેળવી હતી. ઇશાન્ત પહેલાં આ રેકૉર્ડ કપિલ દેવ અને ઝહીર ખાન કરી ચૂક્યા છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં અનુક્રમે ૪૩૪ અને ૩૧૧ વિકેટ મેળવી છે. આ સાથે ભારત માટે ૩૦૦ ટેસ્ટ વિકેટ લેનારો તે છઠ્ઠો ભારતીય અને ત્રીજો પેસર બન્યો છે.

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતને ટેસ્ટ મૅચની ચોથી ઇનિંગમાં ૧૫૦થી વધારે રન ચેઝ કરવાનો વારો 12 વખત આવ્યો છે જેમાંથી તેમને ૯માં પરાજય મળ્યો છે અને બેમાં પરિણામ ડ્રૉ આવ્યું છે.

sports sports news cricket news test cricket chennai england india