પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો

01 December, 2024 10:11 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

આજે કોઈ વિઘ્ન ન નડે તો ૫૦-૫૦ ઓવર્સની મૅચ રમાશે

પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીઝને ભારતીય ટીમના પ્લેયર્સે ઑટોગ્રાફ કરેલી કૅપ ગિફ્ટ કરી હતી.

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ મૅચની સિરીઝની બીજી મૅચ ૬ ડિસેમ્બરે ઍડીલેડમાં રમાવાની છે. આ ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટ માટેની તૈયારીને મજબૂત બનાવવા ભારતીય ટીમ ગઈ કાલથી પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન ટીમ સામે બે દિવસની પ્રૅક્ટિસ મૅચ રમવાની હતી, પણ આ ડે-નાઇટ પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચના પહેલા દિવસે કૅનબેરામાં વરસાદને કારણે પહેલા દિવસની રમત રમી શકાઈ નહીં. આજે અંતિમ દિવસે હવામાન સારું રહેશે તો બન્ને ટીમ વચ્ચે ૫૦-૫૦ ઓવરની મૅચ રમાશે. 

કૅપ્ટન રોહિત શર્મા દીકરાના જન્મ અને બૅટર શુભમન ગિલ આંગળીના ફ્રૅક્ચરને કારણે પહેલી ટેસ્ટમાં રમી શક્યા નહોતા. ઑસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં સેટ થવાની તેમની પાસે આજે અંતિમ તક હશે. રોહિત શર્મા હવેથી ભારતીય ટીમની કૅપ્ટનસી ફરીથી સંભાળશે, જ્યારે ગિલ તેની ઇન્જરીમાંથી બહાર આવ્યો હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા તૈયાર છે. ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીઝે પ્રૅ​ક્ટિસ મૅચ પહેલાં બન્ને ટીમના પ્લેયર્સ સાથે મુલાકાત પણ કરી હતી.

પ્રૅક્ટિસ મૅચ પહેલાં સ્ટાર બૅટર વિરાટ કોહલી સાથે વાત કરવાની તક ઝડપી લીધી ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે.

india australia border gavaskar trophy rohit sharma canberra shubman gill indian cricket team cricket news sports news sports