પહેલી ટેસ્ટની ૮ વિકેટથી હારનો બદલો લીધો બીજી ટેસ્ટ ૮ વિકેટે જીતીને

30 December, 2020 12:58 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટની ૮ વિકેટથી હારનો બદલો લીધો બીજી ટેસ્ટ ૮ વિકેટે જીતીને

પ્રથમ ટેસ્ટ મૅચમાં લોએસ્ટ ૩૬ રનમાં ઑલઆઉટ તેમ જ કૅપ્ટન વિરાટ કોહલી અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં બે નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરીને બૉક્સિંગ ડે ટેસ્ટમાં માર્યો બરાબરનો પંચ, કાંગારૂઓએ આપેલો ૭૦ રનનો ટાર્ગેટ ભારતે મયંક અગરવાલ અને પુજારાને ગુમાવીને મેળવી લીધો. હેડ કોચ રવિ શાસ્ત્રી ટીમના આ કારનામા પર ફિદા થઈ ગયા અને આ જીતને ભારતની જ નહીં, ક્રિકેટજગતની શાનદાર વાપસીમાંની એક ગણાવી હતી

ગઈ કાલે બીજી અને બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. ઑસ્ટ્રેલિયન પૂંછડિયાઓએ ગઈ કાલે વધુ ૬૭ રન બનાવીને ટીમને આ સિરીઝમાં પહેલી વાર ૨૦૦ રનના આંકડે પહોંચાડીને ભારતને જીત માટે ૭૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેમરુન ગ્રીન ૪૫, પૅટ કમિન્સ ૨૨ અને મિચલ સ્ટાર્કે ૧૪ રન બનાવ્યા હતા. ગઈ કાલની ચાર વિકેટમાં બે મોહમ્મદ સિરાજે અને રવિચન્દ્રન  અશ્વિન તથા જસપ્રીત બુમરાહે એક-એક વિકેટ લીધી હતી.

૭૦ રનના ટાર્ગેટ સામે ભારતે મયંક અગરવાલ (પાંચ રન) અને ચેતેશ્વર પુજારા (૩ રન)ની ૧૯ રનના સ્કોરે જલદી વિકેટ ગુમાવતાં ચાહકો અને ટીમ થોડા સમય માટે પ્રેશરમાં આવી ગઈ હતી. પણ પ્રથમ ટેસ્ટ રમી રહેલા શુભમન ગિલ (૩૬ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૩૫ રન) અને સદાબહાર અજિંક્ય રહાણેએ (૪૦ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૨૭ રન) હાથમાં આવેલી અમૂલ્ય તકને ગુમાવવા નહોતી દીધી અને આખરે ૧૬મી ઓવરના પાંચમા બૉલમાં જીત મેળવીને ટીમે ઇતિહાસ રચ્યો હતો. આગલી મૅચમાં માત્ર ૩૬ રનમાં ઑલઆઉટ થયા બાદ કૅપ્ટન અને આધારસ્તંભ બૅટ્સમૅન વિરાટ કોહલી તથા અનુભવી પેસબોલર મોહમ્મદ શમી વગર તેમ જ બે યુવા ખેલાડીઓ શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજના જોશ વડે ફરી બેઠી થઈને સ્માર્ટ કૅપ્ટન રહાણેના માર્ગદર્શનમાં ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક કમબૅક કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં મૅચ વિનિંગ સેન્ચુરી અને બીજી ઇનિંગ્સમાં અમૂલ્ય ૨૭ રન તથા કમાલની લીડરશિપ બતાવનાર રહાણે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

નવા વર્ષની ભેટ

પ્રથમ મૅચમાં કારમી હાર બાદ કોચ રવિ શાસ્ત્રીની હકાલપટ્ટી કરીને રાહુલ દ્રવિડને ટીમની જવાબદારી સોંપવાની માગણી થવા માંડી હતી. જોકે ગઈ કાલે જીત બાદ શાસ્ત્રી અનોખા મૂડમાં હતા અને તેમણે ટીમ અને કૅપ્ટન રહાણેના ભરપેટ વખાણ કર્યાં હતાં. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘મારા ખ્યાલથી માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, વર્લ્ડ ક્રિકેટમાં આ સૌથી મોટું કમબૅક કહી શકાય. ત્રણ દિવસમાં ૩૬ રન કરીને સમેટાઈ જવું અને પછી પાછા સારી રીતે કમબૅક કરવું જબરદસ્ત હતું. સંપૂર્ણ શ્રેય પ્લેયર્સને જાય છે. તેમણે ખરેખર પોતાનું કૅરૅક્ટર બતાવ્યું અને મૅચ જીતીને ટીમે લાખો ક્રિકેટપ્રેમીઓને નવા વર્ષની ભેટ આપી છે અને તેમના ચહેરા પર સ્મિત આણ્યું છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અમે જે રમી રહ્યા છીએ એ ક્રિકેટની બ્રૅન્ડ બની ચૂકી છે. જે પ્રમાણે બે નવા ડેબ્યુ પ્લેયરે પોતાની ટૅલન્ટ અને મૅચ્યોરિટી બતાવી એ કાબિલે-તારીફ હતું. આજે સિરાજે ઘણું સારું પર્ફોર્મ કર્યું હતું. ઉમેશની ગેરહાજરીમાં જે પ્રમાણે તેણે અનુશાસનમાં રહીને પોતાની પહેલી ટેસ્ટ મૅચમાં લાંબા સ્પેલ નાખ્યા એ પ્રશંસનીય હતા. શુભમન ગિલ મને ઘણો શાંત અને પરિપક્વ લાગ્યો જે પોતાની પહેલી જ ટેસ્ટ મૅચમાં શૉટ ફટકારવાથી ડરતો નહોતો અને સહેલાઈથી રમી રહ્યો હતો.’

આઇપીએલ થઈ રહી છે મદદરૂપ

ડેબ્યુ પ્લેયર માટે આઇપીએલ સફળ રહી એ વિશે પોતાના વિચાર પ્રગટ કરતાં શાસ્ત્રીએ કહ્યું કે ‘મારા ખ્યાલથી આઇપીએલને લીધે તેમને ઘણી મદદ મળી છે. ઇન્ટરનૅશનલ પ્લેયર્સ સાથે તેઓ ડ્રેસિંગરૂમ શૅર કરે છે અને તેમની સાથે સમય પસાર કરે છે એને કારણે મુશ્કેલી અને જટિલતા વહેલી તકે જતી રહે છે. જ્યાં સુધી રિષભ પંતની વાત છે તો તે પણ ઘણું સારું રમ્યો હતો, પણ બૅટ્સમૅન તરીકે તમે ક્યારેક ભૂલ કરો છો. મને લાગે છે કે જે પ્રમાણે ટેસ્ટ ક્રિકેટમાં તેણે ડિસિપ્લિન બતાવી અને કાઉન્ટર અટૅક કરવાની જે ક્ષમતા તેણે દાખવી એ મૅચને આગળ લઈ જવામાં ઘણી કારગત સાબિત થઈ. તેણે માત્ર ૨૯ રન બનાવ્યા, પણ અહીં આટલા રન પણ મહત્ત્વના હતા.’

ઑસ્ટ્રેલિયનોને બન્ને ઇનિંગ્સમાં ૨૦૦ રનમાં પૅવિલિયનમાં મોકલી દેવામાં ભારતીય બોલરોએ અગત્યની ભૂમિકા ભજવી હતી. બોલર્સનાં વખાણ કરતાં શાસ્ત્રીએ કહ્યું કે ‘તેઓ અદ્ભુત હતા. દરેક શાંત અને અનુશાસનમાં રહીને મૅચ રમ્યા. તેમને માટે જે યોજનાઓ બનાવવામાં આવી હતી એનો તેમણે નોંધનીય રીતે અમલ કરી બતાવ્યો.’

આ ઉપરાંત શાસ્ત્રીના મતે પહેલી ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયાને જે પરાજય મળ્યો હતો એ પરાજય પર બીજી ટેસ્ટ મૅચમાં મળેલો વિજય યાદગાર બની રહ્યો છે અને આ વિજય મેળવવા ટીમનું અનુશાસન, તેમની ચોકસાઈ અને ધીરજ મહત્ત્વનાં હતાં.

મૅન ઓફ ધ મૅચ કૅપ્ટન રહાણેને મળ્યો મુલાઘ મેડલ

શાનદાર કૅપ્ન્સી અને મૅચ વિનિંગ સેન્ચુરી બદલ કૅપ્ટન રહાણેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો અને પહેલેથી જાહેરાત કર્યા પ્રમાણે તેને જૉની મુલાઘ મેડલ આપવામાં આવ્યો હતો. મુલાઘ વિદેશી ટૂર પર જનાર પ્રથમ ઑસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટન હતા. ૧૮૬૮માં તેમના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા બ્રિટનના ટૂર પર ગઈ હતી. આ મેડલ આપવાની શરૂઆત આ બૉક્સિંગ ટેસ્ટથી કરવામાં આવી હતી અને રહાણે આ મેડલ મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટેબલ પર ભારત ફરી બીજા નંબરે

ગઈ કાલની કમાલની જીત સાથે ભારત વર્લ્ડ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ-ટેબલ પર ફરી બીજા નંબરે પહોંચી ગયું છે. હારને લીધે ઑસ્ટ્રેલિયાને નુકસાન થયું છે, પણ એણે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. ન્યુ ઝીલૅન્ડ બીજાથી ત્રીજા નંબરે પહોંચી ગયું છે, પણ તેઓ આજે પાકિસ્તાન સામે જીત મેળવીને ફરી બીજા નંબરે પહોંચી જઈ શકે છે.

ઑસ્ટ્રેલિયા ૭૭ પર્સન્ટેજ જીત સાથે પ્રથમ નંબરે, ૭૨ પર્સન્ટેજ સાથે ભારત બીજા અને ૬૨ પર્સન્ટેજ જીત સાથે કિવીઓ ત્રીજા નંબરે છે. ૬૦ પર્સન્ટેજ જીત સાથે ઇંગ્લૅન્ડ ચોથા અને ૩૯ પર્સન્ટેજ સાથે પાકિસ્તાન પાંચમા નંબરે છે. કોરોનાને લીધે ઘણી સિરીઝ કૅન્સલ થતાં આઇસીસીએ પૉઇન્ટ-ટેબલ પર રૅન્કિંગ્સ માટે દરેક ટીમે જીતેલી મૅચના પર્સન્ટેજના આધારે નક્કી કરવાનો નિર્ણય લીધો હતો.

૧૯૨ લેફ્ટી બૅટ્સમેનોને આઉટ કરીને અશ્વિને તોડ્યો મુરલીધરનનો રેકૉર્ડ

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટરૂપે લેફ્ટી બૅટ્સમૅન જોશ હેઝલવુડને આઉટ કરીને રવિચન્દ્રન અશ્વિને શ્રીલંકાના લેજન્ડ સ્પિનર મુથૈયા મુરલીધરનનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. મુરલીધરને તેની કરીઅરમાં કુલ ૧૯૧ લેફ્ટી બૅટ્સમેનોને આઉટ કર્યા હતા, જ્યારે ગઈ કાલે હેઝલવુડ અશ્વિનનો ૧૯૨મો શિકાર હતો. આ લિસ્ટમાં ૧૮૬ વિકેટ સાથે ત્રીજા નંબરે ઇંગ્લૅન્ડનો જિમી ઍન્ડરસન છે.

હેઝલવુડની વિકેટ અશ્વિનની કરીઅરની ૩૭૫મી વિકેટ હતી. લેફ્ટી બૅટ્સમેનોમાં અશ્વિને સૌથી વધુ વૉર્નર અને ઍલિસ્ટર કુકને સૌથી વધુ ૯-૯ વાર આઉટ કર્યા હતા.

ત્રીજી ટેસ્ટ સિડનીમાં જ રમાશે

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ સાતમી જાન્યુઆરીથી સિડનીમાં જ રમાશે. છેલ્લા ઘણા દિવસથી વધી રહેલા કોરોના કહરને કારણે સિડની ટેસ્ટમાં મેલબર્નમાં શિફ્ટ કરવાની ચર્ચા ચાલતી હતી અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ સ્ટેન્ડ બાય તરીકે મેલબર્ન ગ્રાઉન્ડની જાહેરાત પણ કરી દીધી હતી. જોકે ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓ નિક હૉકલેએ કહયું હતું કે, ‘કોરાનાને કારણે અમારી સામે ઘણી બધા પડકાર છે પણ મને એ જણાવતા ખુશી થઈ રહી ચે કે અમે નવા વર્ષની પહેલી ટેસ્ટ સિડનીમાં જ રમીશું. ખેલાડીઓની સુરક્ષાને લઈને ખૂબ જ વ્યાપક ઇંતઝામ કરવામાં આવ્યાં છે અને એ બદલ હું સર્વેનું આભાર માનું છુ’

નંબર-ગેમ

4

મેલબર્નના મેદાનમાં ભારતની આટલામી જીત હતી. આ સાથે એ ભારતનું વિદેશમાં સૌથી સફળ મેદાન બની ગયું હતું. ભારત અત્યાર સુધી ક્વીન્સ પાર્ક ઓવલ, ટ્રિનિડાડ, સબીના પાર્ક, જમૈકા અને કોલંબોમાં ત્રણ-ત્રણ મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડ સિવાય બીજી કોઈ ટીમ મેબલર્નમાં ત્રણથી વધારે મૅચ નથી જીતી શક્યું.

79

ઘરઆંગણે ભારત સામે છેલ્લી ૬ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોનો આ હાઇએસ્ટ સ્કોર છે. જે માર્ક્સ હૅરિસે ગયા વર્ષે સિડની ટેસ્ટમાં બનાવ્યો હતો.

3

ઑસ્ટ્રેલિયામાં છેલ્લાં ૫૦ વર્ષમાં આટલામી વાર જ જોવા મળ્યું છે કે કોઈ ટીમ પહેલી મૅચ હાર્યા બાદ બીજી મૅચ જીતી હોય. ભારતની ગઈ કાલની કમાલ પહેલાં ૧૯૭૫-’૭૬માં વેસ્ટ ઇન્ડીઝ અને ૨૦૧૧માં ન્યુ ઝીલૅન્ડ આવું કમબૅક કરી ચૂક્યું છે.

1

SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા) દેશોમાં ભારતે પહેલી જ વાર પહેલી ટેસ્ટ હાર્યા બાદ બીજી ટેસ્ટ જીતવાની કમાલ કરી બતાવી છે. આ પહેલાં આ દેશોમાં ભારત ૨૩ વાર પહેલી ટેસ્ટ હાર્યું છે.

32

છેલ્લાં આટલાં વર્ષમાં પહેલી વાર એવું જોવા મળ્યું છે કે ઘરઆંગણેની ટેસ્ટમાં એક પણ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન હાફ સેન્ચુરી ફટકારી નથી શક્યો. છેલ્લાં ૩૦ વર્ષમાં વિદેશમાં પણ આવું માત્ર ત્રણ વાર બન્યું છે.

sports sports news cricket news test cricket india australia ravi shastri