૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લેવાની તક આજે ભારતને

05 March, 2025 07:07 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

લિમિટેડ ઓવર્સની ICC ટુર્નામેન્ટ્સમાં આઠમી વાર કાંગારૂઓ સામે નૉક-આઉટ મૅચ, જેમાં ટીમ ઇન્ડિયા છેલ્લે ૨૦૧૧માં જીતેલી

રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમ.

દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમી-ફાઇનલ મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે. બન્ને ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અજેય રહી છે. ગ્રુપ-Aની ટીમ ભારત આ ટુર્નામેન્ટમાં ત્રણેય મૅચ જીતનારી એકમાત્ર ટીમ છે, જ્યારે ગ્રુપ-Bની ટીમ ઑસ્ટ્રેલિયા ત્રણમાંથી માત્ર એક જીત અને બે રદ થયેલી મૅચના પૉઇન્ટના સહારે બીજા ક્રમે રહી છે. દુબઈની પિચ પર આજે બન્ને ટીમ વચ્ચે થનારી રસાકસી પર આખા ક્રિકેટજગતની નજર રહેશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા પાંચમાંથી ચાર વન-ડે જીત્યું છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભારત નવમાંથી ૮ મૅચ જીત્યું છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. આ મેદાન પર પહેલી વાર આ બન્ને ટીમ વચ્ચે વન-ડે મૅચ રમાશે.

લિમિટેડ ઓવર્સની ICC ઇવેન્ટ્સમાં ઑસ્ટ્રેલિયા અને ભારત ૨૪ વાર આમને-સામને આવ્યા છે જેમાંથી ઑસ્ટ્રેલિયા ૧૨ વાર અને ભારત ૧૧ વાર મૅચ જીત્યાં છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ૧૪માંથી ઑસ્ટ્રેલિયા નવ મૅચ અને ભારત પાંચ મૅચ જીત્યું છે. T20 વર્લ્ડ કપમાં ૬માંથી ભારત ચાર અને ઑસ્ટ્રેલિયા બે મૅચ જીત્યું છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચારમાંથી ભારત બે અને ઑસ્ટ્રેલિયા એક મૅચ જીત્યું છે જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ થઈ હતી.

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પા અને તનવીર સાંઘા.

ICCની વાઇટ બૉલ ઇવેન્ટમાં બન્ને ટીમ વચ્ચે આઠમી વાર નૉક-આઉટ મૅચ રમાશે. સાતમાંથી ચાર મૅચ ભારત અને ત્રણ મૅચ ઑસ્ટ્રેલિયા જીત્યું છે જેમાંથી ભારત વન-ડે વર્લ્ડ કપની એક, T20 વર્લ્ડ કપની એક અને ચૅમ્પિયન્સ ટ્રોફીની બન્ને નૉક-આઉટ મૅચ જીત્યું છે. ભારત ઑલમોસ્ટ છેલ્લાં ૧૪ વર્ષથી ICC નૉક-આઉટમાં કાંગારૂને હરાવી નથી શક્યું. ભારતે છેલ્લે ૨૦૧૧ વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા પર વિજય મેળવ્યો હતો. ૨૦૧૫ની વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ અને ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયાએ ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને હરાવીને પણ ટાઇટલ જીત્યું છે.

ઇન્જર્ડ મૅથ્યુ શૉર્ટના સ્થાને ૨૧ વર્ષના કૂપર કૉનોલીને મળી કાંગારૂ ટીમમાં એન્ટ્રી 


ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલ મૅચ માટે ઇન્જર્ડ ઓપનર મૅથ્યુ શૉર્ટના સ્થાને યુવા સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર કૂપર કૉનોલીનો ઑસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની મૅચ દરમ્યાન શૉર્ટને ઇન્જરીનો સામનો કરવા પડ્યો હતો. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામે વન-ડે ડેબ્યુ કરનાર ૨૧ વર્ષના કૉનોલીને ટુર્નામેન્ટ માટે ટ્રાવેલિંગ રિઝર્વમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ગઈ કાલે ICC ટુર્નામેન્ટ ટેક્નિકલ કમિટીએ આ ફેરફારને મંજૂરી આપી છે. કૉનોલી અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા માટે છ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો છે જેમાં ત્રણ વન-ડેનો સમાવેશ થાય છે. તેણે હજી સુધી એક ટેસ્ટ-મૅચમાં ચાર રન અને ત્રણ વન-ડેમાં ૧૦ રન બનાવ્યા છે. 

વન-ડેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૧૫૧

ઑસ્ટ્રેલિયાની જીત

૮૪

ભારતની જીત

૫૭

નો-રિઝલ્ટ

૧૦

 

champions trophy india australia international cricket council dubai cricket news sports news sports