શાર્દુલ અને વૉશિંગ્ટનનું સુંદર પ્રદર્શન

18 January, 2021 03:25 PM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

શાર્દુલ અને વૉશિંગ્ટનનું સુંદર પ્રદર્શન

શાનદાર, જાનદાર, જબરદસ્ત: વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે ગઈ કાલે ટીમ ઇન્ડિયાને જબરદસ્ત મુસીબતમાંથી ઉગારી લીધી હતી. બન્નેએ શાનદાર હાફ-સેન્ચુરી ફટકારી હતી અને ૧૨૩ રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. (તસવીર: પી.ટી.આઇ.)

બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં સિડની ટેસ્ટ રોચક રીતે ડ્રૉ રહ્યા બાદ ભારત-ઑસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ પોતાના નામે કરવા એકમેકને હરાવવાની પૂરી મહેનત કરી રહ્યા છે. અત્યાર સુધી આ સિરીઝ ૧-૧ની બરાબરી પર છે, એવામાં ગઈ કાલે અંતિમ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે એક સમયે ફસડાઈ પડેલી ટીમ ઇન્ડિયાને તેના બે બિનઅનુભવી પ્લેયર્સે ઉગારવામાં પાયાની મદદ કરી હતી. પોતાની ટેસ્ટ ક્રિકેટ કરીઅરની બીજી મૅચ રમી રહેલા શાર્દુલ ઠાકુરે ૧૧૫ બૉલમાં ૯ ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને ૬૭ રન બનાવ્યા હતા, જ્યારે ડેબ્યુ ટેસ્ટ મૅચ રમી રહેલા વૉશિંગ્ટન સુંદરે ૧૪૪ બૉલમાં ૭ ચોગ્ગા અને એક સિક્સર વડે ૬૨ રનની પારી રમીને અનેક રેકૉર્ડ પોતાના નામે કરી લીધા હતા. 

પુજારા-રહાણેએ કરી શરૂઆત

બીજા દિવસે વરસાદને લીધે મૅચ વહેલી સમાપ્ત કરવામાં આવી હતી, જેના બાદ ગઈ કાલે ટીમ ઇન્ડિયાના બે અનુભવી પ્લેયર્સ ચેતેશ્વર પુજારા અને ભારતીય ટીમનાે કૅપ્ટન અજિંક્ય રહાણે ટીમના સ્કોરને બે વિકેટે ૬૨ રનથી આગળ વધારવા મેદાનમાં ઊતર્યા હતા. આ બંન્ને પ્લેયર્સ ટીમના સ્કોરમાં ૪૩ રનનો ઉમેરો કરી શક્યા હતા, જેના બાદ ઑસ્ટ્રેલિયન ટીમને ચેતેશ્વર પુજારાના રૂપમાં દિવસની પહેલી વિકેટ મળી હતી. પુજારા ૨૫ રને જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. તેના બાદ પાછળ-પાછળ અજિંક્ય રહાણે ૯૩ બૉલમાં ૩૭ રન કરી અને મયંક અગરવાલ ૭૫ બૉલમાં ૩૮ રન કરી આઉટ થયા હતા. સિડની ટેસ્ટ મૅચના હીરો રિષભ પંત પાસેથી મોટા સ્કોરની આશા આ વખતે કામ નહોતી લાગી અને ટીમ ઇન્ડિયાએ પંતના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. ૨૯ બૉલમાં ૨૩ રન કરનારો રિષભ પંત પણ હેઝલવુડનો શિકાર બન્યો હતો.

ઠાકુર-વૉશિંગ્ટને જોડી જમાવી

રિષભ પંત આઉટ થયો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર છ વિકેટે ૧૮૬ રન હતો અને તેના આઉટ થયા બાદ ટીમના બે બિન-અનુભવી પ્લેયર્સ શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદર મેદાનમાં રમી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયન ટીમ મૅચમાં પોતાનો દબદબો બનાવી રહી હતી, પણ આ બન્ને યુવા પ્લેયર્સે પોતાની પ્રતિભાનો પરચો આપી ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. શાર્દુલ ઠાકુરે તો આવતાંની સાથે જ ૬૮મી ઓવર નાખવા આવેલા અનુભવી અને દિગ્ગજ બોલર પેટ કમિન્સના પહેલા બૉલ પર સિક્સર ફટકારી પોતાનો ઇરાદો દર્શાવી દીધો હતો. શાર્દુલની આ બીજી જ ટેસ્ટ મૅચ છે જેમાં તેણે ૧૧૫ બૉલમાં નવ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી ટીમ માટે સર્વાધિક ૬૭ રનની પારી રમી હતી. તો વળી ડેબ્યુ ટેસ્ટ મૅચ રમી રહેલા વૉશિંગ્ટન સુંદરે પણ ૧૪૪ બૉલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી ૬૨ રનની પારી રમી હતી. ઇન્ટરનૅશનલ ટેસ્ટ ક્રિકેટના આ બન્ને બિન-અનુભવી પ્લેયર્સે પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચુરી પણ પૂરી કરી હતી. ૈૈૈશાર્દુલે નૅથન લાયનની ઓવરના પહેલા જ બૉલ પર સિક્સર ફટકારી પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચુરીને યાદગાર બનાવી દીધી હતી. સાતમી વિકેટ માટે બન્નેએ ૧૨૩ રનની રેકૉર્ડ બ્રેક પારી રમી લોકોની વાહવાહી મેળવી હતી તેમ જ ઑસ્ટ્રેલિયન બોલરોને ખાસ્સા

હેરાન-પરેશાન કર્યા હતા.

વૉશિંગ્ટનના આઉટ થયા બાદ પૂંછડિયા પ્લેયર્સ ટીમના સ્કોરને વધારે આગળ લઈ જઈ શક્યા ન હતા.

હેઝલવુડનો પંજો ભારે પડ્યો

એક બાજુ પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચ રમી રહેલા નૅથન લાયનને ૪૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો પ્રાપ્ત કરવા હજી ત્રણ વિકેટની જરૂરત છે ત્યાં ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગમાં જોશ હેઝલવુડને પાંચ વિકેટ લેવામાં સફળતા મળી હતી. તેણે ચેતેશ્વર પુજારા, મયંક અગરવાલ, રિષભ પંત, સૈની અને સિરાજની વિકેટ લીધી હતી.

સાતમા ક્રમે હાફ સેન્ચુરી ફટકારનાર પાંચમો બૅટ્સમૅન

ટીમ ઇન્ડિયા માટે પોતાની ડેબ્યુ ઇનિંગમાં સાતમા ક્રમે આવી હાફ સેન્ચુરી ફટકારનારો વૉશિંગ્ટન સુંદર પાંચમો ભારતીય બૅટ્સમૅન બની ગયો હતો. આ પહેલાં આ પ્રકારનું પરાક્રમ રાહુલ દ્રવિડ, યુવરાજ ઑફ પટિયાલા યાદવિન્દ્ર સિંહ, બાપુ નાડકર્ણી અને દિલાવર હુસૈન કરી ચૂક્યા છે. આ બધામાં સર્વોચ્ચ સ્કોર રાહુલ દ્રવિડનો છે જેણે ૧૯૯૬માં ઇંગ્લૅન્ડ સામે ૯૫ રનની પારી રમી હતી.

કાંગારૂઓએ લીધી ૫૪ રનની લીડ

ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં કરેલા ૩૬૯ રન સામે ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગમાં ૩૩૬ રન બનાવી શકી હતી. દિવસની શેષ રહેલી કેટલીક ઓવર રમવા ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નર અને માર્ક્સ હૅરિઝ ક્રિઝ પર આવ્યા હતા. દિવસના અંત સુધીમાં બન્નેએ ૨૧ રન બનાવી ટીમ ઇન્ડિયા પર કુલ ૫૪ રનની લીડ લઈ લીધી હતી. પહેલી ઇનિંગમાં એક રન કરી આઉટ થનારા વૉર્નરે બીજી ઇનિંગમાં ૨૨ બૉલમાં ઉપરાઉપરી ત્રણ ચોગ્ગા ફટકારી નાબાદ ૨૦ રન બનાવી લીધા છે, જ્યારે માર્ક્સ હૅરિસ ૧૪ બૉલમાં એક રન બનાવીને ક્રિઝ પર બનેલો છે.

તોડ્યો કપિલ દેવ અને મનોજ પ્રભાકરનો રેકૉર્ડ

ગાબાના ગ્રાઉન્ડ પર પહેલી ઇનિંગમાં વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સાતમી વિકેટ માટે ૧૨૩ રનની રેકૉર્ડ પાર્ટનરશિપ કરી કપિલ દેવ અને મનોજ પ્રભાકર વચ્ચે ૧૯૯૧માં સાતમી વિકેટ માટે થયેલી ૫૮ રનની પારીનો રેકૉર્ડ તોડી દીધો હતો. આ યાદીમાં ત્રીજા સ્થાને મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્વિનની જોડીનું નામ નોંધાયેલું છે, જેમણે ૨૦૧૪માં સાતમી વિકેટ માટે ૫૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ચોથા ક્રમે રવિ શાસ્ત્રી અને મનોજ પ્રભાકર વચ્ચે ૧૯૯૧માં ૪૯ રનની થયેલી ભાગીદારી અને પાંચમા ક્રમે ૧૯૬૮માં એમ. એલ. જયસિમ્હા અને બાપુ નાડકર્ણી વચ્ચે થયેલી ૪૪ રનની પાર્ટનરશિપનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામે ભારતે સાતમી વિકેટ માટે કરેલી સૌથી મોટી પારી ૨૦૪ રનની છે જે ૨૦૧૯માં સિડનીમાં રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત વચ્ચે થઈ હતી. જોકે વરસાદને કારણે એ મૅચ ધોવાતાં ડ્રૉ થઈ હતી.

વૉશિંગ્ટન સુંદરે તોડ્યો ૧૧૦ વર્ષ જૂનો રેકોર્ડ

ગાબા ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરનારા પ્લેયર વૉશિંગ્ટન સુંદરે સાતમા ક્રમે આવી પોતાની ડેબ્યુ ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારી ૧૧૦ વર્ષ જૂના રેકૉર્ડને તોડી દીધો હતો. આ પ્રકારનું પરાક્રમ છેલ્લે ૧૯૧૧ની ૧૫ ડિસેમ્બરે નોંધાયું હતું, જ્યારે ઇંગ્લૅન્ડના ફ્રૅન્ક ફોસ્ટરે સિડનીમાં રમાયેલી પોતાની ડેબ્યુ ટેસ્ટ મૅચની બીજી ઇનિંગમાં સાતમા ક્રમે આવી ૫૬ રનની પારી રમી હતી. ફ્રૅન્કનો રેકૉર્ડ તોડી વૉશિંગ્ટન સુંદર ઑસ્ટ્રેલિયન ધરતી પર ડેબ્યુ ટેસ્ટ મૅચમાં સાતમા નંબરે આવી હાફ સેન્ચુરી ફટકારનારો દુનિયાનો પહેલો પ્લેયર બની ગયો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પણ આ તેની પહેલી હાફ સેન્ચુરી હતી.

નૅથન લાયને કેમ બદલી બેલ્સ?

ઑસ્ટ્રેલિયાના ગઢ ગાબામાં ચાલી રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચમાં તેમને શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરે ખાસ્સા હેરાન કર્યા હતા. આ બન્નેએ મળીને સાતમી વિકેટ માટે રેકૉર્ડ ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી હતી. આ જોડીને તોડવાનો શ્રેય પેટ કમિન્સને મળ્યો હતો, પણ એ પહેલાં પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચ રમી રહેલા નૅથન લાયને મૅચ દરમ્યાન કરેલા એક તિકડમનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.

વાસ્તવમાં ઇનિંગની ૭૭મી ઓવર નાખવા આવેલા નૅથન લાયને બોલિંગ શરૂ કરતાં પહેલાં બોલિંગ એન્ડ પરના સ્ટમ્પ્સની ગિલ્લી (બેલ્સ)ની અદલાબદલી કરી હતી. તેણે કરેલી આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. કદાચ આ તેનો અંધવિશ્વાસ હોઈ શકે, પણ એ વાત પાક્કી છે કે કદાચ નૅથનને લાગતું હશે કે બેલ્સની અદલાબદલી કરવાથી તે આ બન્ને પ્લેયર્સની જોડી તોડી શકશે, પણ એમ થયું નહોતું. નૅથન લાયન હજી પણ ૪૦૦ ટેસ્ટ વિકેટના કર્તિમાનથી ત્રણ વિકેટ દૂર છે.

શાર્દુલ અને વૉશિંગ્ટનને વિરાટે વખાણ્યા

ટીમ ઇન્ડિયાના રેગ્યુલર કૅપ્ટન વિરાટ કોહલીએ વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરની ધમાકેદાર ઇનિંગના ટ્વિટર પર વખાણ કર્યાં હતાં. કોહલીએ કહ્યું કે ‘સુંદર અને શાર્દુલે શાનદાર આત્મવિશ્વાસ અને સમર્પણનો પરચો આપ્યો. આ જ ટેસ્ટ ક્રિકેટની ખાસિયત છે. વૉશિ તે ડેબ્યુ ટેસ્ટમાં ઉચ્ચસ્તરીય ધૈર્ય બતાવ્યું અને તુલા પરત માનલા રે ઠાકુર’ (તને માની ગયો ઠાકુર) સોશ્યલ મીડિયા પર આ બન્ને પ્લેયર્સનાં ભારોભાર વખાણ કરવામાં આવ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયા સામે ભારતની સાતમી વિકેટ માટે ૧૦૦ પ્લસ ભાગીદારી

રન   પ્લેયર્સ                       સ્ટેડિયમ          વર્ષ

૨૦૪ રિષભ પંત-રવિન્દ્ર જાડેજા     સિડની            ૨૦૧૮-૧૯

૧૩૨ વિજય હઝારે-હેમુ અધિકારી   ઍડીલેડ          ૧૯૪૭-૪૮

૧૨૩ વૉશિંગ્ટન સુંદર-શાર્દુલ ઠાકુર  બ્રિસ્બેન           ૨૦૨૦-૨૧

sports sports news cricket news india australia