લાયનની ગર્જના સામે ભારતીય ક્રિકેટરો મીંદડી

03 March, 2023 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માત્ર પુજારાએ ફાઇટ આપી : ઑસ્ટ્રેલિયાએ ૮૮ રનની લીડ લીધા પછી સ્પિનર નૅથન લાયને લીધી ૮ વિકેટ : ઉમેશ કહે છે કે અમે ઑસ્ટ્રેલિયાને ૭૬ રન નહીં બનાવવા દઈએ

સ્પિનર નૅથન લાયને લીધી ૮ વિકેટ

ભારતીય ટીમ ગઈ કાલે ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે બીજા દાવમાં ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન (૨૩.૩-૧-૬૪-૮) સામે ઝૂકી ગઈ હતી, આખી ટીમ ૧૬૩ રનમાં ઑલઆઉટ થઈ જતાં કાંગારૂ ટીમને જીતવા માટે ફક્ત ૭૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે પહેલા દાવમાં ૧૨ રનમાં ત્રણ વિકેટ લેનાર પેસ બોલર ઉમેશ યાદવનું દૃઢપણે માનવું છે કે ‘ઇન્દોરની પિચમાં હજી ઘણા ટર્ન મળી રહ્યા છે અને બાઉન્સ પણ સારાએવા પ્રમાણમાં કરી શકાય એમ છે અને બૉલ ઘણી વાર નીચો રહી જાય છે. એ બધું જોતાં શુક્રવારે અમે ઑસ્ટ્રેલિયાને ૭૬ રનના ટાર્ગેટ સુધી પહોંચવા નહીં દઈએ.’

ઉમેશે ગઈ કાલની રમત પછીની મુલાકાતમાં પત્રકારોને કહ્યું કે ‘તમે બધા જાણો છો કે ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. અમે લાઇન ઍન્ડ લેંગ્થ જાળવવાનો પૂરો પ્રયાસ કરીશું. ટાર્ગેટ ઓછો છે, પણ આ પિચની ક્રીઝ પર ટકી રહેવું બૅટર્સ માટે મુશ્કેલ છે.’

લાયનની ભારત સામે ફરી ૮ વિકેટ
ઑફ સ્પિનર નૅથન લાયને પહેલા દાવમાં ૩૫ રનમાં ત્રણ વિકેટ લીધા પછી ગઈ કાલે બીજા દાવમાં ૬૪ રનમાં ૮ શિકાર કર્યા હતા. તેની આ ૧૧૮મી મૅચ છે, જેમાં તેણે કરીઅરનો સેકન્ડ-બેસ્ટ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. ૨૦૧૭માં લાયને બૅન્ગલોરમાં ભારત સામેની ટેસ્ટના પહેલા દાવમાં ૫૦ રનમાં ૮ વિકેટ લીધી હતી અને કરીઅરનો એ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. ગઈ કાલે મિચલ સ્ટાર્ક અને ટીમના બીજા સ્પિનર મૅથ્યુ કુહનેમનને એક-એક વિકેટ મળી હતી. ત્રીજા સ્પિનર ટૉડ મર્ફીને ૧૪ ઓવરમાં ૧૮ રનના ખર્ચે વિકેટ નહોતી મળી.

પુજારા બન્યો ‘ધ વૉલ’
ગઈ કાલે બીજા દાવમાં એકમાત્ર ચેતેશ્વર પુજારા (૫૯ રન, ૧૪૨ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો. તેની અને શ્રેયસ ઐયર (૨૬ રન, ૨૭ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે ૩૫ રનની ભાગીદારી થઈ હતી. સ્પિનિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલ ૧૫ રને અણનમ રહ્યો હતો, પરંતુ એ જ પિચ પર એ પહેલાં રોહિત શર્મા (૧૨), શુભમન ગિલ (૫), વિરાટ કોહલી (૧૩), રવીન્દ્ર જાડેજા (૭) અને શ્રીકાર ભરત (૩) સારું નહોતા રમી શક્યા. રવિચન્દ્રન અશ્વિન પાસે મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પણ તે ૨૮ બૉલમાં ૧૬ રન બનાવીને લાયનના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો.

પહેલા દાવમાં ભારતના ૧૦૯ રન સામે ઑસ્ટ્રેલિયાના ૧૯૭ રન હતા.

18
બન્ને દાવ મળીને ભારતની ૨૦માંથી આટલી વિકેટ ઑસ્ટ્રેલિયાના સ્પિનર્સે લીધી, એક રનઆઉટ થયો અને એક વિકેટ પેસ બોલરને મળી.

sports sports news cricket news india australia test cricket