૩૩ વર્ષનો કોહલી ‘એનર્જેટિક પ્લેયર ઑફ ધ મૅચ’ અવૉર્ડ સાથે દોડીને પાછો આવ્યો!

28 September, 2022 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોહલી એક મહિનાનો જાતે જ બ્રેક લીધા પછી પાછો રમવા આવ્યો છે ત્યારથી તેનામાં વધુ ને વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો છે

વિરાટ કોહલી રવિવારે હૈદરાબાદમાં ‘એનર્જેટિક પ્લેયર ઑફ ધ મૅચ’નો પુરસ્કાર સ્વીકાર્યા પછી દોડીને સાથીઓ પાસે પાછો દોડી આવ્યો હતો (ડાબે). પછીથી તેણે મૅક્સવેલ સાથે હળવી ગુફ્તેગૂ પણ કરી હતી (જમણે).

૨૦૦૮માં ઇન્ટરનૅશનલ મૅચ રમવાની શરૂઆત કરનાર વર્તમાન ટીમ ઇન્ડિયાના (દિનેશ કાર્તિક, રોહિત શર્મા પછીના) સૌથી અનુભવી ખેલાડી વિરાટ કોહલીને અગાઉ ક્યારેય ઇનામ-વિતરણ સમારંભમાં જોવા ન મળ્યો હોય એવો રવિવારે હૈદરાબાદમાં ઑસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક ટી૨૦ મૅચ પછી જોવા મળ્યો હતો. ભારતે ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું હતું.

કોહલીએ એ દિવસના મૅન ઑફ ધ મૅચ અને ૩૬ બૉલમાં ૬૯ રન બનાવનાર સૂર્યકુમાર યાદવની હાજરીમાં કેટલાક કાબિલેદાદ શૉટ માર્યા હતા. તેણે ૪૮ બૉલમાં ૪ સિક્સર અને ૩ ફોરની મદદથી ૬૩ રન બનાવ્યા હતા. તેણે ટી૨૦ની આ ૩૩મી હાફ સેન્ચુરી સાથે સૂર્યકુમાર સાથે ૧૦૪ રનની ભાગીદારી કરી હતી. રમતી વખતે કોહલીમાં જે ઊર્જાની ઝલક જોવા મળતી હોય છે એ ટીમના ઘણા યુવાન ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનતી હશે. એ દિવસે મૅચ પછી જ્યારે કોહલીને ‘એનર્જેટિક પ્લેયર ઑફ ધ મૅચ’ નામના નવા અવૉર્ડ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ ઉત્સાહપૂર્વક લેવા આવ્યો હતો અને પાછા જતી વખતે તેનામાં અનેકગણો વધુ જોશ અને જુસ્સો જોવા મળ્યો હતો. તે અવૉર્ડ સ્વીકાર્યા પછી (મજાકમાં) દોડીને સાથીઓ પાસે પહોંચી ગયો હતો. આ જોઈને ત્યાં ઊભેલા બધા હસી પડ્યા હતા. પછીથી કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના સાથી-પ્લેયર ગ્લેન મૅક્સવેલ સાથે પણ થોડી મજાક-મસ્તી કરી હતી.

સાઉથ આફ્રિકા સામેની આજની મૅચ પહેલાં કેરલા રાજ્યના પાટનગર તિરુવનંતપુરમમાં ગ્રીનફીલ્ડ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની બહાર મૂકવામાં આવેલું વિરાટ કોહલીનું મહાકાય કટઆઉટ (ડાબે). આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં મેલબર્નમાં V આકારમાં વિરાટ કોહલીનું વિશાળ પોસ્ટર મૂકવામાં આવ્યું છે.

કોહલી એક મહિનાનો જાતે જ બ્રેક લીધા પછી પાછો રમવા આવ્યો છે ત્યારથી તેનામાં વધુ ને વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. તે પહેલાંની જેમ પુષ્કળ રન બનાવતો થયો છે, મને લાગે છે કે તેની પાવરગેમ ખરા સમયે પાછી આવી ગઈ છે. બૉલને બરાબર પારખીને તે બાઉન્ડરીલાઇનની બહાર મોકલવા માંડ્યો છે. : સંજય માંજરેકર

અગાઉ ભારત માટે ધોની ટાર્ગેટ ચેઝ કરી આપતો હતો, પણ હવે એ કામ કોહલી કરી રહ્યો છે. મારી દૃષ્ટિએ અત્યારે વિશ્વના બેસ્ટ ચેઝ-માસ્ટર્સમાં હું કોહલીનું નામ અચૂક લખીશ. તેની કન્સિસ્ટન્સી લાજવાબ છે. : અજય જાડેજા

 

sports news sports indian cricket team cricket news glenn maxwell virat kohli t20 international