હાર્દિક કાંગારૂઓને ફરી ભારે પડશે?

21 March, 2023 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે નિર્ણાયક વન-ડે : ૨૦૧૭માં ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્દિક પહેલી જ વાર વન-ડે રમ્યો અને ભારતને જિતાડેલું

હાર્દિક પંડ્યા

ઑક્ટોબરમાં ઘરઆંગણે રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝ ખૂબ અગત્યની છે અને એ શ્રેણીની નિર્ણાયક મૅચ આવતી કાલે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) ચેન્નઈમાં રમાવાની છે. રોહિત શર્માની કૅપ્ટન્સી માટે આ મૅચ અત્યંત મહત્ત્વની છે, વન-ડે વિશ્વકપની ટીમ તૈયાર કરવા સંબંધે પણ આ મુકાબલો ખૂબ અગત્યનો છે.

ભારત ૨-૧થી સિરીઝ જીતશે?

શુક્રવારે હાર્દિક પંડ્યાના સુકાનમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ૬૧ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના તફાવતથી શ્રેણીની પહેલી મૅચ જીતી લીધી હતી, પણ રવિવારે વિશાખાપટનમમાં રોહિતના સુકાનમાં ભારતીય ટીમે ફક્ત ૧૧૭ રનમાં ઑલઆઉટ થતાં સરિયામ નિષ્ફળતા જોઈ અને ઑસ્ટ્રેલિયનોએ એકેય વિકેટ ગુમાવ્યા વગર ૧૨૧ રન બનાવીને શ્રેણીને ૧-૧થી બરાબરીમાં લાવી દીધી હતી. આવતી કાલે ભારતને ૨-૧થી જીતવાનો મોકો છે.

હાર્દિકના હતા ૮૩ રન, બે વિકેટ

હવે આવતી કાલે ચેન્નઈમાં બન્ને ટીમની આકરી કસોટી છે. કૅપ્ટન તો રોહિત જ છે, પરંતુ હાર્દિકે ફરી કમાલ દેખાડવાની છે. ૩૧ માર્ચે આઇપીએલ શરૂ થઈ રહી છે અને એમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સને ફરી ટ્રોફી જીતવાની દિશામાં મોકલતાં પહેલાં હાર્દિકે આવતી કાલે ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાને બીજી વાર મજા ચખાડવાની છે. હાર્દિક ઑસ્ટ્રેલિયા સામે સૌથી પહેલી વન-ડે ૨૦૧૭ની ૧૭ સપ્ટેમ્બરે ચેન્નઈમાં રમ્યો હતો અને એમાં તેણે ૬૬ બૉલમાં પાંચ સિક્સર, પાંચ ફોરની મદદથી ૮૩ રન બનાવ્યા હતા અને પછી કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૧) અને ટ્રેવિસ હેડ (૫)ની મહત્ત્વની વિકેટ લીધી હોવાથી ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૮૨ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૨૧ ઓવરમાં ૧૬૪ રન બનાવવાનું કહેવામાં આવ્યા બાદ ૯ વિકેટે ૧૩૭ રન બનાવી શકતાં ભારતનો ૨૬ રનથી વિજય થયો હતો અને હાર્દિકે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.

આવતી કાલે ફરી ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે રમાવાની છે અને હાર્દિકના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ પર ફરી બધાની નજર રહેશે.

sports news sports cricket news indian cricket team hardik pandya australia