24 September, 2023 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આજે ઇન્દોરમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે રમશે ત્યારે પહેલી મૅચમાં ખાસ કંઈ ઉકાળી ન શકનાર શ્રેયસ ઐયર રન બનાવવાનો અને રવિચન્દ્રન અશ્વિન વિકેટ ઝડપવાનો પ્રયત્ન કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ચાર મુખ્ય ખેલાડીને આરામ આપવામાં આવ્યો હોવા છતાં ભારતે પહેલી વન-ડેમાં સરળતાથી વિજય મેળવ્યો હતો. હવે હોળકર સ્ટેડિયમમાં વિજય મેળવીને સિરીઝ જીતવા માગશે. ગઈ કાલે શહેરમાં વરસાદ પડવાથી ગરમીમાં ઘટાડો થયો છે.
ફિટનેસને લઈને સવાલ
શુક્રવારે રમાયેલી મૅચ ભારત માટે ઘણી બધી રીતે સકારાત્મક બની રહી હતી, જેમાં મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે પાંચમી ઑક્ટોબરથી શરૂ થતા વર્લ્ડ કપ પહેલાં ભારતે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. ચોથા ક્રમે આવતા શ્રેયસ ઐયરના ફિટનેસ મામલે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ. પીઠના દુખાવાને કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. વળી શુક્રવારે પણ તે રનઆઉટ થયો હતો તેમ જ માત્ર ૮ બૉલ જ રમી શક્યો હતો. આગામી બે મૅચમાં તે રન બનાવીને ટીમને તેમ જ જાતને પણ વર્લ્ડ કપ પહેલાં મજબૂત સ્થિતિમાં મૂકવા માગશે.
વૉશિંગ્ટનને તક?
બીજી તરફ વન-ડે ટીમમાં વાપસી કરનાર અશ્વિન પણ ઑસ્ટ્રેલિયાના બૅટર્સ પણ કાબૂ મેળવવામાં સફળ થયો નહોતો. જો અક્ષર પટેલ સમયસર સાજો નહીં થાય તો તેની ટીમમાં પસંદગી થઈ શકે છે. ટીમ જો કદાચ વૉશિંગ્ટન સુંદરને તક આપે તો અશ્વિને બહાર બેસવાનો વારો આવી શકે છે. શાર્દૂલ ઠાકુરે શુક્રવારે ૧૦ ઓવરમાં ૭૮ રન આપ્યા હતા. એ પણ પોતાના પ્રદર્શનને સુધારવા માગશે. તે હંમેશાં વિકેટ લઈ જાય છે તેમ જ બૅટ વડે પણ સારું પ્રદર્શન કરે છે. જોકે આ વાત વન-ડે ફૉર્મેટમાં તે સાબિત કરી શક્યો નથી. એથી વન-ડેમાં તે પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.
કમિન્સ નહીં રમે
બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં આખરે સૂર્યકુમાર યાદવે લાંબા સમય બાદ વન-ડેમાં સારું પ્રદર્શન કર્યું છે. મૅનેજમેન્ટ દ્વારા તેને દરેક મૅચમાં ૪૫થી ૫૦ બૉલ રમવા માટે કહ્યું છે. આટલા બૉલમાં તે ચોક્કસ પોતાનો પ્રભાવ મૅચમાં પાડી શકે છે. ભારતની જેમ જ ઑસ્ટ્રેલિયાની ટીમમાં મિચલ સ્ટાર્ક, ગ્લેન મૅક્સવેલ અને જોસ હેઝલવુડ જેવા ખેલાડીઓ નથી. કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું હતું કે તે રાજકોટની મૅચમાં રમી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા ભારત સામેની વન-ડે સિરીઝ જીત્યું હતું. એથી એના માટે પણ રવિવારની મૅચમાં વિજય મેળવવો મહત્ત્વનો છે. ડેવિડ વૉર્નરે પોતાનું સારું ફોર્મ જાળવી રાખ્યું છે.