મોહાલીમાં ભારતનું જ રાજ

20 September, 2022 12:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયા ત્રણેય ટી૨૦ જીતી છે : આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકાબલો

વિરાટ કોહલી

આગામી ઑક્ટોબરના ટી૨૦ વર્લ્ડ કપના યજમાન ઑસ્ટ્રેલિયાની ટીમ સામે આજે ભારતની ઘરઆંગણે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે જેની પ્રથમ મૅચ મોહાલીમાં રમાશે. ટીમ ઇન્ડિયા માટે મોહાલીનું ગ્રાઉન્ડ ફેવરિટ રહ્યું છે. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સની વાત કરીએ તો ભારત પંજાબ રાજ્યના ચંડીગઢમાં મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં જે ત્રણ ટી૨૦ રમ્યું છે એ ત્રણેય જીત્યું છે.

૨૦૦૯માં શ્રીલંકા સામે ભારત ૬ વિકેટે, ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયા સામે ૬ વિકેટે અને ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીના ૨૦૧૬ની સાલના અણનમ ૮૨ રન મોહાલીમાં ટી૨૦માં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. કોહલીએ ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે પણ અણનમ હાફ સેન્ચુરી (બાવન બૉલમાં અણનમ ૭૨) ફટકારી હતી. મોહાલીમાં અણનમ રહેલા કોહલીનો ૧૪૯.૫૧નો સ્ટ્રાઇક-રેટ છે. ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી૨૦ ૨૩ સપ્ટેમ્બરે નાગપુરમાં અને છેલ્લી ટી૨૦ ૨૫ સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.

વિરાટ કોહલી એવો બૅટર છે જેને કોઈ પણ તબક્કે આઉટ કરવા માટે ખેલાડીમાં મોટી હિંમત હોવી જોઈએ. ૧૫ વર્ષમાં કોહલી પોતાને ઑલ-ટાઇમ ગ્રેટેસ્ટ પ્લેયર્સમાંના એક ખેલાડી તરીકે સાબિત કરી ચૂક્યો છે. હી ઇઝ સુપર્બ. ૭૧ ઇન્ટરનૅશનલ સેન્ચુરી તેના નામે લખાયેલી છે. એટલે જ કહું છું કે હિંમતવાન ખેલાડી જ કોહલીની વિકેટ લઈ શકે. : ઍરોન ફિન્ચ, (ઑસ્ટ્રેલિયાનો ટી૨૦ કૅપ્ટન)

sports news sports indian cricket team cricket news t20 international virat kohli mohali