ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

05 December, 2021 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

ગઈ કાલે કલકત્તાની એજીએમ દરમ્યાન ગાંગુલી અને તેમના સેક્રેટરી જય શાહ. શુક્રવારે ઈડનમાં ફ્રેન્ડ્લી મૅચ દરમ્યાન ગાંગુલીએ પોતાના ફેવરિટ ઑફ-સાઇડના શૉટ ફટકાર્યા હતા અને ૨૦ બૉલમાં ૩૫ રન બનાવ્યા હતા. (તસવીર : એ.એફ.પી.)

ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકાનો આગામી પ્રવાસ રદ થશે એવો ડર હતો, પરંતુ ગઈ કાલે કલકત્તામાં બીસીસીઆઇની મીટિંગમાં નક્કી કરાયા મુજબ આ પ્રવાસ ચાલુ તો રાખવામાં આવશે, પરંતુ અઠવાડિયું મોડો શરૂ થશે અને ટી૨૦ સિરીઝને હમણાં શેડ્યુલમાંથી આઉટ કરી દેવામાં આવી છે.
એ સાથે કોવિડના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનના ભયને લઈને ટૂરની બાબતમાં જે અટકળો થતી હતી એ હવે શાંત થઈ ગઈ છે. આ જાહેરાત બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડે કરી હતી. ચાર ટી૨૦ મૅચ પછીથી રમાશે અને સાઉથ આફ્રિકાના બોર્ડે જણાવ્યું હતું કે એ શ્રેણીની વિગતો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.
૨૬મીથી રમાશે પ્રથમ ટેસ્ટ
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટરો ૯ ડિસેમ્બરે ભારતથી રવાના થવાના હતા, પણ હવે એક અઠવાડિયું મોડા જશે. એનો અર્થ એ છે કે અગાઉ નક્કી થયા મુજબ પ્રથમ ટેસ્ટ ૧૭ ડિસેમ્બરે શરૂ નહીં થાય. આ ટૂરમાં ભારતીયો ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે.
સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ ૨૬ ડિસેમ્બરે શરૂ થશે. બીજી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં અને ત્રીજી ૧૧ કે ૧૨ જાન્યુઆરીથી કેપ ટાઉનમાં રમાશે. ત્યાર પછી ત્રણેય વન-ડે કેપ ટાઉનમાં જ રમાશે.
દરરોજ હજારો નવા કેસ બને છે
સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે. એ દેશમાં નવેમ્બરમાં રોજના લગભગ ૨૦૦ જેટલા નવા કેસ બનતા હતા, પણ હવે દૈનિક કેસની સંખ્યા ૧૬,૦૦૦ની ઉપર પહોંચી છે.

આઇપીએલની અમદાવાદ ટીમની સટ્ટાબાજી સાથેની કડીની તપાસ થશે

આઇપીએલની ૨૦૨૨ની સીઝન પહેલાં જાન્યુઆરીમાં ખેલાડીઓની મોટા પાયે હરાજીનો કાર્યક્રમ યોજાશે અને એમાં ભાગ લેનારી બે નવી ટીમમાંની એક અમદાવાદની ટીમની માલિકી ખરીદનાર સીવીસી કૅપિટલના ભારત બહારની સટ્ટો રમાડતી અમુક કંપનીઓ સાથેના સંબંધોની તપાસ થશે, એવું ગઈ કાલે કલકત્તામાં બીસીસીઆઇની વાર્ષિક સભામાં નક્કી થયું હતું.
અમદાવાદની ટીમ ખરીદવાની હરીફાઈમાં સીવીસી સામે અદાણી ગ્રુપનો જરાક માટે પરાજય થયો હતો. સીવીસીએ બીસીસીઆઇને અમદાવાદની ટીમ ખરીદવા બદલ ૫૬૨૫ કરોડ આપવાના રહેશે.

sports sports news cricket news india south africa