ઇંગ્લૅન્ડની સ્પિનરો સામે રમવાની નબળાઈનો ભારતે ઉઠાવ્યો લાભ: ઇયાન ચૅપલ

01 March, 2021 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની સ્પિનરો સામે રમવાની નબળાઈનો ભારતે ઉઠાવ્યો લાભ: ઇયાન ચૅપલ

ઇન્ડિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી સિરીઝમાં ભારતે ૨-૧થી લીડ લઈને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મૅચ ભારત પોતાની ટૅલન્ટના આધારે જીત્યું કે પિચને લીધે એવા અનેક મુદ્દા પર ચાલી રહેલા વિવાદમાં હવે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલે આગળ આવી પોતાનો મત મૂક્યો છે. ચૅપલના મતે ભારતે બીજી ટેસ્ટમાં સ્પિનરો સામે રમવાની ઇંગ્લૅન્ડની અયોગ્યતા માપી લીધી હતી, જેનો લાભ એણે ત્રીજી ટેસ્ટ મૅચમાં ઉઠાવ્યો.

પોતાના વિચાર જણાવતાં ઇયાન ચૅપલે કહ્યું કે ‘ત્રીજી ટેસ્ટ મૅચમાં ભારતે ત્રણ સ્પિનરને રમાડવાનો નિર્ણય લીધો હતો, કારણ કે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં જો રૂટને બાદ કરતાં અન્ય કોઈ પણ ખેલાડી સ્પિનર સામે રમી નહોતા શક્યા. ભારતે આ વાત જાણી એનો ‍ફાયદો પોતાના માટે ત્રીજી ટેસ્ટમાં કર્યો, જેનાથી ઇંગ્લૅન્ડની ટીમને ઘણી અસર પડી. ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમ સસ્તામાં એટલા માટે આઉટ થઈ, કેમ કે તેમના બૅટ્સમેનોને પોતાની ડિફેન્સિવ ગેમ પર ભરોસો નહોતો અને તેઓ આક્રમકતા સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ક્રીઝથી બહાર આવી રિવર્સ સ્વીપ મારવાનો પણ તેઓ પ્રયાસ કરી રહ્યા હતા, જે એનું સચોટ ઉદાહરણ છે. મને ખબર નથી પડતી કે પહેલાંથી મન બનાવીને રમેલા જોખમી શૉટ, સારા સ્પિનરોને અસ્થિર કરવા માટે ઉપયોગમાં લેવાયેલી ભરોસામંદ ટેક્નિકથી વધારે સારી કેવી રીતે હોઈ શકે છે?’

sports sports news england india