ઓપનિંગમાં તો કોહલી-રોહિત જ: ગાવસકર

22 March, 2021 11:18 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક મૅચમાં રોહિત-વિરાટે ટીમ માટે કરેલા ઓપનિંગને ઘણા ક્રિકેટપ્રેમીઓએ વખાણી હતી

સુનીલ ગાવસકર

ભારતે શનિવારે ટી૨૦માં વિરાટ કોહલી અને રોહિત શર્માને પહેલી વાર ટી૨૦માં ઓપ​નિંગ કરતા જોયા હતા અને એ જોડીને સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગની જોડી સાથે સરખા‍વામાં આવી હતી. ખુદ સેહવાગે પણ પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર ખુશી વ્યક્ત કરી હતી.

ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક મૅચમાં રોહિત-વિરાટે ટીમ માટે કરેલા ઓપનિંગને ઘણા ક્રિકેટપ્રેમીઓએ વખાણી હતી. ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરે તો આ બન્ને ખેલાડીઓ પાસેથી જ ઓપનિંગ કરાવવાની સલાહ આપી છે. ગાવસકરે કહ્યું કે ‘લિમિટેડ ઓવરની મૅચમાં ટીમના બેસ્ટ બૅટ્સમૅને વધારે ઓવર રમવી જોઈએ. એ જોતાં વિરાટ માટે એ ઘણું મહત્ત્વનું છે કે તે ટૉપ ઑર્ડરમાં સારી બૅટિંગ કરે. કદાચ, લોકેશ રાહુલે ટચ ગુમાવ્યો હશે, પણ એ ટીમ માટે ફાયદાકારક રહ્યું, કેમ કે ટીમને નવી ઓપનિંગ જોડીનો વિકલ્પ મળ્યો. સચિન તેન્ડુલકરનું પણ એક સમયે એમ જ હતું. તે પહેલાં નીચલા ક્રમે બૅટિંગ કરતો હતો, પણ સમય જતાં જ્યારે તેણે ટીમ માટે​ ઇનિંગ્સ ઓપન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેને અને ટીમને ઘણો ફાયદો થયો હતો. માટે મારું કહેવું છે કે બેસ્ટ બૅટ્સમૅનને શક્ય એટલી વધારે ઓવર રમવા મળવી જોઈએ જેથી ટીમની સ્થિતિ મૅચમાં મજબૂત બની શકે. હું આ ઓપનિંગની ફૉર્મ્યુલાને ટેકો આપું છું. તેઓ એકબીજાને સારા એવા પૂરક છે. તેમના સારા પ્રદર્શનને લીધે નીચલા નંબરના બૅટ્સમૅન પર પ્રેશર ઓછું રહે છે.’

sports sports news cricket news sunil gavaskar virat kohli rohit sharma