30 September, 2025 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી વગર જ સેલિબ્રેશન કરતા અને ગ્રુપ-ફોટો પડાવતા ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફ
તાજેતરમાં પૂરી થયેલી એશિયા કપ ટુર્નામેન્ટમાં હૅન્ડશેક વિવાદમાં મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ સામે વાંધો લેવો, ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જવાની ધમકી આપવી અને ટુર્નામેન્ટ જીતનારી ટીમને ટ્રોફી ન સોંપવી વગેરે પગલાંઓને કારણે પાકિસ્તાન માટે ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવા વર્તન માટે પાકિસ્તાનની ક્રિકેટ બોર્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
પ્લેયર આૅફ ધ મૅચ : તિલક વર્મા
આવતા અઠવાડિયે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બોર્ડ-મીટિંગ છે. એમાં આ બાબતોની ચર્ચા સૌથી વધારે થવાની છે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
આ સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) આ મુદ્દો ICCની બોર્ડ-મીટિંગમાં ઉઠાવશે, કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચૅમ્પિયનશિપ દરમ્યાન થયેલા અનેક વિવાદોમાં જાણીજોઈને ટકરાવ ઊભો થાય એવું વલણ અપનાવ્યું હતું.
પ્લેયર આૅફ ધ ટુર્નામેન્ટ : અભિષેક શર્મા
રવિવારે એશિયા કપની ફાઇનલ મૅચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ PCB અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રેસિડન્ટ તથા પાકિસ્તાનના ઇન્ટીરિયર મિનિસ્ટર મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
ACCના અને ICCના અન્ય પદાધિકારીઓ તથા પ્રતિનિધિઓએ નકવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ પોતાનું વલણ બદલે અને ટ્રોફી હૅન્ડઓવર કરે. ACCના વાઇસ પ્રેસિડન્ટ તરીકે બંગલાદેશના અમિનુલ ઇસ્લામે ટ્રોફી આપવાની ઑફર કરી હતી જે ભારતને સ્વીકાર્ય હતું, પણ નકવી માન્યા નહોતા અને તેમણે આગ્રહ રાખ્યો હતો કે ACCના પ્રેસિડન્ટ તરીકે તેઓ પોતે જ ટ્રોફી આપશે.
સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે નકવી સતત ફોન પર જ વાત કરી રહ્યા હતા અને તેમના હાઇકમાન્ડ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યા હતા, જેમણે તેમને ઢીલ મૂકવાની ના પાડી હતી.
નકવીએ ACCના સ્ટાફને આદેશ આપ્યો હતો કે ટ્રોફીને અહીંથી ખસેડી દેવામાં આવે. આ આદેશથી બધા અચંબામાં મુકાઈ ગયા હતા અને ધ એમિરેટ્સ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)એ પણ નકવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ કોઈનું સાંભળવા તૈયાર નહોતા.
પ્રેઝન્ટેશન સેરેમની દરમ્યાન ભારતીય ખેલાડીઓની રાહ જોતા મોહસિન નકવી અને અન્યો
આ રીતે ટ્રોફી વિજેતાને આપ્યા વગર બીજે ખસેડી દેવાની ઘટના પહેલાં ક્યારેય બની નથી એમ કહીને સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ‘આ ઘટનાને એક મોટા ગુના તરીકે જોવામાં આવી શકે છે જે PCBના વિરોધમાં જઈ શકે છે. જો ICCની મીટિંગમાં BCCI એકદમ કડક વલણ અપનાવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ પગલું મોઘું પડી શકે છે.’
નકવી ટ્રોફી અને મેડલ આપવા તૈયાર, પણ...
ભારતીય ખેલાડીઓ ન આવ્યા એટલે ટ્રોફી પાછી મોકલી દેવાઈ હતી
એશિયા કપ ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી અને મેડલ આપવા મોહસિન નકવી તૈયાર છે એવું તેમણે જાહેર કર્યું છે, પણ એની સાથે મૂકેલી શરત એવી છે જે માનવા ભારતીય ટીમ કદી તૈયાર નહીં થાય. રવિવારની ફાઇનલ પછી શરૂ થયેલો આ વિવાદ શાંત થવાને બદલે સતત વકરતો હોવાથી નકવીએ સંદેશ મોકલાવ્યો હતો કે ટ્રોફી-મેડલ અર્પણ કરવા માટે એક વિશેષ ઔપચારિક સમારોહનું આયોજન કરવામાં આવે જેમાં તેઓ પોતે ભારતીય ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી શકે તો તેઓ ટ્રોફી આપવા તૈયાર છે.
દેશના લોકોના ચહેરા પર જે સ્માઇલ છે એ અમારી ટ્રોફી : સૂર્યકુમાર યાદવ
એશિયા કપ જીત્યા પછી ભારતને ટ્રોફી ન મળી એ વિશે પ્રતિભાવ આપતાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે દેશના લોકોના ચહેરા પર જે સ્માઇલ છે એ ટીમ માટે ખરો પુરસ્કાર છે, ટ્રોફી મળી કે નહીં એ મહત્ત્વનું નથી.