પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લૅન્ડ સામે ભારત એક વાર સિરીઝ જીતી શક્યું છે

11 February, 2021 11:14 AM IST  |  Chennai

પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લૅન્ડ સામે ભારત એક વાર સિરીઝ જીતી શક્યું છે

વિરાટ કોહલી

પહેલી ટેસ્ટમાં ૨૨૭ રનથી હાર બાદ હવે ટીમ ઇન્ડિયાએ જૂનમાં લૉર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવું હશે તો આ સિરીઝ ૨-૧થી જીતવી પડશે. આમ ભારતીય ટીમે હવે બાકીની ત્રણ ટેસ્ટમાંથી કમસે કમ બેમાં જીત મેળવવી પડશે અને એક ડ્રૉ કરાવવી પડશે.

કૅપ્ટન વિરાટ કોહલીએ પણ પહેલી ટેસ્ટમાં હાર બાદ કહ્યું હતું કે ટીમે કરેલી ઘણી ભૂલોનું પુનરાવર્તન થવા નહીં દઈને સિરીઝ જીતવાની કોશિશ કરશે.

ભારતીય ફૅન્સ પણ સોશ્યલ મીડિયામાં ભારતીય ટીમને છેલ્લી ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની યાદ અપાવીને હિંમત ન હારવાની સલાહ આપી રહ્યા છે અને તેમને ભરોસો છે કે ટીમ ઇન્ડિયા ફરી આવી કમાલ કરશે.

૧૯૭૨-’૭૩માં શું થયું હતું?

ભારતમાં રમાયેલી એ પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડે પહેલી દિલ્હી ટેસ્ટ ૬ વિકેટે જીતી લીધી હતી. જોકે ભારતીય ટીમે કમબૅક કરતાં બીજી કલકત્તા ટેસ્ટ ૨૮ રનથી અને ત્રીજી ચેન્નઈ ટેસ્ટ ચાર વિકેટે જીતી લીધી હતી. ચોથી અને પાંચમી ટેસ્ટ ડ્રૉ રહેતાં ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

ભારતે પાંચ વખત કરી છે આવી કમાલ

પહેલી ટેસ્ટ હાર્યા બાદ સિરીઝ જીતની કમાલ ભારતીય ટીમે પાંચ વખત કરી છે. સૌથી વધુ ત્રણ વાર ઑસ્ટ્રેલિયા સામે અને એક-એક વાર ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા સામે આવાં કારનામાં કરી ચૂકી છે, જેમાંથી ૨૦૧૫ બાદ ત્રણ વાર આવું કરતાં ઑસ્ટ્રેલિયાને બે વાર અને શ્રીલંકાને એક વાર પછડાટ આપી છે.

આ મામલે ઇંગ્લૅન્ડ છે નંબર-વન

આવી કમાલ સૌથી વધુ ૧૭ વાર ઇંગ્લૅન્ડે કરી છે. બીજા નંબરે ઑસ્ટ્રેલિયાએ ૧૨ વાર, ભારત અને વેસ્ટ ઇન્ડીઝે પાંચ-પાંચ વાર, સાઉથ આફ્રિકાએ ચાર વાર, શ્રીલંકાએ બે વાર તથા પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ પણ એક-એક વાર આવું કમબૅક કરી ચૂકી છે.

સૌથી વધુ જે ટીમ સામે આવું થયું એમાં હવે ઑસ્ટ્રેલિયા ૧૨ સિરીઝ સાથે ટૉપમાં છે. ઇંગ્લૅન્ડ ૧૧ સિરીઝ હાર સાથે બીજા નંબરે છે. ભારત સામે પણ પાંચ વાર આવું બની શક્યું છે.

વસીમ જાફર કહે છે, હિંમત ન હારો

ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વસીમ જાફરે પણ ટ્વીટ કરીને ભારતીય પ્રશંસકોને હિંમત ન હારવાનું કહીને લખ્યું હતું કે ભારતીય ટીમે છેલ્લી રમેલી સિરીઝમાં પહેલી મૅચ હાર્યા બાદ ૨-૧થી સિરીઝ જીતી છે અને ઘરઆંગણે પણ છેલ્લે ભારતે પહેલી ટેસ્ટ હાર્યા બાદ સિરીઝ જીતી છે. ઘરઆંગણે છેલ્લે ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયાએ ભારતને પહેલી પુણે ટેસ્ટમાં હરાવ્યું હતું, પણ ત્યાર બાદ ભારતીય ટીમે કમબૅક કરતાં ધરમશાળા અને બૅન્ગલોર ટેસ્ટ જીતીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

virat kohli cricket news sports sports news india england