13 May, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમેન્સ ટીમ
ફાઇનલ મૅચમાં સેન્ચુરી ફટકારીને સ્મૃતિ માન્ધના પ્લેયર ઑફ ધ મૅચ બની, સ્પિનર સ્નેહ રાણા જીતી પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ
ગઈ કાલે શ્રીલંકા સામે વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલમાં ૯૭ રને જીત મેળવી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ચૅમ્પિયન બની છે. ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની સેન્ચુરીના આધારે સાત વિકેટે ૩૪૨ રન ફટકારી દીધા હતા. સ્પિનર સ્નેહ રાણા અને ફાસ્ટ બોલર અમનજોત કૌરની શાનદાર બોલિંગના કારણે ૪૮.૨ ઓવરમાં યજમાન ટીમ શ્રીલંકા ૨૪૫ રને ઢેર થઈ ગઈ હતી.
૧૫ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૧ બૉલમાં ૧૧૬ રન ફટકારનાર સ્મૃતિ માન્ધનાએ પોતાની ઓપનિંગ પાર્ટનર પ્રતીકા રાવલ (૪૯ બૉલમાં ૩૦ રન) સાથે પહેલી વિકેટ માટે ૭૦ રન અને હરલીન દેઓલ (૫૬ બૉલમાં ૪૭ રન) સાથે બીજી વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (૩૦ બૉલમાં ૪૧ રન) અને જેમિમા રૉડ્રિગ્સે (૨૯ બૉલમાં ૪૪ રન)ની ઇનિંગ્સના કારણે પણ ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
શ્રીલંકા તરફથી તેમની કૅપ્ટન ચમરી અટ્ટાપટ્ટુ (૬૬ બૉલમાં ૫૧ રન) મોટી ઇનિંગ્સ રમી શકી હતી. સ્પિનર સ્નેહ રાણા (૩૮ રનમાં ચાર વિકેટ) અને ફાસ્ટ બોલર અમનજોત કૌર (૫૪ રનમાં ત્રણ વિકેટ)ની કડક બોલિંગને કારણે યજમાન ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી. પાંચ મૅચમાં સૌથી વધુ ૧૫ વિકેટ લેનાર સ્નેહ રાણા પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીતી હતી.
4
આટલી વાર વિમેન્સ વન-ડેમાં ૩૦૦ પ્લસ રનનો સ્કોર કરવાના ઑસ્ટ્રેલિયા (૨૦૧૮)ના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી ભારતે.
587
આટલા હાઇએસ્ટ રનવાળી મૅચ બની આ બન્ને ટીમની વન-ડે ઇતિહાસની.
શ્રીલંકાની ધરતી પર સૌથી મોટો વન-ડે સ્કોર કર્યો ભારતીય મહિલાઓએ
ભારતીય વિમેન્સ ટીમે ગઈ કાલે કોલંબોમાં જે ૩૪૨ રનનો સ્કોર કર્યો એ શ્રીલંકાની ધરતી પર સૌથી મોટો વિમેન્સ વન-ડે મૅચનો સ્કોર હતો. વિદેશી ધરતી પર ભારતીય ટીમનો આ હાઇએસ્ટ વિમેન્સ વન-ડે સ્કોર પણ રહ્યો છે.
મિતાલી રાજનો ૧૯ વર્ષ જૂનો કયો રેકાર્ડ તોડ્યો સ્મૃતિ માન્ધનાએ?
સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે ભારત તરફથી વિમેન્સ વન-ડેમાં હાઇએસ્ટ અગિયારમી સેન્ચુરી ફટકારીને મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. ૧૦૧ બૉલમાં ૧૧૬ રનનો સ્કોર એ વિમેન્સ વન-ડે ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બન્યો છે. તેણે મિતાલી રાજનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ ધ્વસ્ત કર્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મિતાલી રાજે ૨૦૦૬માં કરાચીમાં એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે જ ૧૨૧ બૉલમાં અણનમ ૧૦૮ રનની ઇનિંગ્સ રમી હતી. સ્મૃતિએ વિમેન્સ વન-ડેમાં હાઇએસ્ટ ૫૪ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પણ હવે પોતાના નામે કર્યો છે.