આજે ભારતના જુનિયર ક્રિકેટરોની સાઉથ આફ્રિકા સામે થશે કસોટી

15 January, 2022 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના ગ્રુપમાં આયરલૅન્ડ અને યુગાન્ડા પણ છે અને સાઉથ આફ્રિકા ભારતીયો માટે સૌથી મુશ્કેલ હરીફ છે

ભારતના જુનિયર ક્રિકેટરો

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ક્રિકેટરોની સિનિયર નૅશનલ ટીમ ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે સિરીઝ હારી જતાં હવે નામોશી સાથે વન-ડે સિરીઝમાં ઝુકાવશે ત્યારે વેસ્ટ  ગઈ કાલે શરૂ થઈ ગયેલા જુનિયર ક્રિકેટરોના વન-ડેના વર્લ્ડ કપમાં ભારતનો ગયાનાના જ્યૉર્જ ટાઉનમાં આજે (સાંજે ૬.૩૦ વાગ્યાથી) સાઉથ આફ્રિકા સાથે મુકાબલો છે. ભારતના ગ્રુપમાં આયરલૅન્ડ અને યુગાન્ડા પણ છે અને સાઉથ આફ્રિકા ભારતીયો માટે સૌથી મુશ્કેલ હરીફ છે.
યશ ધુલ ભારતનો અને જ્યૉર્જ વૅન હીર્ડેન સાઉથ આફ્રિકાનો કૅપ્ટન છે.
ભારત સૌથી વધુ ચાર વખત (૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮) અન્ડર-19 વિશ્વવિજેતા બન્યું છે. ભારતને આ વખતે મુખ્ય બૅટર હરનુર સિંહ પાસે સૌથી વધુ અપેક્ષા છે. તેણે તાજેતરના એશિયા કપમાં હાઇએસ્ટ ૨૫૧ રન બનાવ્યા હતા. એ ઉપરાંત ખુદ યશ તેમ જ પેસ બોલર રાજવર્ધન હંગારગેકર, વાઇસ-કૅપ્ટન અને બૅટર શેખ રશીદ તેમ જ લેફ્ટ-આર્મ પેસ બોલર રવિ કુમાર પાસે પણ ઘણી આશા છે. 

sports sports news cricket news india