આજથી સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજો જંગ જામશે

07 January, 2021 12:43 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

આજથી સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજો જંગ જામશે

પિચનું નિરીક્ષણ કરતાં કૅપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રવિ શાસ્ત્રી

આજથી સિડનીમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ શરૂ થઈ છે. પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં ૮ વિકેટથી મળેલી નામોશી બાદ ટીમ ઇન્ડિયાએ મેલબર્નમાં નવા કૅપ્ટન અને નવા જોશમાં દમદાર કમબૅક કરીને ૮ વિકેટે જીત મેળવીને બરોબરી કરી લીધી હતી. ગયા વર્ષના બરોબરના હિસાબ બાદ હવે આજથી આ નવા વર્ષ અને નવા દાયકાની શરૂઆત કરવા બન્ને ટીમ તત્પર હોવાથી જંગ જોરદાર જામવાની અપેક્ષા રખાઈ રહી છે. આ મૅચ જે પણ જીતશે એ સિરીઝ ન હારવાનું નિશ્ચિત કરી લેશે.

સિડનીમાં એક માત્ર જીત ૧૯૭૮

સિડની ગ્રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓના એકથી એક દમદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા છે, પણ ભારતીય ટીમે આ મેદાનમાં ૧૨ મૅચમાંથી ઑસ્ટ્રેમલિયાની પાંચ સામે માત્ર ને માત્ર એક જ જીત મેળવી શકી છે અને એ પણ છેક ૧૯૭૮માં. ૬ મુકાબલા ડ્રૉ રહ્યા હતા. આમ ૪૨ વર્ષથી ભારતે અહીં ટેસ્ટ-વિજય નથી માણ્યો. જો રહાણેના નેતૃત્વમાં ટીમ આ મૅચમાં એ લાંબા વનવાસનો અંત આણશે તો એ ભારતીય ટેસ્ટ ઇતિહાસની સુવર્ણ ક્ષણ બની જશે. ગયા વખતની જીતને લોકો સ્મિથ-વૉર્નરની ગેરહાજરીને લીધે મળી હોવાનું કહેતા હતા, પણ હવે એ બન્નેની હાજરીમાં જીત મેળવશે તો કમાલ ગણાશે. ઉપરાંત પહેલી મૅચના કારમા પ્રહાર બાદ ટીમનું એ ઐતિહાસિક કમબૅક બની રહેશે.

૧૯૭૮ની જીતવાળી મૅચ પણ સાતમી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને મૅચમાં બિશન સિંહ બેદીના નેતૃત્વમાં ભારતે ઑસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને બે રનથી પરાજય ચખાડ્યો હતો. પાંચ મૅચની સિરીઝની એ ચોથી મૅચ જીતીને ભારતે સિરીઝમાં ૨-૨થી બરોબરી કરી લીધી હતી.

બન્નેની નવી ઓપનિંગ જોડી

બીજી ટેસ્ટમાં કમાલની જીત અપાવ્યા બાદ કૅપ્ટન અજિંક્ય રહાણે પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. રોહિત શર્મા પણ ટીમમાં આવી જવાથી ટીમની બૅટિંગ લાઇનઅપ પણ મજબૂત થઈ ગઈ છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિનના જોરે બોલિંગ અટૅકે ઑસ્ટ્રેલિયાને સિરીઝમાં હજી સુધી ૨૦૦ની પાર ન જવા દઈને કમાલ કરી છે. જોશીલા યુવાનો મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની તરખાટ મચાવવા થનગની રહ્યા છે, જ્યારે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ એમ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં દમ બતાવી ટીમમાં સમતોલપણું લાવી દીધું છે. જ્યારે ઑસ્ટ્રેલિયા બીજી ટેસ્ટની હાર બાદ સાવધાન થઈ ગયું છે એને લીધે ડેવિડ વૉર્નરને ૧૦૦ ટકા ફિટ ન હોવા છતાં સમાવવા અધીરું બની ગયું છે. ટીમની મજબૂત શરૂઆતની ખાસ જરૂર જણાતાં વૉર્નર ઉપરાંત યુવા વીલ પુકોવ્સ્કીને ટેસ્ટ ડૅબ્યુ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આમ ભારતના રોહિત અને શુભમનની જેમ વૉર્નર અને પુકોવ્સ્કીની નવી જોડી સાથે મેદાનમાં ઊતરશે. સ્ટીવ સ્મિથનું ફોર્મ તેમના માટે ચિંતાનો વિષય છે, પણ તે એક ક્લાસ ખેલાડી છે અને ફરી જોશમાં આવવા ફક્ત એક સારી ઇનિંગ્સની જરૂર છે. ત્યાર બાદ તેને રોકવો મુશ્કેલ થઈ જશે. અશ્વિન-જાડેજા સામેની તેમની નબળાઈ જાણી ગયા છે અને આ દસેક દિવસના બ્રેક દરમ્યાન એ માટે યોગ્ય પ્લાન પણ ઘડી લીધો હશે.

વરસાદ બગાડી શકે છે ગેમપ્લાન

અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી સિડનીમાં વરસાદ પડી રહ્યો છે જેની પિચ પર અસર થવાની શક્યતા છે, જેની અસર બન્ને ટીમના ગેમપ્લાન પર થઈ શકે છે. મૅચ દરમ્યાન પણ વરસાદના વિઘ્નની શક્યતા છે. વરસાદને લીધે અહીં રમાયેલી છેલ્લી છ ટેસ્ટમાંથી ૩ ડ્રો રહી છે.

મયંક આઉટ, રોહિત ઇન, સૈનીનું ડેબ્યુ

લોકેશ રાહુલ ઇન્જર્ડ થઈને પ્લેઇંગ ઇલેવનની રેસમાંથી આઉટ થઈ જતાં ટીમ મૅનેજમેન્ટ માટે કામ હળવું થઈ ગયું હતું. તેમણે હવે બૅટિંગ લાઇનઅપમાં રોહિત શર્માને સમાવવા માટે ઓપનર મયંક અગરવાલ અથવા મિડલ ઑર્ડર બૅટ્સમૅન હનુમા વિહારીને ડ્રૉપ કરવાનો જ નિર્ણય લેવાનો હતો. છેલ્લી ઘણી ઇનિંગ્સનો ફ્લૉપ શો અગરવાલને નડી ગયો  અને રોહિત માટે ટીમમાંથી બહાર જવું પડ્યું. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઇન્જર્ડ ઉમેશ યાદવની જગ્યાએ શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની મોટે ભાગે રેસમાં હતા. સિડનીની સપાટ પિચ પર સૈનીની સ્પીડને મહત્ત્વ આપવામાં આવ્યું અને આજે ટેસ્ટ ડેબ્યુ કરી રહ્યો છે. આમ હવે ભારતનો પેસઅટૅક જસપ્રીત બુમરાહને બાદ કરતાં સાવ બિનઅનુભવી થઈ ગયો છે. સૈની આજે ડેબ્યુ કરશે અને મોહમ્મદ સિરાજે છેલ્લી મૅચમાં કરીઅરની પ્રથમ મૅચ રમી હતી.

પાંચમાંથી ચાર પરાક્રમીનો સમાવેશ

રેસ્ટોરાંમાં જમવાના મામલે વિવાદમાં ફસાયેલા પાંચ પરાક્રમીઓ ખૂબ જ નસીબદાર રહ્યા છે અને એમાંથી ચાર આજની ટેસ્ટમાં રમી રહ્યા છે. શુભમન ગિલ, રિષભ પંતે તો બીજી ટેસ્ટમાં સારા પર્ફોર્મન્સને લીધે ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે રોહિત શર્મા ઇન્જરી, ક્વૉરન્ટીન અને વિવાદ બાદ ટીમમાં કમબૅક કરવા સફળ થયો છે. જ્યારે નવદીપ સૈની આજે ટેસ્ટ ડેબ્યુ કરી રહ્યો છે. ફક્ત પૃથ્વી શૉ જે પ્લેઇંગ ઇલેવનની રેસમાં નહોતો અને તેને ટીમમાં સ્થાન મળ્યું પણ નહીં.

વૉર્નર સંગ અમે જાનદાર ઃ પેઇન

બીજી ટેસ્ટની અણધારી હાર અને બૅટિંગ લાઇનઅપના ફ્લૉપ શો બાદ ઑસ્ટ્રેલિયન ટીમ ડેશિંગ ઓપનર ડેવિડ વૉર્નરને ૧૦૦ ટકા ફિટ ન હોય તો પણ ટીમમાં સામેલ કરવા તત્પર છે. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને કહ્યું હતું કે ‘આશા રાખીએ છીએ કે તે આ મૅચ રમશે અને તેનો જલવો બતાવશે. જો એમ થશે તો હરીફ શરૂઆતથી પ્રેશરમાં આવી જશે. હરીફ કોઈ પણ હોય, જ્યારે વૉર્નર અમારી ટીમમાં હોય છે ત્યારે અમારી ટીમનો દરજ્જો ઘણો ઊંચો થઈ જાય છે. વૉર્નર રન અને જોશ વડે ટીમને અલગ લેવલ પર લઈ જાય છે. વૉર્નર શરૂઆતમાં જ હરીફ બોલરોને પરેશાન કરીને થકવી નાખે છે, જેનાથી અમારા મિડલ ઑર્ડરનું કામ થોડું આસાન થઈ જાય છે.’

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

અજિંક્ય રહાણે (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની.

...તો આ ટેસ્ટ છેલ્લી હશે

૧૪ જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાનારી ચોથી અને છેલ્લી ટેસ્ટ માટે ફરજિયાત સ્ટ્રીક ક્વૉરન્ટીનની જીદને લીધે આજથી શરૂ થતી સિડની ટેસ્ટમાં ટેન્શન વધી રહ્યું છે. અહેવાલ પ્રમાણે ભારત બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ રમવાની ના પાડી શકે છે અને ધમકી આપી છે કે એ મૅચ સિડનીમાં જ રમાડો અથવા રદ કરી નાખો. જો સમાધાન ન થયું તો આજથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ આ સિરીઝની છેલ્લી હશે. છેલ્લા ચારેક મહિના‍થી બાયો-સિક્યૉર બબલની ડફ લાઇફ જીવી રહેલા ભારતીય ખેલાડીઓ કંટાળ્યા છે અને હવે વધુ કડક નિયમો પાલન કરવા જરાય તૈયાર નથી. ભારતનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ છે, એમ કહીને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને પણ પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે ભારત કદાચ ચોથી ટેસ્ટનો બહિષ્કાર કરી શકે છે અને એની અસર આ ત્રીજી ટેસ્ટ દરમ્યાન પણ જોવા મળી શકે છે.

શાર્દુલ-નટરાજનને બદલે સૈની કેમ?

મુંબઈકર શાર્દુલ ઠાકુરની બૅટિંગ કાબેલિયત અને નવદીપ સૈનીની સ્પીડ વચ્ચે પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ માટે જંગ હતો. સિડનીની સપાટ પિચ જોતાં ટીમ મૅનેજમેન્ટે સ્પીડને મહત્ત્વ આપ્યું અને નવદીપ સૈની માટે ટેસ્ટ કરીઅરના દરવાજા ખૂલી ગયા. આ મેદાનમાં રમાયેલા વન-ડે મુકાબલામાં સપાટ પિચ પેસબોલરને જ માફક આવી હતી. સપાટ પિચો પર એ જ બોલર ફાવે છેની સ્પીડ વધુ હોય અને શાર્દુલ કરતાં સૈની એ બાબતમાં ઘણો આગળ હતો. અન્ય દાવેદાર ટી. નટરાજન યૉર્કર અને લૅન્થ ઍન્ડ લાઇન માટે જાણીતો છે, પણ સ્પીડ મામલે ઘણો પાછળ છે. ભૂતપૂર્વ પેસબોલર આશિષ નહેરાએ પણ કહ્યું કે સિડનીની પિચ પર સૈની તેની રફતારને લીધે ભારત માટે ફાયદેમંદ બની શકે છે. બાઉન્સર ફેકવામાં સૈની અન્ય દાવેદારો શાર્દુલ અને નટરાજન કરતાં વધુ કાબેલ અને અસરકારક હોવા ઉપરાંત એકસ્ટ્રા સ્પીડ અને બૉલને બાઉન્સર કરવાની આવડતને લીધે મૅનેજેમન્ટે તેને પસંદ કર્યો હતો.

નવદીપ સૈની ભારત વતી અત્યાર સુધી ૭ વન-ડે અને ૧૦ ટી૨૦ મૅચ રમ્યો છે.

ક્લૅયર પોલોસક, પુરુષ ટેસ્ટ મૅચમાં પ્રથમ મહિલા અધિકારી

આજે સિડની ટેસ્ટમાં ચોથા અમ્પાયર તરીકે ઑસ્ટ્રેલિયન મહિલા અધિકારી ક્લૅયર પોલોસક ફરજ બજાવવાની છે. આ સાથે તે પુરુષોના ટેસ્ટ મુકાબલમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી બની જશે. ૩૨ વર્ષની પોલોસૅક આ પહેલાં ૨૦૧૯માં આઇસીસીની ડિવિઝન-ટૂ લીગમાં નામિબિયા અને ઓમાન વચ્ચેના મુકાબલામાં ફરજ બજાવી પુરુષોની વન-ડે મૅચમાં ઑન-ફીલ્ડ અમ્પાયર બનનાર પ્રથમ મહિલા બની ઇતિહાસ રચ્યો હતો.

97 - વાઇસ-કૅપ્ટન્સીના ભારમાંથી હળવા થયેલા ચેતેશ્વર પુજારાને ટેસ્ટમાં ૬૦૦૦ રનના લૅન્ડમાર્ક માટે આટલા રનની જરૂર છે.

6 - ૯૯મી ટેસ્ટ રમી રહેલા ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયનને ટેસ્ટ ક્રિકેટની વિકેટના ૪૦૦ આંકડાથી ફક્ત આટલી વિકેટ દૂર છે.

sports sports news cricket news test cricket india australia