ભારતે સૌથી મુશ્કેલ મેદાન પર મેળવી જીત : કોહલી

01 January, 2022 02:17 PM IST  |  Centurion | Gujarati Mid-day Correspondent

સેન્ચુરિયનના ગ્રાઉન્ડ પરના વિજય બાદ કહ્યું, ‘આના પરથી ટીમ ઇન્ડિયાની તાકાત બધા હરીફોને ધ્યાનમાં આવી ગઈ હશે’

વિરાટસેનાએ વટ રાખ્યો : ગુરુવારે સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાને ૧૧૩ રનથી હરાવીને વિરાટ કોહલીના નેતૃત્વમાં પાછા આવી રહેલા ભારતીય ખેલાડીઓ. (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)

ભારતના ટેસ્ટ-કૅપ્ટન વિરાટ કોહલી માટે ૨૦૨૧નું વર્ષ એક રીતે ભૂલવું જોઈએ એવું હતું, કારણ કે ત્યારે (જાન્યુઆરી ૨૦૨૧ની શરૂઆતનાં બે અઠવાડિયાં પહેલાં) ભારતીય ટીમ કોહલીના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા સામેની ઍડીલેડ ટેસ્ટમાં ૩૬ રનના લોએસ્ટ સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેને કારણે કોહલીની કૅપ્ટન્સીને મોટો બટ્ટો લાગ્યો હતો. તાજેતરમાં રોહિત શર્મા અને સૌરવ ગાંગુલી સાથે વન-ડેની કૅપ્ટન્સીની બાબતમાં આડકતરી રીતે વિવાદમાં ઊતરનાર કોહલીના સુકાનનો ગુરુવારે જાણે નવો સૂરજ ઊગ્યો, કારણ એ છે કે તેના નેતૃત્વમાં ભારતીય ટીમ સેન્ચુરિયનમાં ટેસ્ટ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમનો ગઢ ગણાતા સેન્ચુરિયનમાં ૧૧૩ રનથી જીતીને ભારતે અનેરી સિદ્ધિ મેળવી ત્યાર બાદ કોહલીએ પત્રકારોને કહ્યું, ‘સાઉથ આફ્રિકાની કોઈ પણ પિચ પર જીતવું મુશ્કેલ કહેવાય અને એવામાં અમારી ટીમે સૌથી મુશ્કેલ કહી શકાય એવા સેન્ચુરિયનના ક્રિકેટના મેદાનમાં જીત હાંસલ કરી છે. અમે (વરસાદના વિઘ્નવાળા એક દિવસને બાદ કરતાં) ચાર દિવસમાં જીત્યા એ જ બતાવી આપે છે કે ભારતીય ટેસ્ટ ટીમ કેટલી સક્ષમ છે.’
કોહલીએ પી.ટી.આઇ.ને એવું પણ કહ્યું હતું કે ‘અમે એ પણ સાબિત કર્યું છે કે કોઈ પણ ટીમને કોઈ પણ મેદાન પર અમે હરાવી શકીએ છીએ. અમારો ક્રિકેટજગતને નવા વર્ષનો આ કૉલ છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અમે ઑસ્ટ્રેલિયામાં તેમ જ ઇંગ્લૅન્ડમાં અને હવે સાઉથ આફ્રિકામાં ખૂબ સારું રમ્યા છીએ.’
વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલે કહ્યું કે ‘૨૦૨૧ની શરૂઆતમાં અમે ઑસ્ટ્રેલિયાને એના ગઢ સમા ગૅબામાં હરાવ્યું અને હવે સાઉથ આફ્રિકામાં આવીને હરીફોને સેન્ચુરિયનના તેમના ફેવરિટ ગ્રાઉન્ડ પર હરાવ્યા. અમારા દરેક માટે આ પણ એક સ્પેશ્યલ અચીવમેન્ટ છે.’

ભારતીય બોલરોએ સુપર્બ બોલિંગ કરી. આ એવું બોલિંગ-આક્રમણ છે જે વિશ્વના કોઈ પણ મેદાન પર ટેસ્ટમાં ૨૦ વિકેટ લઈ શકે. સજ્જડ વિજય બદલ ટીમ ઇન્ડિયાને ખૂબ-ખૂબ અભિનંદન.
સચિન તેન્ડુલકર

વાહ! પહેલાં બ્રિસ્બેન, ઓવલ, લૉર્ડ્સ અને હવે સેન્ચુરિયનમાં જીત. કોહલી, દ્રવિડ અને આખી ટીમને સેન્ચુરિયનમાં અને બૉક્સિંગ ડે ટેસ્ટમાં જીતનારી પ્રથમ એશિયન ટીમ બનવા બદલ અભિનંદન.
રવિ શાસ્ત્રી

sports sports news cricket news india south africa test cricket