NZની ટીમમાં ટેસ્ટમાં ડેબ્યુ કરનાર કાયલ ઇન્ડિયન ટીમ પર ભારે પડ્યો

22 February, 2020 01:37 PM IST  |  Wellington

NZની ટીમમાં ટેસ્ટમાં ડેબ્યુ કરનાર કાયલ ઇન્ડિયન ટીમ પર ભારે પડ્યો

કાયલ જેમિસન

ન્યુ ઝીલૅન્ડની ટીમમાં ટેસ્ટમાં ડેબ્યુ કરનાર કાયલ જેમિસન ઇન્ડિયન ટીમ પર ભારે પડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામેની બે ટેસ્ટ મૅચમાંની પહેલી મૅચ ગઈ કાલે શરૂ થઈ હતી. આ મૅચમાં ઇન્ડિયાએ પહેલા દિવસે ૫૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૨ રન કર્યા હતા.

ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. પૃથ્વી શૉ અને મયંક અગરવાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. ૪.૨ ઓવરમાં ટીમ સાઉધીએ શૉની વિકેટ લીધી હતી. પૃથ્વી શૉ ૧૮ બૉલમાં ૧૬ રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા ૪૨ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ કાયલ જેમિસને લીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી બૅટિંગમાં આવ્યો હતો. તેની વિકેટ પણ કાયલ જેમિસને લીધી હતી. કોહલી ૭ બૉલમાં ફક્ત બે રન કરી શક્યો હતો. કોહલી બાદ અગરવાલ પણ ૩૪ રન કરીને આઉટ થયો હતો. હનુમા વિહારીની વિકેટ પણ જેમિસને લીધી હતી. કાયલે ૧૪ ઓવરમાં બે મેઇડન અને ૩૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ટીમ સાઉધી અને ટ્રેન્ટ બોલ્ટે પણ એક-એક વિકેટ લીધી હતી. જોકે વરસાદને કારણે મૅચ અટકાવવામાં આવી હતી અને ત્યાર બાદ નહોતી રમાઈ.

પહેલા દિવસે કાયલે ભારતને મથાવ્યું હોવાથી ન્યુ ઝીલૅન્ડનું પલડું ભારે થયું છે.

વિરાટ કોહલીનો ડાન્સ જોઈને શ્રેયસ ઐયરે કહ્યું, કે ઘૂંઘરુ ટૂટ ગયે...

ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચના પહેલા દિવસે વિરાટ કોહલી મૅચ પહેલાં હળવા મૂડમાં હતો. તે ટૉસ પહેલાં ડાન્સ કરી રહ્યો હતો. આ ફોટો ઇન્ડિયાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં કહ્યું હતું કે આ ફોટોને બેસ્ટ કૅપ્શન આપો. મૅચ શરૂ થવાના થોડા સમય પહેલાં જ શ્રેયસ ઐયરે કમેન્ટ કરી હતી ‘કે ઘૂંઘરુ ટૂટ ગયે...’ જોકે વિરાટ કોહલીની વિકેટ તરત પડી ગઈ હોવાથી આ કૅપ્શન તેના ફોટો માટે બેસ્ટ છે.

જેમિસને ખૂબ અદ્ભુત અને સારા એરિયામાં બોલિંગ કરી હતી : મયંક અગરવાલ

ઇન્ડિયન ઓપનર મયંક અગરવાલનું કહેવું છે કે ન્યુ ઝીલૅન્ડના ડેબ્યુ પ્લેયર કાયલ જેમિસન ખૂબ જ અદ્ભુત બોલિંગ કરી રહ્યો હતો. વરસાદ પડે અને મૅચ બંધ થાય એ પહેલાં કાયલે નવા બૉલમાં પણ ખૂબ સારી રીતે બોલિંગ કરીને ઇન્ડિયાને પાંચ વિકેટ ૧૨૨ રન પર અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમિસને ત્રણ વિકેટ લીધી હતી જેમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ હતો. આ વિશે વાત કરતાં મયંકે કહ્યું હતું કે ‘તે ખૂબ જ અદ્ભુત બોલિંગ કરી રહ્યો હતો અને સારા એરિયામાં બૉલ નાખી રહ્યો હોવાથી તેને બાઉન્સ પણ સારા મળી રહ્યા હતા. તે જે રીતે નવા બૉલનો ઉપયોગ કરી રહ્યો હતો એ કાબિલે દાદ હતું.’

new zealand india ajinkya rahane cricket news sports news