ગિલ ઍન્ડ કંપનીએ બનાવ્યો ૪૭૦ બાઉન્ડરી ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ

04 August, 2025 10:15 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ ૨૮ ફિફ્ટી+ સ્કોર સાથે ભારતે સૌથી વધુ ૧૨ સદીના વર્લ્ડ રેકૉર્ડની પણ બરાબરી કરી

ભારતીય ટીમ

ઇંગ્લૅન્ડ ટૂર પર ભારતીય ટીમે ઘણા અવિશ્વનીય રેકૉર્ડ બનાવ્યા છે. પાંચ મૅચની આ ટેસ્ટ-સિરીઝમાં શુભમન ગિલ ઍન્ડ કંપનીએ ૪૨૨ ફોર અને ૪૮ સિક્સરની મદદથી કુલ ૪૭૦ બાઉન્ડરી ફટકારી હતી. જેના કારણે વર્ષ ૧૯૯૩નો ઑસ્ટ્રેલિયન ટીમનો એક ટેસ્ટ-સિરીઝનો હાઇએસ્ટ બાઉન્ડરીનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો હતો. કાંગારૂ ટીમે એ સમયે ઇંગ્લૅન્ડ ટૂર પર ૬ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૪૬૦ બાઉન્ડરી ફટકારી હતી, જેમાં ૪૫૧ ફોર અને ૯ સિક્સર સામેલ હતાં.  ઑસ્ટ્રેલિયન ટીમે વર્ષ ૧૯૮૯ની ઇંગ્લૅન્ડ ટૂર પર એક ટેસ્ટ-સિરીઝના હાઇએસ્ટ ૩૮૭૭ રન પણ કર્યા હતા. જોકે એ રેકૉર્ડ તોડતાં ભારતીય ટીમ (૩૮૦૯ રન) પાછળ રહી હતી.

ભારતીય પ્લેયર્સ આ ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ ૨૮ વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમીને વર્ષ ૧૯૮૯નો ઑસ્ટ્રેલિયાનો ૨૭ વખતનો રેકૉર્ડ તોડ્યો હતો. જ્યારે એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ ૧૨ વ્યક્તિગત સદી ફટકારીને ભારતીય ટીમે ત્રણ ટીમોના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ વર્ષ ૧૯૫૫માં વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર, પાકિસ્તાને ઘરઆંગણે વર્ષ ૧૯૮૨-’૮૩માં ભારત સામે અને વર્ષ ૨૦૦૩-’૦૪માં સાઉથ આફ્રિકાએ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૨ વ્યક્તિગત સદી નોંધવી હતી.

5
આટલા ભારતીય બૅટર્સે પહેલી વાર એક ટેસ્ટ-સિરીઝમાં એકસાથે ૪૦૦+ રન કર્યા.

india england test cricket london indian cricket team cricket news sports news sports