27 July, 2025 12:40 PM IST | England | Gujarati Mid-day Correspondent
૩૭૭ બૉલમાં ૧૭૪ રનની ભાગીદારી કરી શુભમન ગિલ અને કે. એલ. રાહુલે ચોથા દિવસે જબરદસ્ત વાપસી કરાવી આપી, બે સેશન સુધી પિચ પર ટકી રહેલા બન્ને સ્ટ્રેચિંગ કરતા જોવા મળ્યા.
મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડે શુભમન ગિલ ઍન્ડ કંપનીને જબરદસ્ત પડકાર આપ્યો હતો. શતકવીર કૅપ્ટન બેન સ્ટોક્સની ઇનિંગ્સના આધારે ઇંગ્લૅન્ડે ૧૫૭.૧ ઓવરમાં ઑલઆઉટ થઈને ૬૬૯ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. બાઝબૉલ યુગ (મે ૨૦૨૨થી)માં ઇંગ્લૅન્ડની ૧૫૭ ઓવરની આ લૉન્ગેસ્ટ ઇનિંગ્સ હતી, જ્યારે ઘરઆંગણે બાઝબૉલ યુગનો આ હાઇએસ્ટ સ્કોર હતો. મૅન્ચેસ્ટરનો હાઇએસ્ટ સ્કોર ફટકારીને ઇંગ્લૅન્ડે ૩૧૧ રનની લીડ મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૫૮ રન કરનાર ભારતીય ટીમે ચોથા દિવસના અંતે ૬૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૭૪ રનનો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડ પાસે હવે માત્ર ૧૩૭ રનની લીડ બચી છે. આ મૅચ ડ્રૉ તરફ જતી જોવા મળી રહી છે.
ઇંગ્લૅન્ડે ચોથા દિવસે ૧૩૭મી ઓવરમાં ૫૪૪-૭ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. ૧૧ ફોર અને ૩ સિક્સ મારનાર શતકવીર કૅપ્ટન બેન સ્ટોક્સે (૧૯૮ બૉલમાં ૧૪૧ રન) આઠવી વિકેટ માટે લિયામ ડોસન (૬૫ બૉલમાં ૨૬ રન) સાથે આઠમી વિકેટની ૩૫ અને બ્રાયડન કાર્સ (૫૪ બૉલમાં ૪૭ રન) સાથે નવમી વિકેટની ૯૫ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૬૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. ભારત તરફથી ચોથા દિવસે સ્પિનર રવીન્દ્ર જાડેજા (૧૪૩ રનમાં ચાર વિકેટ) સાથે ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ (૧૧૨ રનમાં બે વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૧૪૦ રનમાં એક વિકેટ)ને એક સફળતા મળી હતી. યંગ સ્પિનર વૉશિંગ્ટન સુંદરે (૧૦૭ રનમાં બે વિકેટ) પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી.
ભારતીય ટીમને ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે (૪૮ રનમાં બે વિકેટ) લંચ પહેલાં બીજી ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ઝીરોના સ્કોર પર બે ઝટકા આપ્યા હતા. તેણે યશસ્વી જાયસવાલ અને સાઈ સુદર્શનને અનુક્રમે ચોથા અને પાંચમા બૉલ પર કૅચઆઉટ કરાવ્યા હતા. અહીંથી ૮ ફોર ફટકારનાર ઓપનર કે. એલ. રાહુલ (૨૧૦ બૉલમાં ૮૭ રન) અને ૧૦ ફોર ફટકારનાર કૅપ્ટન શુભમન ગિલે (૧૬૭ બૉલમાં ૭૮ રન) દિવસના અંત સુધી ભારતની ઇનિંગ્સ સંભાળી હતી. તેમના વચ્ચે ત્રીજી વિકેટ માટે ૩૭૭ બૉલમાં ૧૭૪ રનની ભાગીદારી થઈ હતી જેના કારણે અંતિમ બે સેશનમાં એક પણ વિકેટ પડી નહોતી.
એક દાયકા બાદ ભારતીય બોલર્સની કંગાળ બોલિંગ
ભારતે છેલ્લી વખત ૨૦૧૪માં વેલિંગ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૬૦૦થી વધુ રન એક ટેસ્ટ-ઇનિંગ્સમાં આપી દીધા હતા. ચાર ભારતીય બોલર્સે એક ઇનિંગ્સમાં ૧૦૦થી વધુ રન આપી દીધા હતા જે ટેસ્ટ-ક્રિકેટમાં તેમના માટે ૨૫મો આવો કિસ્સો છે. આ અગાઉ એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ૨૦૧૪-૧૫ના ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત ત્રણ ટેસ્ટમાં અનુક્રમે બ્રિસબેન, મેલબર્ન અને સિડનીમાં બન્યું હતું. ૨૦૧૧માં એજબેસ્ટનના ૭૧૦-૭ના સ્કોર બાદ ઇંગ્લૅન્ડે ભારત સામેનો ગઈ કાલે બીજો હાઇએસ્ટ ઇનિંગ્સ સ્કોર કર્યો હતો.
100 - આટલા પ્લસ રન એક ટેસ્ટ-ઇનિંગ્સમાં પહેલી વાર આપ્યા જસપ્રીત બુમરાહે. છેલ્લે ઑસ્ટ્રેલિયા સામે ૨૦૨૪માં એક ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૯૯ રન આપ્યા હતા.