ગિલ, પુજારા અને પંતે ગૅબામાં કાઢી નાખ્યા ગાભા

20 January, 2021 09:57 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

ગિલ, પુજારા અને પંતે ગૅબામાં કાઢી નાખ્યા ગાભા

ભારતનો રાષ્ટ્રધ્વજ ગૅબા સ્ટેડિયમમાં ફરક્યો હતો

ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મૅચમાં ત્રણ વિકેટે હરાવીને મૅચ અને સિરીઝ કબજે કરીને ઇતિહાસ રચી દીધો. આ સિરીઝ જીતીને ટીમ ઇન્ડિયાએ અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે. ૩૨ વર્ષથી ગૅબામાં અજેય રહેલી ઑસ્ટ્રેલિયન ટીમને ભારતે પછડાટ આપીને વિશ્વભરમાંથી વાહવાહી મેળવી હતી, તો બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે વિજેતા ટીમ માટે પાંચ કરોડ રૂપિયાનું બોનસ તાબડતોબ જાહેર કરીને ટીમ ઇન્ડિયાને વધાવી લીધી હતી.

નવાઈની વાત એ છે કે બ્રિસ્બેન ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયાના મોટા ભાગના પ્લેયર્સ યુવા હતા અને ગૅબાની પિચ પર રમવાનો અનુભવ નહોતા ધરાવતા છતાં આ પ્લેયર્સે અનેક ચડાવ-ઉતાર, રંગભેદની ટીકા સહીને ઑસ્ટ્રેલિયાને તેમના જ ગઢમાં પરાજય આપ્યો હતો જેને લીધે તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો.

ગિલ-પુજારાએ જગાવી જીતની આશા

ટીમ ઇન્ડિયાએ રોહિત શર્મા અને શુભમન ગિલ સાથે ૪ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને પૅટ કમિન્સે રોહિત શર્મા (૭ રન)ની વિકેટ લઈને ભારતીય પ્લેયરો માટે ચિંતાનું વાતાવરણ ખડું કરી દીધું હતું. જોકે શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ બીજી વિકેટ માટે ૧૧૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત કરી આપી હતી. નૅથન લાયને સ્ટીવ સ્મિથના હાથે ગિલને ૯૧ રને કૅચ-આઉટ કરાવડાવીને આ જોડી તોડી શ્રાખી હતી. શુભમન ગિલે ૧૪૬ બૉલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સર વડે ટીમ માટે સર્વાધિક ૯૧ રન બનાવ્યા હતા અને પોતાની પહેલી ટેસ્ટ-સેન્ચુરી ન૯ રનથી ચૂકી ગયો હતો. આ તેની બીજી ટેસ્ટ હાફ સેન્ચુરી હતી.

અનેક પ્રહાર છતાં ‘દીવાલ’ અડીખમ રહી

રાહુલ દ્રવિડ સાથે જેની સરખામણી થાય છે એવા ‘ધી વૉલ’ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાને ગઈ કાલે ઑસ્ટ્રેલિયન બોલરોએ વારંવાર હેરાન-પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટી-ટાઇમ સુધીમાં તો ઑસ્ટ્રેલિયન બોલરોએ અંદાજે ૭ વખત પુજારાના શરીર પર બૉલથી પ્રહાર કર્યો હતો. પૅટ કમિન્સનો એક બાઉન્સ થયેલો બૉલ તેને હેલ્મેટ પર પણ વાગ્યો હતો, તો વળી એક બૉલ તેની આંગળી પર વાગતાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો અને તેના હાથમાંથી બૅટ છુટી ગયું હતું. ત્યાર બાદ તરત જ ફિઝિયો મેદાનમાં દોડી આવ્યા હતા. પુજારાનો અસહ્ય દુખાવો  જોઈને એક સમયે એવું લાગવા માંડ્યું હતું કે તે હવે રમી નહીં શકે, પણ સૌકોઈની એ આશંકા પર પાણી ફેરવતાં પુજારાએ ફરી ક્રીઝ પર બૅટિંગ કરવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. કૉમેન્ટરી કરી રહેલા સંજય માંજરેકરે તો પુજારાને બ્રેવરી અવૉર્ડ આપવાની વાત પણ કહી દીધી હતી.

રિષભ પંતે જાળવી રાખી જીતની આશા

શુભમન ગિલ આઉટ થયા બાદ અજિંક્ય રહાણેએ ચેતેશ્વર પુજારા સાથે ટીમના સ્કોરને આગળ વધારવાની જવાબદારી લીધી હતી, પણ પૅટ કમિન્સે રહાણેને ૨૪ રનના સ્કોરે આઉટ કરીને ભારતીય ટીમને ફર ઝટકો આપ્યો હતો. સામા પક્ષે પુજારા પોતાની ધીમી પણ મહત્ત્વની પારી રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યે જતો હતો. ઉલ્લેખનીય છે કે પુજારાના બૅટથી પ્રથમ બાઉન્ડરી ૧૦૩મા બૉલે આવી હતી. પંત અને પુજારાએ મળીને ચોથી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરી હતી. ૨૧૧ બૉલ રમીને ચેતેશ્વર પુજારા ૭ ચોગ્ગા ફટકારીને ૫૬ રને આઉટ થયો હતો. મયંક અગરવાલે પોતાનું નબળું પ્રદર્શન યથાવત્ રાખતાં તેણે નવ રન કર્યા હતા. વૉશિંગ્ટન સુંદરે ૨૯ બૉલમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારીને ૨૨ રન બનાવી પંત સાથે ટીમ ઇન્ડિયાને લગભગ જીતના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. સુંદર આઉટ થયા બાદ શાર્દુલ ઠાકુર પણ માત્ર બે રન કરીને આઉટ થયો હતો.

 પ્રેઝન્ટેશન સેરેમનીમાં પંતે સ્વીકાર્યું કે આ તેના માટે એક યાદગાર સિરીઝ બની રહેશે. મૅન ઑફ ધ મૅચ બનેલા રિષભ પંતે ધૈર્ય અને આક્રમકતા બન્ને જાળવીને ૧૩૮ બૉલમાં ૯ ચોગ્ગા અને એક સિક્સર ફટકારીને નૉટઆઉટ ૮૯ રન બનાવીને ટીમ ઇન્ડિયાને ઝળહળતો વિજય અપાવ્યો હતો.

પૅટ કમિન્સ પ્લેયર ઑફ ધ સિરીઝ

બોર્ડર-ગાવસકર ટ્રોફી ભારતે પોતાની પાસે જાળવી રાખવામાં સફળતા મેળવી હતી, પણ પ્લેયર ઑફ ધ સિરીઝનો તાજ મેળવવામાં ઑસ્ટ્રેલિયન પ્લેયર પૅટ કમિન્સ સફળ રહ્યો હતો. ગૅબા ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે ૨૪ ઓવરમાં ૫૫ રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેમાંની ૧૦ ઓવર મેઇડન હતી.

કાંગારૂઓની ફીલ્ડિંગની ટીકા

એક બાજુ જ્યાં ઑસ્ટ્રેલિયા ફરી એક વાર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતના હાથે મળેલો પરાજય હજમ નથી કરી શકી ત્યાં પાંચમા દિવસના સવારના સેશનમાં ઑસ્ટ્રેલિયન ટીમની ફીલ્ડિંગની સ્ટ્રૅટેજીની ટીકા કરવામાં આવી હતી. નૅથન લાયને ઑફ સાઇડમાં નજીકનો ફીલ્ડર ન રાખવાની રણનીતિ અપનાવી હતી જેની પછીથી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયર શેન વૉર્ને ટીકા કરી હતી. હેડ કોચ જસ્ટિન લૅન્ગર પણ મૅચ શરૂ થતાં પહેલાં પિચ જોવા મેદાન પર આવ્યો હતો.

રિષભ પંત માટે આ ડ્રીમ સિરીઝ

મૅચ જીત્યા બાદ રિષભ પંતે કહ્યું કે ‘મારા જીવનની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. મારા માટે આ ડ્રીમ સિરીઝ રહી. પહેલી મૅચ રમવા ન મળતાં મેં ઘણી મહેનત કરી હતી. ટીમ મૅનેજમેન્ટ મને હંમેશા સપોર્ટ કરતું રહે છે. મને ખુશી છે કે મેં આજે કંઈક કરી બતાવ્યું. પાંચમા દિવસે બૉલ ટર્ન થઈ રહ્યો હતો. મેં શૉર્ટ સિલેક્શન પર ધ્યાન આપ્યું હતું. અંતમાં જીતવું જરૂરી હોય છે અને જો જીતી ગયા તો બધું બરાબર થાય છે.’

ઉલ્લેખનીય છે કે પંતને ઍડીલેડ ટેસ્ટમાં રમાડવામાં નહોતો આવ્યો અને સિડની ટેસ્ટમાં પણ તેણે શાનદાર ૯૭ રન કર્યા હતા.

196 - ગઈ કાલે ચેતેશ્વર પુજારા ૫૦ રન કરવા માટે આટલા બૉલ રમ્યો હતો જે તેના અત્યાર સુધીના સૌથી વધારે બૉલ હતા. આ પહેલાં તે ત્રીજી સિડની ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં હાફ સેન્ચુરી કરવા માટે ૧૭૪ બૉલ રમ્યો હતો જ્યારે એ જ મૅચની બીજી ઇનિંગમાં હાફ સેન્ચુરી કરવા ૧૭૦ બૉલ રમ્યો હતો.

પંતે તોડ્યો ધોનીનો રેકૉર્ડ

ગૅબા ટેસ્ટ મૅચના હીરો રિષભ પંત વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ગઈ કાલે પોતાની ૧૬મી ટેસ્ટ મૅચની ૨૭મી ઇનિંગમાં અણનમ ૮૯ રનની પારી રમ્યો હતો. તેની આ ઇનિંગને લીધે તેણે વિકેટકીપર-બૅટ્સમમૅન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ઝડપથી ૧૦૦૦ રન પૂરા કરીને મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ધોનીએ ૩૨મી ઇનિંગમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં ત્રીજા નંબરે ફારુખ એન્જિનિયર છે જેમણે ૩૬ ટેસ્ટ ઇનિંગમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

ઇન્ડિયાએ નવાજ્યો નૅથન લાયનને

ગૅબા ટેસ્ટ મૅચ પહેલાં પોતાના ટેસ્ટ ક્રિકેટ કરીઅરની ૧૦૦મી ટેસ્ટ મૅચ રમવા બદલ ગાર્ડ ઑફ ઓનર પામનારા ઑસ્ટ્રેલિયન પ્લેયર નૅથન લાયન આ સિરીઝમાં ૪૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો પ્રાપ્ત નહોતો કરી શક્યો, પણ તેની આ ૧૦૦ ટેસ્ટ મૅચની ઉપલબ્ધિને ભારતીય ટીમે વખાણી હતી. ટીમ ઇન્ડિયા વતી કૅપ્ટન અજિંક્ય રહાણેએ નૅથનને ઇન્ડિયન પ્લેયર્સ દ્વારા સાઇન કરેલી જર્સી આપીને તેનું સન્માન કર્યું હતું.

સહુએ આપી શુભેચ્છા

ઑસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી અમે બધા ખુશ છીએ. તેમની નોંધપાત્ર ઊર્જા અને જુસ્સો સતત દેખાતો હતો. તેમનો ઉત્કૃષ્ટ ઇરાદો, નોંધપાત્ર હિંમત અને દૃઢ નિશ્ચય પણ એવો જ હતો. ટીમને અભિનંદન! તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા.

- નરેન્દ્ર મોદી

શું જીત છે... યસ. જે લોકોએ ઍડીલેડ બાદ અમારા પર શંકા વ્યક્ત કરી હતી એ લોકો ઊભા થાય અને આ જીતની નોંધ લે. એકદમ અનુકરણીય પ્રદર્શન રહ્યું અને તમારો દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. દરેક પ્લેયર અને મૅનેજમેન્ટે સારું પર્ફોર્મ કર્યું. આ ઐતિહાસિક જીતનો આનંદ માણો. ચિયર્સ.

- વિરાટ કોહલી

એક નોંધનીય જીત... ઑસ્ટ્રેલિયા જવું અને આ પ્રમાણે સિરીઝ જીતીને આવવું એ ક્રિકેટજગતના ઇતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમ માટે પાંચ કરોડ રૂપિયાનું બોનસ જાહેર કરે છે. આ જીતની કિંમત કોઈ પણ આંકડા કરતાં અનેકગણી વધારે છે. મહેમાન ટીમના દરેક સભ્યને ખૂબ-ખૂબ અભિનંદન.

- સૌરવ ગાંગુલી

અમને ભારતમાં અને વિશ્વઆખામાં ફૉલો કરો. તમે જીવનમાં જ્યારે પણ ૩૬ કે એથી ઓછો સ્કોર કરો ત્યારે યાદ રાખજો કે એ વિશ્વનો અંત નથી. સ્પ્રિંગ આગળ જવા માટે જ પાછળની તરફ ખેંચાય છે અને એકવાર તમે સફળ થાઓ ત્યારે તમારા પડખે ઊભા રહેનારા લોકો સાથે એ સફળતાની ઉજવણી કરો.

- સચિન તેન્ડુલકર

ભારતમાં ઘણા ખેલાડીઓ ઘાયલ થયા હતા, પરંતુ વધારે ઘાયલ થયેલી બાબત ઑસ્ટ્રેલિયાનો ઘમંડ અને ગૌરવ હતી. ટેસ્ટ-શ્રેણી એક ફિલ્મ જેવી રહી છે, જેમાં ભારતીય ટીમના દરેક સભ્ય હીરો હતા અને તેઓમાંના કેટલાક સુપરહીરો હતા. ‘રિષભ પંત, સ્પાઇડરમૅન સ્પાઇડરમૅન, તુને ચુરાયા દિલ કા ચેન...’

- વીરેન્દર સેહવાગ

ટીમ ઇન્ડિયા માટે આ શ્રેણીની જીત એક ઐતિહાસિક ઘટના હતી. જ્યારે જરૂર હતી

ત્યારે યુવાનોએ કામ કરી બતાવ્યું.

ગિલ અને પંત એમાં સૌથી આગળ હતા. આ ટર્નઅરાઉન્ડમાં ભાગ લેવા માટે રવિ શાસ્ત્રી અને સપોર્ટ-સ્ટાફને અભિનંદન! આ ટીમ પર ઘણો ગર્વ છે.

- વીવીએસ લક્ષ્મણ

ભારતની જીત પર ભાવુક થયેલા ગાવસકરે કહ્યું, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ હાથોમાં

ટીમ ઇન્ડિયાની ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત બાદ ઇન્ડિયન ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકર ભાવુક થઈ ગયા હતા. પોતાની લાગણી વ્યક્ત કરતાં ગાવસકરે કહ્યું કે ‘મારી પાસે શબ્દો ખૂટે છે. હું પહેલા દિવસથી કહેતો આવતો હતો કે ઇન્ડિયા ૨-૧થી જીતશે. મેં આજે પણ કહ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં તો આજે પણ લોકો એમ જ કહે છે કે ઇન્ડિયાવાળા ૫૦ ઓવર માંડ રમી શકશે. પણ મારો આ વિશ્વાસ બન્યો હતો મેલબર્ન અને સિડની ટેસ્ટથી. મને વિશ્વાસ હતો કે આજે કંઈક થવાનું છે.’

પાંચમા દિવસે અનેક બૉલ પોતાની શરીર પર જેલનારા ચેતેશ્વર પુજારાના વખાણ કરતા સુનીલ ગાવસકરે કહ્યું કે ‘તેના જેટલા વખાણ કરીયે એટલા ઓછા છે. તેણે ટીમ માટે પોતાનો જીવ લગાડી દીધો. આટલી ઈજા થવા થતા તે પિચ પર બનેલો રહ્યો. જ્યારે તે પિચ પર હોય છે ત્યારે બીજો સ્ટ્રોકપ્લેયર ફ્રી હોય છે. લંચ ટાઇમ પહેલા જો અન્ય કોઈ વિકેટ પડી જાત તો રિઝલ્ટ કંઈક અલગ જ હોઈ શકત. પુજારાને લીધે રિષભ પંતને પણ વિશ્વાસ આવ્યો. જ્યારે હું ઑસ્ટ્રેલિયા જતો હતો અને ટીમ સારું રમતી હતી તો ભારતમાં બધા ખુશ થઈ જતા હતા અને ખરાબ રમતી તો માયુસ થઈ જતા. આ જીત એટલા માટે ખાસ અને શાનદાર છે કેમ કે ઑસ્ટ્રેલિયા પાસે મજબૂત ટીમ હતી. બૉલ સ્પિન થઈ રહી હતી અને પાંચમા દિવસે ઘણી નીચે રહેતી હતી. આવામાં રન બનાવવા સરળ નથી હોતા. ઘણું સારું લાગ્યું. આ યુવા ટીમને સલામ છે. શુભમન ગિલ, રિષભ પંત, શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરે મન મોહી લીધું. ખરેખર, ભારતીય ટીમનું ભવિષ્ય ઉજ્જવળ હાથોમાં છે.’

ઘરઆંગણેના મેદાનમાં સતત વિજયી રહેનાર ટીમની યાદી

વર્ષ        ટીમ              સ્ટેડિયમ                        વર્ષ

૩૪         પાકિસ્તાન        નૅશનલ સ્ટેડિયમ, કરાંચી    ૧૯૫૫-૨૦૦૦

૩૧         ઑસ્ટ્રેલિયા        ગૅબા                         ૧૯૮૯-૨૦૧૯

૨૭         વેસ્ટ ઇન્ડીઝ      કિંગસ્ટન ઓવલ             ૧૯૪૮-’૯૩

૨૫         ઇંગ્લૅન્ડ           ઓલ્ડ ટ્રેફર્ડ                    ૧૯૦૫-’૫૪

૧૯         વેસ્ટ ઇન્ડીઝ      સબાઇના પાર્ક                ૧૯૫૮-’૮૯

 

ભારતે સફળતાપૂર્વક કરેલા રન-ચેઝ

રન         વિરોધી ટીમ            સ્ટેડિયમ          વર્ષ

૪૦૬       વેસ્ટ ઇન્ડીઝ            પોર્ટ ઑફ સ્પેન   ૧૯૭૫-’૭૬

૩૮૭       ઇંગ્લૅન્ડ                 ચેન્નઈ               ૨૦૦૮-’૦૯

૩૨૮       ઑસ્ટ્રેલિયા              બ્રિસ્બેન           ૨૦૨૦-’૨૧

૨૭૬       વેસ્ટ ઇન્ડીઝ            દિલ્હી              ૨૦૧૧-’૧૨

૨૬૪       શ્રીલંકા                 કૅન્ડી                ૨૦૦૧

 

ઑસ્ટ્રેલિયા સામે ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ રન-ચેઝ

માર્જિન     વિરોધી ટીમ      યજમાન દેશ     વર્ષ

૨-૧        ઇંગ્લૅન્ડ           ભારત            ૧૯૭૨-’૭૩

૨-૧        ઑસ્ટ્રેલિયા        ભારત           ૨૦૦૦-’૦૧

૨-૧        શ્રીલંકા           શ્રીલંકા           ૨૦૧૫

૨-૧        ઑસ્ટ્રેલિયા        ભારત           ૨૦૧૬-’૧૭

૨-૧        ઑસ્ટ્રેલિયા        ઑસ્ટ્રેલિયા       ૨૦૨૦-’૨૧

 

ટેસ્ટ મૅચના પાંચમા દિવસે કરેલા સર્વાધિક રન

રન         ટીમ              વિરોધી ટીમ      સ્ટેડિયમ    વર્ષ

૪૦૪       ઑસ્ટ્રેલિયા        ઇંગ્લૅન્ડ           લીડ્સ      ૧૯૪૮

૩૪૪       વેસ્ટ ઇન્ડીઝ      ઇંગ્લૅન્ડ           લૉર્ડ્સ       ૧૯૮૪

૩૨૫       ભારત            ઑસ્ટ્રેલિયા        બ્રિસ્બેન     ૨૦૨૦-’૨૧

૩૧૭       ઑસ્ટ્રેલિયા        ભારત            પર્થ           ૧૯૭૭-’૭૮

૩૧૭        વેસ્ટ ઇન્ડીઝ      ઇંગ્લૅન્ડ           લીડ્સ      ૨૦૧૭

sports sports news cricket news india australia gabba brisbane test cricket