28 February, 2026 11:25 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
ભારત માટે કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૭૦ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સના આધારે સૌથી વધુ ૫૪ રન કર્યા હતા.
કાંગારૂઓ સામે ૨-૧થી T20 સિરીઝ જીતનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સતત બે મૅચ હારીને ત્રણ વન-ડે મૅચની સિરીઝ ગુમાવી છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી મૅચમાં ૬ વિકેટે અને બીજી મૅચમાં પાંચ વિકેટે જીત નોંધાવી વન-ડે વર્લ્ડ ચૅમ્પિયન ભારતની આબરૂને ઠેસ પહોંચાડી હતી. હૉબાર્ટમાં બીજી મૅચમાં ભારતે પ્રતીકા રાવલ અને હરમનપ્રીત કૌરની ફિફ્ટીના આધારે ૨૫૧-૯નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૩૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૨૫૨ રન કરીને ભારત સામે ૧૨ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો.
ભારત માટે ઓપનર પ્રતીકા રાવલે ૮૧ બૉલમાં ૬ ફોરની મદદથી બાવન રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૭૦ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સના આધારે ૫૪ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયા માટે સ્પિનર ઍશ્લી ગાર્ડનર, અલાના કિંગ સહિત ફાસ્ટ બોલર એનાબેલ સધરલૅન્ડે ૨-૨ વિકેટ ઝડપી હતી.
પહેલી વન-ડેમાં ગોલ્ડન ડક થયેલી જ્યૉર્જિયા વૉલે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ૮૨ બૉલમાં ૧૩ ફોર અને ૧ સિક્સ ફટકારીને ૧૦૧ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ઓપનર ફિબ લિચફીલ્ડે ૬૨ બૉલમાં ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૮૦ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમ અને સ્પિનર દીપ્તિ શર્માને ૨-૨ વિકેટ મળી હતી.
વૈષ્ણવી શર્માએ કર્યું વન-ડે ડેબ્યુ
ગઈ કાલે મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની સ્પિનર વૈષ્ણવી શર્માએ ભારત માટે વન-ડે ફૉર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. બૅટિંગ દરમ્યાન તે ૧૧મા ક્રમે રમવા આવી હતી. તે પાંચ બૉલમાં બે ફોરની મદદથી ૧૦ રન ફટકારીને અણનમ રહી હતી. બોલિંગ દરમ્યાન તે ચાર ઓવરમાં ૩૪ રન આપીને વિકેટલેસ રહી હતી. ગયા વર્ષે T20 ડેબ્યુ કરનાર વૈષ્ણવીએ પાંચ મૅચમાં પાંચ વિકેટ લીધી હતી.