શેફાલી, પૂનમની મહેનત રંગ લાવી: બંગલા દેશને 18 રનથી હરાવ્યું

25 February, 2020 07:37 AM IST  |  Perth

શેફાલી, પૂનમની મહેનત રંગ લાવી: બંગલા દેશને 18 રનથી હરાવ્યું

ઇન્ડિયા વિમેન ટી૨૦ વર્લ્ડ કપ

ઇન્ડિયાએ વિમેન ટી૨૦ વર્લ્ડ કપમાં બંગલા દેશને હરાવીને તેમની વિજયકૂચ ચાલુ રાખી છે. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ઇન્ડિયાએ પહેલી બન્ને મૅચમાં જીત મેળવી છે. ઑસ્ટ્રેલિયા બાદ તેમણે બંગલા દેશ સામે પણ જીત મેળવી છે. પર્થમાં ગઈ કાલે રમાયેલી મૅચમાં બંગલા દેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઇન્ડિયાની ઓપનર તાનિયા ભાટિયા બીજી જ ઓવરમાં બે રન કરીને આઉટ થઈ હતી. જોકે શેફાલી વર્માએ ટીમમાં સૌથી વધુ ૧૭ બૉલમાં ૩૯ રન બનાવ્યા હતા. તેની સાથે જેમિમાહ રેડ્રિગ્સે પણ ૩૪ રન કર્યા હતા. જેમિમાહ રનઆઉટ થતાં હરમનપ્રીત કૌર આવી હતી. ત્યાર બાદ સમયે-સમયે વિકેટ પડતાં ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૧૪૨ રન કર્યા હતા. બંગલા દેશની સલમા ખાતૂન અને પેન્ના ઘોષે બે-બે વિકેટ લીધી હતી.

૧૪૨ રનનો ટાર્ગેટ ચૅઝ કરવા આવેલી બંગલા દેશની ટીમની ઓપનર શમિમા સુલતાના પણ બીજી ઓવરમાં આઉટ થઈ હતી. મુર્શિદા ખાતૂને ૩૦ અને નિગાર સુલતાનાએ ૩૫ રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ પ્લેયર ૨૦ રનનો આંકડો પાર નહોતી કરી શકી. ૨૦ ઓવરમાં બંગલા દેશની ટીમ આઠ વિકેટના નુકસાને ૧૨૪ રન કરી શકી હતી. પૂનમ યાદવે ત્રણ, શિખા પાન્ડે અને અરુંધતિ રેડ્ડીએ બે-બે વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડને પણ એક વિકેટ મળી હતી. ૨૨૯.૪૧ની સ્ટ્રાઇક-રેટથી રન મારનારી શેફાલી વર્માએ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

indian womens cricket team india bangladesh cricket news sports news perth