ડબલ હૅટ-ટ્રિક કરવા માગતા ઑસ્ટ્રેલિયાને રોકવા માગશે ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ

10 February, 2023 12:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કાંગારૂ ટીમ સાત પૈકી પાંચ વખત આ ટ્રોફી જીતી ચૂકી છે, જેમાં તેના શાનદાર બૅ​ટિંગ સ્ટ્રેન્ગ્થનો સૌથી મોટા ફાળો

ડબલ હૅટ-ટ્રિક કરવા માગતા ઑસ્ટ્રેલિયાને રોકવા માગશે ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ

પાંચ વખત ટી૨૦ વર્લ્ડ કપ જીતી ચૂકેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થનારા વર્લ્ડ કપમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, તો ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ આ વર્ચસને તોડવાનો પ્રયાસ કરશે. શાનદાર પર્ફોર્મન્સથી ઑસ્ટ્રેલિયા કુલ સાત પૈકી પાંચ વખત ટ્રોફી જીત્યું છે. છેલ્લા ૨૨ મહિનામાં તેઓ માત્ર એક જ ટી૨૦ હાર્યાં છે. એ હાર પણ માત્ર સુપરઓવરમાં હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બીજી વખત વિજયની હૅટ-ટ્રિક કરવા માગશે. વિરામ બાદ કૅપ્ટન મૅગ લેનિંગે વાપસી કરી છે. સ્ટાર વિકેટકીપર બૅટર એલિસા હિલી પણ ઈજા બાદ પાછી ફરી છે. ટીમની સૌથી મોટી તાકાત એની બૅટિંગ સ્ટ્રેન્ગ્થ છે. જોકે તાજેતરમાં ભારત સામે જીત મેળવવામાં પડેલી મુશ્કેલીઓ અને આયરલૅન્ડ સામે વૉર્મ-અપ મૅચમાં પરાજય દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયાને પણ હરાવી શકાય છે. આમ ભારત, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની ટીમો પણ જીતવા માટે જોર લગાવશે. 

રનર્સઅપ બાજી બદલવા આતુર 

છેલ્લા વર્લ્ડ કપમાં રનર્સઅપ રહેલી ભારતીય ટીમ આ વખતે ટાઇટલ જીતવા આતુર છે, જે સિદ્ધિ એ અત્યાર સુધી મેળવી શકી નથી. ભારત માટે તમામ આધાર બૅટિંગ ઑર્ડર પર છે. એમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને કૅપ્ટન હરમનપ્રીત કૌર પર ઘણો દારોમદાર છે. ફાઇનલમાં હારી ગયેલી ભારતીય ટીમનો ફાઇનલ સુધીનો પ્રવાસ શાનદાર રહ્યો હતો. શેફાલી વર્માએ ભારત તરફથી સૌથી વધુ રન કર્યા હતા. ભારતને રિચા ઘોષ તરીકે એક ફિનિશર પણ મળી છે, જેણે અન્ડર-19 વર્લ્ડ કપમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારત પાસે સ્પિન અને પેસનું સારું મિશ્રણ છે, પરંતુ બોલિંગ એ તેમનું નબળું પાસું છે. શિખા પાંડે પ્રમાણમાં બિનઅનુભવી છે. દીપ્તિ શર્મા ઘણા પ્રસંગે ભારત માટે મૅચ-વિનર રહી છે. 

ત્રણ વખત ફાઇનલમાં પહોંચી

ભારત ગ્રુપ-બીમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડ સાથે છે. ઇંગ્લૅન્ડ વર્ષોથી આ ફૉર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતી ટીમ છે, જે એકેય વખત જીતી નથી, પણ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી શકી છે અને હવે ટ્રોફી જીતવા આતુર છે. ઇંગ્લૅન્ડનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણું મજબૂત છે, જેમાં ફાસ્ટ બોલર કૅથરીન સિવર-બ્રન્ટ અને સ્પિનર સૉફી એકલ્સ્ટનનો સમાવેશ છે. ગ્રુપ-એમાંથી ન્યુ ઝીલૅન્ડની ટીમ પણ ટૉપ-4માં પહોંચવા માટે આતુર છે. ઘરઆંગણે સાઉથ આફ્રિકા પણ પોતાનું પ્રદર્શન સુધારવા માગશે. 

મૅચનો સમય, રાતે ૧૦.૩૦ વાગ્યાથી

આજે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે પહેલી મૅચ

મહિલા ટી૨૦ વર્લ્ડ કપના યજમાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે આજે પહેલી મૅચ રમાશે. સાઉથ આફ્રિકાની કૅપ્ટન અને ઑલરાઉન્ડર ખેલાડી સુન લુસના પ્રદર્શન પર ઘણો દારોમદાર હશે. શ્રીલંકાએ ટૉપ-ફોરમાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. કારણ કે આ ગ્રુપમાં ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ જેવી દમદાર ટીમ છે. જો શ્રીલંકા આગળ વધે તો એક મોટો અપસેટ હશે. 

sports news sports cricket news t20 world cup t20 international indian womens cricket team harmanpreet kaur