અપેક્ષા પ્રમાણે પાકિસ્તાનનો યુ-ટર્ન રવિવારે ભારત સામે રમશે

11 February, 2026 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે ICC સાથેની મંત્રણા તેમ જ બંગલાદેશ અને શ્રીલંકા વતી કરવામાં આવેલી વિનંતી બાદ બૉયકૉટ ડ્રામાનો અંત : અહેવાલ પ્રમાણે બહિષ્કાર રદ કરવા ICC તરફથી મળેલા કન્સેશનની જાહેરાત વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન બોર્ડ કરશે

ફાઇલ તસવીર

૧૦ દિવસ સુધી આડોડાઈ કર્યા બાદ આખરે પાકિસ્તાન રવિવારે ભારત સામેની મૅચ રમવા તૈયાર થઈ ગયું હતું. પાકિસ્તાને ભારત સામેની મૅચ ન રમવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે જ નક્કી હતું કે હંમેશ મુજબ પાકિસ્તાનને એની ભૂલ સમજાશે અને યુ-ટર્ન લેશે. સોમવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ડેપ્યુટી ચૅરમૅન ઇમરાન ખ્વાજા તેમ જ બંગલાદેશ ક્રિકેટ બોર્ડના અમીનુલ ઇસ્લામ વચ્ચે મંત્રણા થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના વડા પ્રધાનને ભારત સામેની મૅચનો બૉયકૉટ કરવાના નિર્ણયનો પુનર્વિચાર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. મોડી રાતે પાકિસ્તાનના વડા પ્રધાને પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારત સામેની મૅચ રમવાનો નિર્દેશ આપી દીધો હતો. ICCએ પણ એક સ્ટેટમેન્ટમાં કન્ફર્મ કર્યું હતું કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં શેડ્યુલ પ્રમાણેની ભારત સહિતની બધી જ મૅચમાં રમશે.

બંગલાદેશ-શ્રીલંકાની વિનંતી

અસલામતીના કારણસર ભારતમાં ન રમવાના નિર્ણયને લીધે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલા બંગલાદેશે પાકિસ્તાનને ભારત સામેની મૅચ રમવાની અપીલ કરી હતી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે પાકિસ્તાનને અપીલ કરતાં કહ્યું હતું કે હું પાકિસ્તાનને અપીલ કરું છું કે સમગ્ર ક્રિકેટ ઇકો-સિસ્ટમના હિતમાં ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે ICC T20 વર્લ્ડ કપ મૅચ રમે.
બંગલાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો ICCનો નિર્ણય પક્ષપાતી ગણાવીને પાકિસ્તાને ભારત સામેની મૅચ ન રમવાનો નિર્ણય લીધો હતો.

બંગલાદેશ ઉપરાંત સહયજમાન શ્રીલંકાએ પણ પાકિસ્તાનને ભારત સામે રમવાની વિનંતી કરી હતી. પાકિસ્તાનમાં જ્યારે કોઈ દેશ રમવા જવા તૈયાર નહોતો ત્યારે શ્રીલંકા તેમના પર હુમલા થયા છતાં રમવા જઈને પાકિસ્તાનના પડખે રહ્યું હતું. શ્રીલંકાએ આ બધું યાદ અપાવીને જીદ છોડી દેવા કહ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે પોતે પાકિસ્તાનના વડા પ્રધાનને ફોન કરીને ભારત સાથે રમવાની વિનંતી કરી હતી.

પર્યટન પર નભતા શ્રીલંકા માટે ભારત-પાકિસ્તાન મૅચ રદ થાય તો ખૂબ મોટું નુકસાન થાય એમ હતું, જે તેમની હાલની આર્થિક પરિસ્થિતિને જોતાં જરાય પરવડે એમ નહોતું.

આ ઉપરાંત ભારત-પાકિસ્તાન મૅચ રદ થતાં ICCની આવકમાં પણ મોટું ગાબડું પડે એમ હતું અને પરિણામે બંગલાદેશ-શ્રીલંકાને મળનારા શૅરમાં મોટો ઘટાડો થાય એમ હતું. 
પાકિસ્તાન સરકારના ભારત સામેની મૅચ રમવાના નિર્ણય બાદ બંગલાદેશ અને શ્રીલંકાએ તેમનો આભાર માન્યો હતો.

પાકિસ્તાનની કહેવાતી શરતો

અહેવાલ પ્રમાણે પાકિસ્તાને ભારત સામે રમવા માટે ત્રણ શરત મૂકી હતી; પહેલી, ICCની કુલ કમાણીમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવામાં આવે. બીજી, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ-સિરીઝ ફરી શરૂ કરવામાં આવે. ત્રીજી, મેદાન પર હૅન્ડશૅક પ્રોટોકૉલને સખત રીતે લાગુ કરવામાં આવે. એ ઉપરાંત પાકિસ્તાનને બંગલાદેશ સામે કોઈ પગલાં ન લેવાની વિનંતી પણ ICCને કરી છે. ICCએ બંગલાદેશ સામેના પગલા વિશે સ્પષ્ટતા કરી હતી કે આવું કરવાનો તેમનો ઇરાદો ક્યારેય નહોતો અને બંગલાદેશને કોઈ દંડ કરવામાં નહીં આવે કે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં તેમને એકાદ ઇવેન્ટ પણ ફાળવવામાં આવશે.

વર્લ્ડ કપની વિગતો જાહેર કરવામાં આવશે

પાકિસ્તાનને ભારત સામેની મૅચ રમવા માટે તૈયાર થવા ICC તરફથી અમુક કન્સેશન્સ મળ્યું હોવાની ચર્ચા પાકિસ્તાનના મીડિયામાં છે. એક અહેવાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને મળેલું કન્સેશન્સ વર્લ્ડ કપ બાદ જાહેર કરવામાં આવશે.

માહિતી પ્રમાણે ICCએ બંગલાદેશ સામે કોઈ પગલાં ન લેવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને કમાણીમાં વધુ હિસ્સા વિશે ભવિષ્યમાં વિચાર કરવામાં આવશે એવું જણાવ્યું હતું. 

BCCIએ કરી ICCની પ્રશંસા

ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં ક્રિકેટની જીત ગણાવી હતી અને ઉકેલ માટે ICCના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે ICCએ જે રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરીને ઉકેલ કાઢ્યો છે એ પ્રશંસાને પાત્ર છે.

t20 world cup international cricket council world cup india pakistan board of control for cricket in india cricket news sports sports news rajeev shukla