10 February, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મસ્તીના મૂડમાં
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆતમાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા પોસ્ટ કરાયેલા વિડિયોમાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા ચાલુ T20 વર્લ્ડ કપ માટે આટલો તેજસ્વી કૅપ્ટન મેળવીને ભાગ્યશાળી છે. સૂર્યાએ T20 ફૉર્મેટમાં મારું જીવન ઘણું સરળ બનાવ્યું છે. તે એક જબરદસ્ત લીડર છે. ફક્ત તે મેદાન પર શું કરે છે એના કારણે નહીં, પરંતુ બૅટ્સમૅન તરીકેની તેની રમવાની શૈલીને કારણે પણ.’
ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ‘પ્રેશરની સ્થિતિમાં તે યોગ્ય નિર્ણયો લે છે. લીડર તરીકે તે દરેક બાબતમાં સફળ છે. તે ખેલાડીઓ સાથે વાતચીત કરીને માહોલને શાંત રાખે છે એના કારણે કોચ તરીકે તમને ઘણી બધી બીજી બાબતો વિશે વિચારવાનો સારો સમય મળે છે. આવી જ પરિસ્થિતિની દરેક કોચ ઇચ્છા રાખે છે.’