ઑસ્ટ્રેલિયા જેને ત્રીજી ટેસ્ટમાં રમાડવા અધીરી બની છે એ વૉર્નર કહે છે...

03 January, 2021 03:07 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા જેને ત્રીજી ટેસ્ટમાં રમાડવા અધીરી બની છે એ વૉર્નર કહે છે...

ડેવિડ વૉર્નર

બીજી ટેસ્ટમાં અણધાર્યા પરાજય બાદ ઑસ્ટ્રેલિયન ટીમ ૭ જાન્યુઆરીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં ઇન્જર્ડ ઓપનર ડેવિડ વૉર્નરને ટીમમાં સમાવેશ કરવા અધીરી બની છે અને તે સંપૂર્ણપણે ફિટ ન હોય તો પણ રમાડવા માગે છે. જોકે વૉર્નરે પોતે ગઈ કાલે કહ્યું હતું કે મને શંકા છે કે ત્રીજી ટેસ્ટ પહેલાં સંર્પૂણપણે ફિટનેસ મેળવી શકાશે. જોકે અે ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર છે.

વૉર્નરને બીજી વન-ડે દરમ્યાન ઇન્જરી થઈ હતી અને ત્યાર બાદ ત્રીજી વન-ડે, ત્રણેય ટી૨૦ અને પ્રથમ બે ટેસ્ટ તેણે ગુમાવી છે. હવે પ્રથમ બન્ને ટેસ્ટમાં ઓપનરો સાવ ફ્લૉપ સાબિત થતાં ટીમ સારી શરૂઆતના અભાવે મુશ્કેલી પડી રહી હોવાથી વૉર્નરને રમાડવા ઉત્સુક છે.

વૉર્નરે ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘મેં બે દિવસથી રનિંગ નથી કરી. આવતા બે દિવસમાં અમારી ટ્રેઇનિંગમાં મને અંદાજ આવી જશે કે હું કેટલો ફિટ છું. જોકે મને શંકા છે કે હું ૧૦૦ ફિટ થઈ શકીશ. ફિટ થવા માટે જે કરવું પડે એ બધુ હું કરી રહ્યો છું. મારા માટે સૌથી મહત્ત્વનું રનિંગ બીટ્વિન ધ વિકેટ છે. અત્યારે અે મહત્ત્વનું નથી કે હું કયા શૉટ ફટકારી શકીશ. સિંગલ રન લેવા ખૂબ મહત્ત્વના હોય છે. હું ૧૦૦ ટકા ફિટ થવા માગું છું. એ મુશ્કેલ જરૂર છે, પણ હું કોશિશ કરી રહ્યો છું. બીજું અે પણ મહત્ત્વનું છે કે સ્લીપ્સમાં હું બરાબર ફીલ્ડિંગ કરી શકીશ કે નહીં. ડાબી બાજુ કે જમણી બાજુ હું સ્ફૂર્તિ સાથે હલનચલન કરી શકીશ કે નહીં. જો હું આમ ન કરી શકું તો ટીમ માટે બોજ બની જઈશ.’

મૅનેજમેન્ટ તેને સમાવવા અધીરી હોવા વિશે વૉર્નરે કહ્યું હતું કે હું મૅચ માટે ફિટ થવા શક્ય અેટલા બધા પ્રયાસ કરી રહ્યો છું, પણ જો હું ૧૦૦ ટકા ફિટ ન થઈ શક્યો તો પણ ટીમ મૅનેજમેન્ટ મને જે કહેશે એ પ્રમાણે હું કરીશ.’

વૉર્નરે કર્યો સ્મિથનો બચાવ

પહેલી ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં એક પણ વાર ડબલ ડિજિટનો આંકડો પાર ન કરી શકનાર સ્ટીવ સ્મિથને વૉર્નરે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે દરેક ખેલાડી સાથે આવું બનતું હોય છે. વૉર્નરને લાગે છે કે સ્મિથના નબળા પર્ફોર્મન્સમાં તેનું નબળું ફૉર્મ નહીં, પણ ભારતની શાનદાર બોલિંગ વધુ જવાદબાર છે. ટેસ્ટ રૅન્કિંગ્સમાં કેન વિલિયમસને ભલે સ્મિથને નંબર-વનથી હટાવી દીધો હોય, પણ તમે તેના આંકડા જુઓ, એ આજે પણ ૬૦ પ્લસની ઍવરેજ ધરાવે છે. દરેક ખેલાડી ક્યારેક તેનું ફૉર્મ ગુમાવી બેસતો હોય છે અને મેં ઍશિઝ સિરીઝમાં એનો અનુભવ કર્યો હતો.

sports sports news cricket news australia india test cricket david warner