મને નથી લાગતું કે આઇપીએલની બાકીની મૅચો ભારતમાં રમાશે : નિશૅમ

11 May, 2021 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના જિમી નિશૅમના મતે બાયો-બબલમાં હોવા છતાં કોરોનાના કેસ થતાં અટકાવી દેવાયેલી આઇપીએલની બાકીની મૅચો આ વર્ષે ભારતમાં યોજાય એવી કોઈ શક્યતા નથી.

જિમી નિશૅમ

ન્યુ ઝીલૅન્ડના જિમી નિશૅમના મતે બાયો-બબલમાં હોવા છતાં કોરોનાના કેસ થતાં અટકાવી દેવાયેલી આઇપીએલની બાકીની મૅચો આ વર્ષે ભારતમાં યોજાય એવી કોઈ શક્યતા નથી. આ વર્ષના અંતે યોજાનારો ટી૨૦ વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાય એવી શકયતા ઓછી છે. કોરોનાના દેશમાં હાલ ૪ લાખથી વધુ કેસ છે અને ૪૦૦૦ લોકોનાં મરણ થયાં છે. આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપ યુએઈમાં યોજાય એવી શક્યતા છે. 

મુંબઈના નિશૅમે કહ્યું કે ‘ભલે અમે ચાર્ટર્ડ પ્લેનમાં જતા હતા, પરંતુ કસ્ટમ્સને અમારી તમામ વિગતો આપવી પડતી હતી. ટર્મિનલમાંથી પસાર થવું પડતું હતું. મને નથી ખબર કે કઈ રીતે ખેલાડીઓ સંક્રમિત થયા, પરંતુ આટલી બધી સુરક્ષા રાખવી અશક્ય જ હતી. ઘણા લોકો એકબીજાની આટલી નજીક હતા. વળી દરેક મૅચ બાદ બધા વાતો કરતા હતા. જો કોઈ ટીમના ખેલાડીને કોરોના થાય તો પછી તમે વિચારવા લાગો કે તમે કોની સાથે હાથ મિલાવ્યો હતો.’ 

જો ફરી વાર આઇપીએલ યોજાશે તો તું જશે? આ સવાલના જવાબમાં નિશૅમે કહ્યું હતું કે ‘મને ખબર હોવા છતાં મેં કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો છે. તેથી ટુર્નામેન્ટ પૂરી થાય એ પહેલાં અધવચ્ચેથી હું એને છોડી ન શકું. દરેક લોકોનો મત આ મામલે અલગ હોઈ શકે. તમારે ઘણી વખત વિવિધ દેશોનો પ્રવાસ કરવાનો હોય છે. મેદાનમાં ઊતરીને તમારે તમારી કામગીરી બજાવવાની હોય છે. આઇપીએલ રદ થશે એવું મને લાગ્યું નહોતું, કારણ કે અલગ-અલગ બબલમાં ઘણીબધી ટીમો રમી રહી હતી. તેથી અમુક કેસ થશે જ એવી શક્યતા હતી જ.’ 

cricket news sports news ipl 2021 indian premier league