મારી ગેરહાજરી છતાં બંગલાદેશની ટીમે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં ખુશ છું : શાકિબ

09 January, 2022 02:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોતાના પરિવાર સાથે સમય વ્યક્ત કરવા માટે શાકિબે બે ટેસ્ટની સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

શાકિબ-અલ-હસન

માઉન્ટ માઉંગાનુઈના મેદાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બંગલાદેશે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને ખુશી વ્યકત કરી છે. પોતાના પરિવાર સાથે સમય વ્યક્ત કરવા માટે શાકિબે બે ટેસ્ટની સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે કહ્યું કે ‘જીતવા માટે બંગલાદેશની ટીમને સિનિયર ખેલાડીઓની જરૂર નથી.’ ફાસ્ટ બોલર ઇબાદોત હુસેને બીજી ઇનિંગ્સમાં ૪૬ રન આપીને ૬ વિકેટ લેતાં ન્યુ ઝીલૅન્ડ માત્ર ૧૬૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. 
જીતવા માટેનો ૪૦ રનનો લક્ષ્યાંક બંગલાદેશે ૧૬.૫ ઓવરમાં જ આંબ્યો હતો. બંગલાદેશની ટીમે ૨૦૨૨નો વિદેશમાં ટેસ્ટ-વિજય સાથે શાનદાર પ્રારંભ કર્યો હતો. ગયા વર્ષે તે સાતમાંની પાંચ ટેસ્ટ હારી ગયું હતું. 
શાકિબે કહ્યું કે ‘આ જીતનનું શ્રેય તમામ ખેલાડી અને કોચિંગ-સ્ટાફને જાય છે, કારણ કે ટીમે અલગ કન્ડિશન તેમ જ પ્રેશરમાં સારી રમતનું પ્રદર્શન કર્યું હતું. એક ટેસ્ટ-વિજયથી કંઈ બદલાતું નથી, પરંતુ બદલાવની તક જરૂર ઊભી થાય છે. આપણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ સારું પ્રદર્શન કરીશું.’

sports sports news cricket news bangladesh new zealand