14 June, 2026 03:02 PM IST | London | Gujarati Mid-day Correspondent
ભારતની કૅપ્ટન હરમતપ્રીત કૌર, પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના, બંગલાદેશની કૅપ્ટન નિગાર સુલતાના, નેધરલૅન્ડ્સની કૅપ્ટન બબેટ દ લીડ
આજે સાંજે ૭ વાગ્યે એજબૅસ્ટનમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક મૅચ રમાશે. આ બન્ને કટ્ટર હરીફ ટીમો આજથી જ પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.
સતત દસમો વર્લ્ડ કપ રમનાર ભારત ૪૦ વર્લ્ડ કપ મૅચમાંથી બાવીસ મૅચ જીત્યું છે અને ૧૮ મૅચમાં હાર મળી છે. ભારત ૨૦૨૦ની રનર-અપ ટીમ રહી છે. ભારતની જેમ ૨૦૦૯થી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પાકિસ્તાન ૩૬ વર્લ્ડ કપ મૅચમાંથી માત્ર નવમાં જીત્યું છે, ૨૬ મૅચમાં એને હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. પાકિસ્તાન લીગ કે ગ્રુપ-સ્ટેજથી આગળ વધી શક્યું નથી.
બન્ને ટીમ વચ્ચે T20 ફૉર્મેટમાં ૧૩ મૅચ રમાઈ છે એમાંથી ભારત દસમાં અને પાકિસ્તાન ત્રણમાં વિજેતા રહ્યું છે. છેલ્લે પાકિસ્તાન હરીફ ટીમ ભારતને વર્ષ ૨૦૨૨ના T20 એશિયા કપમાં હરાવી શક્યું હતું. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ૮ વખત બન્ને ટીમ સામસામે રમી છે. ભારત એમાંથી ૬ મૅચ જીત્યું છે. પાકિસ્તાન વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૬ની વર્લ્ડ કપ મૅચમાં વિજેતા રહ્યું હતું. ત્યારથી તેઓ ભારત સામે વર્લ્ડ કપમાં સતત ત્રણ મૅચ હાર્યા છે.
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં રમનાર નેધરલૅન્ડ્સ તેરમી ટીમ બનવા જઈ રહી છે. અગાઉ ૨૦૨૦માં થાઇલૅન્ડ અને ૨૦૨૪માં સ્કૉટલૅન્ડે વર્લ્ડ કપ ડેબ્યુ કર્યું હતું. ૨૦૧૪થી ૨૦૨૪ સુધી ૬ આવૃત્તિમાં રમનાર બંગલાદેશ પચીસ વર્લ્ડ કપ મૅચમાંથી ૩ મૅચ જીત્યું છે અને બાવીસ મૅચ હાર્યું છે. બન્ને ટીમ વચ્ચે ૬ T20 મૅચ રમાઈ છે એમાંથી બંગલાદેશ ૪ મૅચ અને નેધરલૅન્ડ્સ બે મૅચ જીત્યું છે.
એક ફ્રેમમાં જોવા મળી ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડની ખેલાડીઓ.
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌર પાંચમી વખત એક આવૃત્તિમાં ભારતની આગેવાની કરશે. ૨૦૧૮થી તેની આગેવાનીમાં ભારત ૧૯માંથી ૧૩ મૅચ જીત્યું છે અને ૬ મૅચમાં હાર મળી છે. ૬૮.૪૨ની જીતની ટકાવારીને કારણે તે T20 વર્લ્ડ કપની સૌથી સફળ કૅપ્ટન્સમાંથી એક છે.
હરમનપ્રીત કૌર એ ૭ પ્લેયર્સમાંથી એક છે જે સતત દસમો વર્લ્ડ કપ રમી રહી છે. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ૩૯ મૅચમાં હરમનપ્રીત કૌર ૭૨૬ રન કરીને ૧૧ વિકેટ પણ લઈ ચૂકી છે.