મારી બોલિંગમાં ૬ સિક્સર જાય તોય વાંધો નહીં; વિકેટ મળવી જોઈએ, બસ : હાર્દિક પંડ્યા

19 July, 2022 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિકે એવું પણ કહ્યું કે, મને શૉર્ટ બૉલ ફેંકવા ખૂબ ગમે છે

જશ્ન મનાવતી ટીમ ઇન્ડિયા

મૅન્ચેસ્ટરમાં સોમવારે ભારતે ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક વન-ડે ૪૭ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી જીતી લીધી અને ૨-૧ના તફાવત સાથે સિરીઝની ટ્રોફી પર કબજો કર્યો ત્યાર બાદ હાર્દિક પંડ્યાને કુલ ૧૦૦ રન અને ૬ વિકેટ બદલ તેમ જ મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મને વાઇટ-બૉલની મૅચો (લિમિટેડ ઓવર્સ મૅચો) રમવી ખૂબ ગમે છે. અમે ઇંગ્લૅન્ડ જેવી મજબૂત ટીમ સામે અમારી ટી૨૦ વર્લ્ડ કપની યોજનાની તૈયારીને ચકાસવા માગતા હતા અને એમાં સફળ રહ્યા. મેં બોલિંગ મળતાં બ્રિટિશરોનો રનનો ધોધ અટકાવવાનું અને બનેએટલા ડૉટ-બૉલ ફેંકવાનું નક્કી કર્યું હતું. તેમણે સિરાજ સામે બે વિકેટ બહુ વહેલી ગુમાવી, પણ એ પછી તેમણે સારું કમબૅક કર્યું અને એ હું રોકવા માગતો હતો.’

હાર્દિકે એવું પણ કહ્યું કે ‘મને શૉર્ટ બૉલ ફેંકવા ખૂબ ગમે છે. મારી બોલિંગમાં જ બૅટર આક્રમક બનીને ફટકાબાજી કરે તો હું ડરતો નથી. મારું મનોબળ વધુ મજબૂત થાય છે. મારી બોલિંગમાં ૬ સિક્સર જાય તો કોઈ વાંધો નહીં; વિકેટ મળવી જોઈએ, બસ.’

હાર્દિકને જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ અપાશે એવી ધારણા હતી, પરંતુ રિષભ પંતે કાબિલેદાદ સેન્ચુરી (૧૧૩ બૉલમાં અણનમ ૧૨૫) ફટકારી એ બદલ એ પુરસ્કારનો ખરો હકદાર તે (પંત) જ હતો. હાર્દિકે મૅચ પછી કહ્યું કે ‘અમે બહુ સારા મિત્રો છીએ. મેં મારાથી બનતું બધું કર્યું, પણ છેલ્લે એવું લાગ્યું કે આ મૅચ જાણે તેની જ હતી. આપણે બધા તેની (પંતની) ટૅલન્ટથી વાકેફ છીએ જ. તે પરિસ્થિતિ પ્રમાણે ગજબનું રમ્યો. અમારી ભાગીદારીએ મૅચની બાજી પલટી નાખી. તેણે જે રીતે મૅચને ફિનિશ કરી એ સ્પેશ્યલ મોમેન્ટ્સ હતી.’

હાર્દિક જેવી સિદ્ધિ સૌથી પહેલાં શ્રીકાંતે મેળવેલી!

હાર્દિક પંડ્યાએ રવિવારે ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક વન-ડેમાં ચાર વિકેટના તરખાટ (૭-૩-૨૪-૪) બાદ છઠ્ઠા ક્રમે રમવા આવીને બૅટિંગ (૭૧ રન, ૫૫ બૉલ, ૮૧ મિનિટ, ૧૦ ફોર)માં પણ પરચો દેખાડ્યો હતો. ૧૧૩ બૉલમાં અણનમ ૧૨૫ રન બનાવનાર રિષભ પંત સાથેની હાર્દિકની ૧૩૩ રનની ભાગીદારી ભારત માટે મૅચ-વિનિંગ બની હતી.
અહીં રસપ્રદ આંકડાબાજી દ્વારા જણાવવાનું કે હાર્દિકે રવિવારે ૪ વિકેટ અને ૫૦-પ્લસ રનની જે સિદ્ધિ મેળવી એવી સિદ્ધિ ભારતીયોમાં સૌથી પહેલાં ક્રિષ્નામાચારી શ્રીકાંતે મેળવી હતી. તેમણે ૧૯૮૮ની ૧૦ ડિસેમ્બરે વિશાખાપટનમમાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ઑફ-સ્પિનના જાદુથી ૨૭ રનમાં પાંચ વિકેટ (કેન રુધરફર્ડ, ટ્રેવર ફ્રૅન્કલિન, ઇયાન સ્મિથ, જૉન બ્રેસવેલ, ક્રિસ કુગલેઇન) લીધી હતી અને પછી ૮૭ બૉલમાં ૮ ફોર સાથે ૭૦ રન બનાવીને ભારતને જિતાડ્યું હતું. શ્રીકાંત અને હાર્દિક વચ્ચેના સમયકાળમાં એક જ વન-ડેમાં ફિફ્ટી-પ્લસ રન તથા ૪ કે વધુ વિકેટની ઉપલબ્ધિ મેળવી ચૂકેલા ભારતીયોમાં સચિન, ગાંગુલી (બે વાર), યુવરાજ (બે વાર)નો સમાવેશ છે.

sports sports news cricket news india hardik pandya