21 July, 2025 07:03 AM IST | London | Gujarati Mid-day Correspondent
ગ્રેગ ચૅપલ, શુભમન ગિલ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝમાં ભારત ૧-૨થી પાછળ છે એથી આગામી બે ટેસ્ટ-મૅચ જીતીને જ સિરીઝ પર કબજો કરી શકાશે. છેલ્લી બે ટેસ્ટ-મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેગ ચૅપલે ભારતના યંગ ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે મોટી વાત કરી છે.
ગ્રેગ ચૅપલ કહે છે, ‘ભારતીય ટીમ હવે છેલ્લી બે ટેસ્ટ-મૅચ માટે તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં બધાની નજર હવે તેમના પચીસ વર્ષના કૅપ્ટન શુભમન ગિલ પર છે. એક પ્રતિભાશાળી યુવા પ્લેયર તરીકે તેણે બૅટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને નેતૃત્વ ક્ષમતાની ઝલક પણ બતાવી છે, પરંતુ તેની વાસ્તવિક કસોટી હવે થશે. આ એ પ્રસંગ છે જે ટેસ્ટ-કૅપ્ટન તરીકે તેની દિશા નક્કી કરશે.’
ગ્રેગ ચૅપલ વધુમાં કહે છે, ‘તેણે બતાવવું પડશે કે તે ભારતીય ટીમને કેવા પ્રકારની ટીમ બનાવવા માગે છે. કૅપ્ટને ફક્ત તેના શબ્દોથી જ નહીં, પરંતુ તેના પ્રદર્શન અને સ્પષ્ટ બેન્ચમાર્ક સેટ કરી ટીમની અંદર સારો માહોલ બનાવવો પડશે. મેદાન પર ટીમને શિસ્તબદ્ધ રાખીને ખરાબ ફીલ્ડિંગથી સરળતાથી રન ગુમાવતા બચવું જોઈએ. જો તે સ્પષ્ટ વિચારસરણી અને દૃઢ નિશ્ચય સાથે નેતૃત્વ કરે છે તો તે ફક્ત આ સિરીઝને જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પણ નક્કી કરશે.’
શુભમન ગિલ એક મહાન કૅપ્ટન બનશે. તે એક સ્માર્ટ ક્રિકેટર છે. રમત પ્રત્યે સારું મગજ ધરાવે છે અને રમતને સારી રીતે સમજે છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અને સારો માણસ છે જે મને ખૂબ જ મહત્ત્વપૂર્ણ લાગે છે. - ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ ગૅરી કર્સ્ટન