ઇંગ્લૅન્ડની ચાર કાઉન્ટીની આઇપીએલ માટે ઑફર

07 May, 2021 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડલસેક્સ, વૉરવિકશર, સરે અને લૅન્કેશરે બાકી રહેલી ૩૧ મૅચો માટે યજમાન બનવાની ઇચ્છા જાહેર કરી

ફાઈલ તસવીર

આઇપીએલની ૧૪મી સીઝન સસ્પેન્ડ થયા બાદ હવે બાકીની ૩૧ મૅચો ક્યારે અને ક્યાં રમાડાશે એના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી બધાને જ્યાં ગયા વર્ષે સફળતાપૂર્વક આયોજન થયું હતું એ યુએઈ એકમાત્ર વિકલ્પ લાગતો હતો, પણ ત્યાર બાદ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટેલિયા‍ વિશે પણ ચર્ચા થવા લાગી. 

ઇંગ્લૅન્ડની ચાર કાઉન્ટી ટીમોએ આઇપીએલની બાકીની ૩૧ મૅચો માટે યજમાન બનવા માટે પોતાને તૈયાર હોવાનું પણ કહી દીધું છે. આ ચારમાં મિડલસેક્સ, સરે, વૉરવિકશર અને લૅન્કેશરનો સમાવેશ છે. 

ભારતમાં થોડા સમય બાદ કોરોનાની ત્રીજી વેવ આવવાની શંકાને લીધે ભારતની બહાર ઇંગ્લૅન્ડ સિરીઝ બાદ અને ટી૨૦ વર્લ્ડ કપ પહેલાના સમયગાળામાં બાકીની ૩૧ મૅચોના આયોજન માટે વિચારણા થઈ રહી છે. 

ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોના અહેવાલ પ્રમાણે આ ચારેય કાઉન્ટીએ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડની આઇપીએલની બાકીની મૅચો માટે યજમાનીની ઇચ્છા વિશે જણાવી દીધું છે. હવે બન્ને દેશોના ક્રિકેટ બોર્ડના અધિકારીઓની મીટિંગમાં ચર્ચા થશે. 

ઘણાને આ ઑપ્શન યોગ્ય લાગે છે, કેમ કે સપ્ટેબરમાં યુએઈમાં સખત ગરમી હોય છે અને ઇંગ્લૅન્ડ અને ભારતીય ખેલાડીઓ સિરીઝ બાદ ત્યાં જ ગોઠવાઈ શકે અને બધી બધા સીધા ઑક્ટોબરમાં ટી૨૦ વર્લ્ડ કપ માટે યુએઈ જતા રહે. બીજું, જો આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ બન્ને યુએઈમાં રમાય તો એવો ડર છે કે આઇપીએલની ૩૧ મૅચો બાદ યુએઈની પિચો ધીમી પડી જશે અને એની અસર ટી૨૦ વર્લ્ડ કપ પર પડી શકે છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડે આ બાકીની ૩૧ મૅચો માટે વધુ ડબલ-હેડર સાથે ૨૦ દિવસમાં પૂરી કરવા વિચારી રહ્યું છે. 

cricket news sports news ipl 2021 indian premier league