સોબર્સના કઝિન ક્રિકેટર હૉલ્ફર્ડનું નિધન

02 June, 2022 03:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર જિમ પાર્ક્સનું અવસાન

ડેવિડ હૉલ્ફર્ડ

વેસ્ટ ઇન્ડીઝના મહાન ઑલરાઉન્ડર સર ગૅરી સોબર્સના કઝિન અને ૧૯૬૬થી ૧૯૭૭ દરમ્યાન ૨૪ ટેસ્ટ-મૅચ રમનાર ડેવિડ હૉલ્ફર્ડનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ લેગ-સ્પિનર અને નીચલા ક્રમના બૅટર હતા. ૧૯૬૬માં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં કઝિન-બ્રધર સોબર્સ સાથે તેમણે ૨૭૪ રનની ભાગીદારી કરીને કૅરિબિયન ટીમને પરાજયથી બચાવી હતી એ બદલ તેઓ ક્રિકેટપ્રેમીઓમાં યાદ રહી ગયા છે. તેમની એ ત્રીજી જ ટેસ્ટ-ઇનિંગ્સ હતી અને ટીમનો સ્કોર પાંચ વિકેટે માત્ર ૯૫ રન હતો ત્યારે તેઓ બૅટિંગમાં આવ્યા હતા અને અણનમ ૧૦૫ રન બનાવ્યા હતા. સોબર્સ ૧૬૩ રને અણનમ રહ્યા હતા. ૧૯૭૬માં બાર્બેડોઝમાં ભારત સામેના ટેસ્ટ-દાવમાં ૨૩ રનમાં લીધેલી પાંચ વિકેટનો પર્ફોર્મન્સ તેમનો બેસ્ટ બોલિંગ-દેખાવ હતો. એમાં તેમણે વિશ્વનાથ, સુરિન્દર અમરનાથ, મદન લાલ, પ્રસન્ના અને બેદીની વિકેટ લીધી હતી. હૉલ્ફર્ડે ૨૪ ટેસ્ટમાં ૭૬૮ રન બનાવવા ઉપરાંત ૫૧ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર જિમ પાર્ક્સનું અવસાન

૧૯૫૪થી ૧૯૬૮ દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી ૪૬ ટેસ્ટ રમનાર અને ઇંગ્લૅન્ડના ઓલ્ડેસ્ટ લિવિંગ ટેસ્ટ-ક્રિકેટર જિમ પાર્ક્‍સનું અવસાન થયું છે. તેઓ ૯૦ વર્ષના હતા અને વિકેટકીપર-બૅટર હતા. તેઓ એક સમયે લેગ-સ્પિનર હતા અને ૧૮ વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. તેમણે ૪૬ ટેસ્ટમાં ૧૯૬૨ રન બનાવવા ઉપરાંત સ્ટમ્પ્સની પાછળ ૧૧૪ શિકાર કર્યા હતા.

sports sports news cricket news west indies england