ક્રિકેટ જગતને આંચકો : ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ

15 May, 2022 09:42 AM IST  |  Townsville | Gujarati Mid-day Online Correspondent

શનિવારે મોડી રાત્રે એલિસ રિવર બ્રિજ પાસે અકસ્માત થયો હતો

એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (ફાઇલ તસવીર : એ.એફ.પી.)

ક્રિકેટ જગત હજી તો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વૉર્ન (Shane Warne)ના નિધનના શોકમાંથી બહાર નથી આવ્યું ત્યાં તો તેમને ફરી મોટો આંચકો લાગ્યો છે. ખેલ જગત માટે એક ખરાબ સમાચાર છે. ૪૬ વર્ષની વયે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds)નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. તેને બચાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, શહેરથી લગભગ ૫૦ કિલોમીટર પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે એલિસ રિવર બ્રિજ પાસે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ઝડપભેર દોડતી કાર રોડ પર પલટી ખાઇ ગઈ હતી. એ કારમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ હતો.

પોલીસે જણાવ્યું કે, અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા એન્ડ્ર્યુ સાયમન્ડ્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. ડૉક્ટરોએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલો હતો. તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો.

એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે ૨૬ ટેસ્ટ, ૧૯૮ વનડે અને ૧૪ T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે અનુક્રમે ૧૪૬૨, ૫૦૮૮ અને ૩૩૭ રન બનાવ્યા હતા. સાયમન્ડ્સની એવરેજ ટેસ્ટમાં ૪૦.૬૧, વનડેમાં ૩૯.૭૫ અને T20માં ૪૮.૧૪ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ ૧૬૫ વિકેટ લીધી હતી. સાયમન્ડ્સ તેના આક્રમક અંદાજ અને મેદાન પર ઉત્તમ ફિલ્ડિંગ માટે પણ જાણીતો હતો. જો કે સાયમન્ડ્સ તેના દેશ માટે ઓછી ટેસ્ટ રમ્યો હતો, તેમ છતાં તેની વન-ડે કારકિર્દી ઘણી સારી હતી અને તેણે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ઘણી મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

એન્ડ્ર્યુ સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ ૭ મે ૨૦૦૯ના રોજ પાકિસ્તાન સામે રમ્યો હતો. આ T20 મેચ દુબઈમાં રમાઈ હતી. સાયમન્ડ્સ તેની શરાબની લતને કારણે ચર્ચામાં રહેતો હતો અને આ તેને કારણે તેની કારકિર્દીને ઘણું નુકસાન થયું હતું. આ જ કારણસર સાયમન્ડ્સને ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું.

૪૬ વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે.

sports sports news cricket news australia