ફેનના પ્રેમને કારણે મુસિબતમાં મુકાયા આ પાંચ ભારતીય ખેલાડીઓ

02 January, 2021 07:29 PM IST  |  Melbourne | Gujarati Mid-day Online Correspondent

ફેનના પ્રેમને કારણે મુસિબતમાં મુકાયા આ પાંચ ભારતીય ખેલાડીઓ

રોહિત શર્મા (ફાઈલ તસવીર)

ભારતમાં ક્રિકેટ માટેનું ગાંડપણ કેવું છે એ બધા જાણે છે. ક્રિકેટ ફેન્સ પોતાના મનગમતા પ્લેયરને મળવા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. શુક્રવારે એક ફેનને મેલબર્નની એક રેસ્ટોરાંમાં આવી તક મળી. તેણે પોતાના મનગમતા પ્લેયર્સને જોવા માટે ખાવાનો ઓર્ડર કર્યો અને પછી તેમનું બિલ પણ પોતે ભર્યું. જેમાં ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma), શુભમન ગિલ (Shubman Gill), નવદીપ સૈની (Navdeep Saini), રિષભ પંત (Rishabh Pant) અને પૃથ્વી શૉ (Prithvi Shaw)નો સમાવેશ છે. પ્લેયર્સ રેસ્ટોરાંની અંદર ભોજન કરતા હોય તેવો એક વીડિયો ફેને પોસ્ટ કર્યો હતો અને તે ખુબ વાઈરલ થયો છે. જેને લીધે આ પ્લેયર્સ મુસીબતમાં મુકાઈ ગયા છે. રેસ્ટોરાંની અંદર જવું સીએ બાયો સિક્યોરિટી પ્રોટોકોલ્સનો ભંગ માનવામા આવી રહ્યું છે. તેને લીધે પ્લેયર્સની મુસીબત વધી છે. વાયરલ વીડિયો પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બીસીસીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે. તેમજ અત્યારે આ તમામ પાંચ પ્લેયર્સને આઈસોલેશનમાં મોકલી દેવાયા છે.

શું છે મામલો?

નવા વર્ષના દિવસે પાંચ ક્રિકેટર રોહિત શર્મા, શુભમન ગિલ, નવદીપ સૈની, રિષભ પંત અને પૃથ્વી શૉ મેલબર્નની એક રેસ્ટોરાંમાં જમવા ગયા હતા. જ્યાં એક ફેને તેમને જોયા. બાદમાં નવલદીપ સિંહ નામના ફેને ક્રિકેટર્સને જણાવ્યા વગર તેમનું 118.69 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 7,000 રૂપિયા)નું બિલ ચૂકવ્યું હતું. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર રોહિત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત, પૃથ્વી શો અને નવદીપ સૈનીના ફોટોઝ અને વીડિયો શૅર કર્યા. નવલદીપે કહ્યું હતું, હું આટલા મોટા મોટા ક્રિકેટર્સને જોઈને હેરાન થઈ ગયો. મને ભૂખ નહોતી છતાં ઓર્ડર કર્યો, જેથી તેમને જોઈ શકું. તેણે વધુ એક ફોટો શેર કરીને લખ્યું કે ભારતીય ખેલાડીઓને આ બાબતે ખબર નથી, પરંતુ મેં તેમનું બિલ ચૂકવી દીધું છે. પોતાના સુપરસ્ટાર્સ માટે આટલું તો કરી જ શકું છું.

નવલદીપે વધુમાં જણાવ્યું, જ્યારે તેમને ખબર પડી કે બિલ મેં પે કર્યું છે તો રોહિત શર્મા મારી પાસે આવ્યો અને કહ્યું કે પૈસા લઈ લો, આવું સારું ન લાગે યાર. મેં કીધું ના સર. હું જ પે કરીશ. એ પછી બધા સાથે ફોટો પાડ્યો. અંતમાં પંતે જતી વખતે મારી પત્નીને કહ્યું- થેન્ક્સ ફોર ધ લંચ, ભાભીજી.

ફેનના આ ટ્વીટ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે પાંચેય ખેલાડીઓએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-સિક્યુરિટી ગાઈડલાઇન્સનો ભંગ કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-સિક્યુરિટી ગાઈડલાઇન્સ અનુસાર પ્લેયર્સ રેસ્ટોરાંમાં આઉટડોર એરિયામાં બેસીને જમી શકે છે. જોકે, ફેન નવલદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ છે કે તેઓ રેસ્ટોરાંની અંદર બેસીને જમી રહ્યા હતા. આ મામલે તપાસ શરૂ થતા ફેને ફરી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે, રિષભ પંત તેને ભેટ્યો નહોતો અને તેણે ઉત્સાહમાં આવીને પહેલાંના ટ્વીટમાં આમ લખ્યું હતું.

ઓસ્ટ્રેલિયન બોર્ડ અત્યારે આ મેટરની તપાસ કરી રહ્યું છે અને પાંચેય ખેલાડીઓ આઈસોલેશનમાં છે.

sports sports news cricket news india australia melbourne rohit sharma Rishabh Pant prithvi shaw