05 June, 2025 11:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
IPLની ફાઇનલ મૅચ દરમ્યાન મેટ્રો રેલના સ્ટેશન પર ક્રિકેટચાહકોની ભીડ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચ બાદ વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોએ પ્રેક્ષકોનો આભાર માનવા મેદાન ફરતે ચક્કર મારતાં સ્ટેડિયમ છોડીને બહાર જતા રહેલા પ્રેક્ષકો મધરાતે વિરાટ કોહલીને જોવા પાછા સ્ટૅન્ડ્સમાં દોડી આવ્યા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPLની ફાઇનલ મૅચ બાદ ક્લોઝિંગ સેરેમનીમાં સમય જતાં અને મધરાત થઈ જતાં પ્રેક્ષકો સ્ટેડિયમ છોડીને બહાર જવા માંડ્યા હતા, પરંતુ સેરેમની પૂરી થયા બાદ ટ્રોફી સાથે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ ટીમના પ્લેયરોએ મેદાન ફરતે ચક્કર મારવાનું શરૂ કરતાં અને એમાં વિરાટ કોહલી પણ સામેલ હોવાનું જાણીને સ્ટેડિયમમાંથી બહાર જઈ રહેલા અને બહાર નીકળી ગયેલા પ્રેક્ષકો દોડીને પાછા સ્ટૅન્ડમાં આવ્યા હતા અને ‘કોહલી કોહલી’ કહીને તેને ચિયરઅપ કર્યો હતો. કોહલીએ પણ તેના ચાહકોનું અભિવાદન ઝીલીને ટ્રોફી બતાવીને ખુશ કરી દીધા હતા.