એકમાત્ર T20માં મૉર્ગનની સિક્સરે ઇંગ્લૅન્ડને અપાવી 7 વિકેટે જીત

07 May, 2019 11:13 AM IST  |  કાર્ડિફ | (મિડ-ડે પ્રતિનિધિ)

એકમાત્ર T20માં મૉર્ગનની સિક્સરે ઇંગ્લૅન્ડને અપાવી 7 વિકેટે જીત

આસાન જીત : આક્રમક ૫૭ રન બનાવનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન ઓઇન મૉર્ગન.

ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનના ૨૯ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સરની મદદથી નૉટઆઉટ ૫૭ અને ટેસ્ટ-કૅપ્ટન જો રૂટના ૪૨ બૉલમાં ૪૭ રનની મદદથી ઇંગ્લૅન્ડે કાર્ડિફના સોફિયા ગાર્ડન નામના ગ્રાઉન્ડ પર પાકિસ્તાનને એકમાત્ર ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં ૭ વિકેટે પરાજય આપ્યો હતો.

ટૉસ જીતીને પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે પહેલાં બૅટિંગનો ફેંસલો કયોર્ હતો. ૪.૫ ઓવરમાં ૩૧ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી ઓપનર બાબર આઝમના ૪૨ બૉલમાં ૬૫ અને હૅરિસ સોહેલના ૩૬ બૉલમાં ૫૦ રનની મદદથી પાકિસ્તાન ૧૫.૩ ઓવરમાં ૧૩૪ રન સુધી પહોંચ્યું હતું. બન્ને વચ્ચે ૧૦૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. ડેથ ઓવરમાં ઇમાદ વસીમ અને ફહીમ અશરફે હિટિંગ કરીને ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ સુધી પહોંચાડી દીધો હતો.

આ પણ વાંચો : IPL 2019: આજે મુંબઈના બૅટ્સમેનો અને ચેન્નઈના બોલરો વચ્ચે ટક્કર

ઇંગ્લૅન્ડના ઓપનર જેમ્સ વિંસના ૩૬, જો રૂટના ૪૭ અને પ્લેયર ઑફ ધ મૅચ મૉર્ગનના આક્રમક ૫૭ રનની મદદથી ઇંગ્લૅન્ડે છેલ્લી ઓવરમાં ૭ વિકેટે જીત મેળવી હતી. છેલ્લી ઓવરમાં યજમાન ટીમને ૭ રન જોઈતા હતા અને મૉર્ગને ફહીમ અશરફના પહેલા બે બૉલમાં ૨ અને ૬ રન કરીને જીત અપાવી હતી. બન્ને ટીમ વચ્ચે આવતી કાલથી પાંચ વન-ડે સિરીઝની પહેલી મૅચ લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે.

england pakistan t20 cricket news sports news