જેસન અને આદિલને કારણે ઇંગ્લૅન્ડે જીતી ટી૨૦ સિરીઝ

22 July, 2021 03:36 PM IST  |  Mumbai | Agency

પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી, પણ સ્પિનરોએ બૅટ્સમેનોને છૂટ લેવા દીધી નહોતી. ઓપનર મોહમ્મદ રિઝવાને છેલ્લે કરેલી આક્રમક બૅટિંગને કારણે પાકિસ્તાને છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. 

ટ્રોફી સાથે ઓઇન મૉર્ગન અને ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડીઓ. પી.ટી.આઇ.

જેસન રૉયના ૩૬ બૉલમાં ૬૪ રન અને આદિલ રાશિદે લીધેલી ચાર વિકેટને કારણે ઇંગ્લૅન્ડે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી૨૦માં પાકિસ્તાનને ત્રણ વિકેટથી હરાવી સિરીઝ જીતી હતી. વન-ડે સિરીઝ ઇંગ્લૅન્ડે ૩-૦થી જીતી હતી, તો ટી૨૦ સિરીઝ ૨-૧થી જીત હતી. પાકિસ્તાન હવે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. વિજય માટેના ૧૫૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લૅન્ડના ક્રિસ જૉર્ડને માત્ર બે બૉલ બાકી હતા ત્યારે વિજયી ફટકો માર્યો હતો. 
૧૮ જુલાઈએ હેડિગ્લેમાં રમાયેલી મૅચમાં જીત મેળવીને ઇંગ્લૅન્ડે સિરીઝમાં બરોબરી કરી હતી. કૅપ્ટન ઓઇન મૉર્ગને વિજય માટે પોતાના સ્પિનર અને ઓપનર જેસન રૉયનો આભાર માનવો જોઈએ. બોલર  આદિલ રાશિદ અને મોઇન અલી સૌથી વધુ સફળ રહ્યા હતા. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી, પણ સ્પિનરોએ બૅટ્સમેનોને છૂટ લેવા દીધી નહોતી. ઓપનર મોહમ્મદ રિઝવાને છેલ્લે કરેલી આક્રમક બૅટિંગને કારણે પાકિસ્તાને છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. 
જવાબમાં ઓપનર જેસન રૉયના આક્રમક ૩૬ બૉલમાં ૬૪ રનના કારણે ઇંગ્લૅન્ડ માટે લક્ષ્યાંકનો પીછો સરળ બન્યો હતો. ઓપનર જૉસ બટલર અને જૉની બેરસ્ટૉ સસ્તામાં આઉટ થતાં કૅપ્ટન મૉર્ગને સારી ઇનિંગ્સ રમી હતી. તેણે ૨૧ રનમાં બે સિક્સર પણ ફટકારી હતી. વિજયને કારણે ઇંગ્લૅન્ડ ટી૨૦ રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર રહ્યું હતું. ઇંગ્લૅન્ડના જેસન રૉયને મૅન ઑફ ધ મૅચ અને લિઆમ લિવિંગસ્ટોનને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

sports news sports cricket news england