જૉસ બટલરની કૅપ્ટન્સી ઇંગ્લૅન્ડને બહુ મોંઘી પડી

02 August, 2022 04:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૩ પછી બ્રિટિશરોએ પહેલી વાર એકેય ટ્રોફી વિના સમર ક્રિકેટ પૂરી કરી : ભારત સામે બે સિરીઝ હાર્યા પછી આફ્રિકા સામે ટી૨૦ શ્રેણીમાં પરાજિત

રવિવારે સાઉધમ્પ્ટનમાં સિરીઝ જીત્યા પછી કૅપ્ટન મિલર સાથે છેલ્લી મૅચનો હીરો શમ્સી (જમણે) અને સિરીઝનો સુપરસ્ટાર રીઝા હેન્ડ્રિક્સ (ડાબે). કૅપ્ટન બટલરને કેશવ મહારાજે આઉટ કર્યો હતો. એ.પી./એ.એફ.પી.

ઇંગ્લૅન્ડના ક્રિકેટ માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. ખાસ કરીને ઇયોન મૉર્ગને ઓચિંતી નિવૃત્તિ લઈ લીધી ત્યાર પછી બ્રિટિશરો આઇપીએલના સુપરસ્ટાર બૅટર અને પોતાના નવા કૅપ્ટન જૉસ બટલરના સુકાનમાં વાઇટ બૉલ ક્રિકેટની એકેય સિરીઝ નથી જીતી શક્યા. ૨૦૧૩ પછી બ્રિટિશ ક્રિકેટરો સમર ક્રિકેટમાં મર્યાદિત ઓવર્સની એક પણ ટ્રોફી ન જીતી શક્યા હોય એવું પહેલી વાર બન્યું છે.

૧૦ જુલાઈએ ભારત સામેની ટી૨૦ સિરીઝ ૧-૨થી હારી ગયા બાદ બટલરના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ ૧૭ જુલાઈએ ભારત સામે વન-ડે સિરીઝ પણ ૧-૨થી હારી ગયું હતું. ત્યાર બાદ ૨૪ જુલાઈએ સાઉથ આફ્રિકા સામે બટલર ઍન્ડ કંપનીએ વન-ડે સિરીઝની ટ્રોફી શૅર કર્યા પછી રવિવારે તેમની જ સામે ટી૨૦ સિરીઝ ૧-૨થી ગુમાવી હતી. ટૂંકમાં, બટલરની ટીમ ચારમાંથી ત્રણ સિરીઝ હારી અને એક શ્રેણી શૅર કરવી પડી. છેલ્લા ૨૦ દિવસમાં બ્રિટિશરો કુલ ૭ મૅચ હાર્યા અને ચાર જીત્યા, પરંતુ ટ્રોફી એક પણ ન જીતી શક્યા.

શમ્સી, રીઝાને મળ્યા અવૉર્ડ

રવિવારે સાઉધમ્પ્ટનની ત્રીજી ટી૨૦માં સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડને ૯૦ રનથી કચડી નાખ્યું હતું. ડેવિડ મિલરની ટીમે બૅટિંગ મળ્યા પછી રીઝા હેન્ડ્રિક્સના ૭૦, એઇડન માર્કરમના અણનમ ૫૧ અને રિલી રોસોઉના ૩૧ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ વતી ડેવિડ વિલીએ ત્રણ વિકેટ લીધી હતી. ત્યાર પછી સ્પિનર તબ્રેઝ શમ્સીના ૨૪ રનના પાંચ વિકેટના તરખાટથી અને કેશવ મહારાજની બે બહુમૂલ્ય વિકેટ (જૉસ બટલર ૧૪ રન, જૉની બેરસ્ટૉ ૨૭ રન)ને લીધે ઇંગ્લૅન્ડની ટીમ ૧૬.૪ ઓવરમાં ફક્ત ૧૦૧ રનમાં આઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો ૯૦ રનના તોતિંગ માર્જિનથી વિજય થયો હતો. ઇંગ્લૅન્ડે ૪થી ૧૭ ઓવર વચ્ચે ૭૩ રનમાં તમામ ૧૦ વિકેટ ગુમાવી દીધી હતી.

તબ્રેઝ શમ્સીને મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં સૌથી વધુ ૧૮૦ રન બનાવનાર રીઝા હેન્ડ્રિક્સને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શમ્સીની ૮ વિકેટ સિરીઝમાં સૌથી વધુ હતી.

સાઉથ આફ્રિકાની પ્રથમ શ્રેણી-જીત

સાઉથ આફ્રિકા પહેલી વાર ઇંગ્લૅન્ડમાં ટી૨૦ સિરીઝ જીત્યું છે. ૧૯૯૮ પછી (૨૪ વર્ષમાં) પહેલી વાર સાઉથ આફ્રિકનો બ્રિટિશરોની ધરતી પર વાઇટ બૉલ સિરીઝ જીત્યા છે. છેલ્લે સાઉથ આફ્રિકનો મે ૧૯૯૮માં હન્સી ક્રોન્યેના સુકાનમાં લીડ્સમાં ઍડમ હોલિયોકની ટીમ સામે ૨-૧થી શ્રેણી જીત્યા પછી બ્રિટિશ લૅન્ડ પર ક્યારેય વન-ટુ-વન સિરીઝ નહોતા જીત્યા.

4
ઇયોન મૉર્ગનની નિવૃત્તિ પછી ઇંગ્લૅન્ડ માત્ર આટલી લિમિટેડ ઓવર્સ મૅચ જીત્યું છે અને ૯ હાર્યું છે.

`આખી સમરમાં અમારે જેવું રમવું જોઈતું હતું એવું નથી રમ્યા. અમે ૧૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી રહ્યા હતા એ દરમ્યાન અમારો હુરિયો બોલાવવામાં આવી રહ્યો હતો. આવું મેં ઘણી વખત જોયું. અમે સારું ન રમ્યા, પણ અમે પ્રેક્ષકોને ખૂબ મનોરંજન કરાવ્યું છે.`  જોસ બટલર

sports news england south africa jos buttler cricket news sports