બાબર અને રિઝવાન સસ્તામાં આઉટ થતાં પાકિસ્તાન ત્રીજી ટી૨૦માં ૬૩ રનથી થયું પરાજિત

25 September, 2022 11:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાત મૅચોની સિરીઝમાં ઇંગ્લૅન્ડે ૨-૧થી મેળવી લીડ

હૅરી બ્રુક

હૅરી બ્રુક અને બેન ડકેટની હાફ-સેન્ચુરીને કારણે કરાચીમાં રમાયેલી ત્રીજી ટી૨૦માં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને ૬૩ રનની હરાવીને ૭ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી લીધી હતી. બ્રુકે ૩૫ બૉલમાં ૮૧ અને ડકેટે ૪૨ બૉલમાં કરેલા ૬૯ રનને કારણે ઇંગ્લૅન્ડે ૩ વિકેટે ૨૨૧ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ ૮ વિકેટે ૧૫૮ રન જ કરી શકી હતી. વુડે ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ગુરુવારે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર પાર્ટનરશિપ કરતાં પાકિસ્તાન ૧૦ વિકેટે જીત્યું હતું, પરંતુ ગઈ કાલની મૅચમાં તેઓ બન્ને માત્ર એકસરખા ૮ રનમાં આઉટ થઈ ગયા હતા. પહેલી ટી૨૦ મૅચમાં પદાર્પણ કરનાર શાન મસૂદે સૌથી વધુ નૉટઆઉટ ૬૫ રન બનાવ્યા હતા, પરંતુ બાબર અને રિઝવાન સસ્તામાં આઉટ થતાં પાકિસ્તાન રનરેટમાં ઘણું પાછળ રહી ગયું હતું.  

હેલ્મેટમાં ઘૂસ્યો બૉલ

કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં રમાયેલી મૅચની ૧૭મી ઓવર હૅરિસ રઉફ કરી રહ્યો હતો. બૅટર હૅરી બ્રુકે બૉલને પુલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બૉલ બૅટ પર લાગ્યા બાદ હેલ્મેટની જાળીમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ ફિઝિયો મેદાન પર દોડી આવ્યો હતો. જોકે બ્રુક ઈજાગ્રસ્ત થયો નહોતો અને રઉફે બોલિંગ ચાલુ રાખી હતી. 

sports sports news england pakistan