19 July, 2025 07:44 AM IST | London | Gujarati Mid-day Correspondent
માઇકલ વૉન
ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં સ્લો ઓવરરેટ બદલ ઇંગ્લૅન્ડને ICC તરફથી દંડનો સામનો કરવો પડ્યો છે. નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકવા બદલ એને ૧૦ ટકા મૅચફીનો દંડ કરવામાં આવ્યો છે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાંથી બે પૉઇન્ટ કાપવામાં આવ્યા છે. એના પૉઇન્ટ ૨૪થી ઘટીને બાવીસ થયા છે, જ્યારે પૉઇન્ટ ટકાવારી ૬૬.૬૭થી ઘટીને ૬૧.૧૧ થતાં ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજાથી ત્રીજા ક્રમે સરકી ગઈ છે.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવતાં X પર લખ્યું હતું કે ‘સાચું કહું તો લૉર્ડ્સમાં બન્ને ટીમોનો ઓવરરેટ ખૂબ જ ખરાબ હતો. ફક્ત એક જ ટીમને કેવી રીતે ઠપકો આપવામાં આવ્યો એ મારી સમજથી બહાર છે.’ માઇકલ વૉન પહેલાં પણ ટેસ્ટ-મૅચના એક દિવસમાં ૯૦ ઓવરનો ક્વોટા અચૂકપણે પૂરો કરવાનો મુદ્દો ઉઠાવી ચૂક્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલના શું છે હાલ?
વેસ્ટ ઇન્ડીઝ સામે સળંગ ૩ ટેસ્ટ-મૅચ જીતીને ઑસ્ટ્રેલિયા ૧૦૦ પૉઇન્ટ ટકાવારી સાથે નંબર વન પર છે. ત્યાર બાદ બીજા ક્રમે શ્રીલંકા (૬૬.૬૭), ત્રીજા ક્રમે ઇંગ્લૅન્ડ (૬૧.૧૧), ચોથા ક્રમે ભારત (૩૩.૩૩) અને પાંચમા ક્રમે બંગલાદેશ (૧૬.૬૭) છે. કાંગારૂઓ સામે ત્રણેય મૅચ હારનાર વેસ્ટ ઇન્ડીઝ પોતાની પહેલી જીતની શોધમાં છે; જ્યારે ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાએ હજી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની ઑફિશ્યલ શરૂઆત કરી નથી.