રોસોઉ છ વર્ષે રમ્યો, ચાર રન માટે પ્રથમ સદી ચૂક્યો

30 July, 2022 01:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વનડાઉન બૅટરના અણનમ ૯૬ રન અને તબ્રેઝની ત્રણ વિકેટથી સાઉથ આફ્રિકાએ સિરીઝ લેવલ કરી

ગુરુવારે કાર્ડિફની મૅચમાં સ્કૂપ શૉટ મારવામાં નિષ્ફળ ગયા પછી સાઉથ આફ્રિકાનો રિલી રોસોઉ. (તસવીર : એ.એફ.પી.)

સાઉથ આફ્રિકાએ ગુરુવારે કાર્ડિફમાં વનડાઉન બૅટર અને મૅન ઑફ ધ મૅચ રિલી રોસોઉ (૯૬ અણનમ, ૫૫ બૉલ, પાંચ સિક્સર, ૧૦ ફોર)ની ૧૭૪.૫૪ના સ્ટ્રાઇક-રેટ સાથે થયેલી ફટકાબાજી અને લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર તબ્રેઝ શમ્સી (૪-૦-૨૭-૩)ના ધમાકેદાર સ્પેલની મદદથી ઇંગ્લૅન્ડને બીજી ટી૨૦માં ૫૮ રનથી હરાવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી હતી. બુધવારની બ્રિસ્ટલની પહેલી ટી૨૦ ઇંગ્લૅન્ડ ૪૧ રનથી જીત્યું હતું.

લેફ્ટ-હૅન્ડ બૅટર રોસોઉ આ સિરીઝ પહેલાં છેક માર્ચ ૨૦૧૬માં (૬ વર્ષ પહેલાં) સાઉથ આફ્રિકા વતી ટી૨૦ રમ્યો હતો અને ગુરુવાર પહેલાંની ૧૬ ટી૨૦માં તેની એકેય સેન્ચુરી નહોતી એટલે ગુરુવારે તેને પ્રથમ સદી ફટકારવાની તક મળી હતી, પરંતુ ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ જૉર્ડનની ૨૦મી ઓવરમાં સાઉથ આફ્રિકન બૅટર્સ (રોસોઉ અને ટ્રિસ્ટેન સ્ટબ્સ) ફક્ત ત્રણ રન બનાવી શક્યા હતા અને રોસોઉ ૪ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો.

સાઉથ આફ્રિકાએ બૅટિંગ મળ્યા પછી રોસોઉના અણનમ ૯૬ અને ક્વિન્ટન ડિકૉકના ૫૩ રનની મદદથી ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમ ૧૬.૪ ઓવરમાં એક પણ બૅટરની હાફ સેન્ચુરી વિના ૧૪૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. શમ્સી ઉપરાંત પેસ બોલર ઍન્ડિલ ફેહલુકવાયોએ પણ ત્રણ વિકેટ તેમ જ લુન્ગી ઍન્ગિડીએ બે વિકેટ લીધી હતી. કૅગિસો રબાડા અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી. ઇંગ્લૅન્ડની ટીમમાં જૉની બેરસ્ટૉના ૩૦ રન હાઇએસ્ટ હતા.

2
સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આટલા દિવસમાં આટલી ટી૨૦ અલગ સ્થળે રમાઈ અને હવે રવિવારની ત્રીજી મૅચ પહેલાં આટલા દિવસનો બ્રેક છે.

sports sports news cricket news england south africa