આઇપીએલને લીધે ભારતના ખેલાડીઓ નીડર બન્યા: બટલર

31 January, 2021 02:07 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

આઇપીએલને લીધે ભારતના ખેલાડીઓ નીડર બન્યા: બટલર

જોસ બટલર

ઇંગ્લૅન્ડ ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન જોસ બટલરે તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને ઇન્ડિયન પ્લેયર્સનાં વખાણ કર્યાં હતાં. બટલરના મતે ભારતીય પ્લેયરોની નીડરતા માટે આઇપીએલે મહદંશે એનું યોગદાન આપ્યું છે.

ભારતીય ક્રિકેટર્સ નીડર 

આ સંદર્ભે વાત કરતાં બટલરે કહ્યું કે ‘ભારતમાં હવે ઘણા નીડર ક્રિકેટર્સ છે. આ બધા આઇપીએલને કારણે તૈયાર થયા છે. તમે જ્યારે પણ ઇન્ડિયા સામે રમો છો ત્યારે તમારા માટે એ મોટી ચૅલેન્જ હોય છે. ઑસ્ટ્રેલિયા સિરીઝે બતાવી દીધું કે ઇન્ડિયન ટીમ અને સ્ક્વૉડમાં જબરદસ્ત તાકાત છે. પહેલી ટેસ્ટ મૅચ બાદ વિરાટની ગેરહાજરી, પ્લેયરોની ઈજા એ તમામ મુદ્દા એ વાતને દર્શાવતા હતા કે ઇન્ડિયન ક્રિકેટમાં જબરદસ્ત ક્ષમતા અને સ્પર્ધા આપવાની કાબેલિયત છે. એક બ્રેક પછી કોહલી ટેસ્ટ મૅચમાં પાછો આવી રહ્યો છે. તેનામાં ટીમને લીડ કરવાની ભૂખ છે અને એ પ્રમાણે જ તે રમે છે. અમારા માટે આ એક મોટો પડકાર હશે.’

આઇપીએલ થાય છે મદદરૂપ

આઇપીએલ સંદર્ભે વાત કરતાં જોસ બટલરે કહ્યું કે ‘મારા ખ્યાલથી ભારતમાં રમવાથી અહીંની વિકેટથી અમે પરિચિત થઈ રહ્યા છીએ અને અહીંના મોટા ભાગના પ્લેયર્સ સામે કઈ રીતે રમવું એ વાતથી પણ પરિચિત થઈ રહ્યા છીએ અને તેમને કયા પ્રકારનો બૉલ નાખવો જોઈએ એ પણ સમજી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે ફૉર્મેટ અલગ છે, પણ એ મોટો પડકાર છે. ક્યારેક તમે બુમરાહ જેવા પ્લેયર્સનો સામનો પણ નથી કર્યો હોતો. ભારતની સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને આઇપીએલ રમવાથી તમને આઇડિયા મળે છે કે તેમની સામે કેવો ઍન્ગલ રાખી શકાય છે અને શું ધારી શકાય.’

sports sports news cricket news england india