મૉલદીવ્ઝના બારમાં ઝઘડ્યા વૉર્નર અને કૉમેન્ટેટર સ્લેટર?

10 May, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને દિગ્ગજોએ આ વાતને નકારી કાઢી : ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં કુલ ૩૯ ખેલાડીઓ, કોચ અને સ્ટાફ મૉલદીવ્ઝ રોકાયા છે

ડેવિડ વૉર્નર

આઇપીએલ મોકૂફ રાખવામાં આવતાં ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં હૈદરાબાદના ખેલાડી ડેવિડ વૉર્નર અને ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા માઇકલ સ્લેટર હાલમાં મૉલદીવ્ઝની એક રેસ્ટોરાંમાં આરામ ફરમાવી રહ્યા છે. એ દરમ્યાન માલેના એક બારમાં બન્ને વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ રદિયો આપ્યો છે. ‘ડેઇલી ટેલિગ્રાફ’ના રિપોર્ટ મુજબ હાલમાં ક્વૉરન્ટીનનો પોતાનો સમય ગાળી રહેલા વૉર્નર અને સ્લેટર વચ્ચે કોઈક બાબતે ઉગ્ર દલીલો થયા બાદ મારામારી થઈ હતી. તાજેતરમાં હૈદરાબાદના કૅપ્ટનપદેથી હટાવાયેલા વૉર્નર અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર સ્લેટરે કહ્યું હતું કે તેમની વચ્ચે કંઈ થયું નથી.

ઑસ્ટ્રેલિયાની વેબસાઇટ ફૉક્સ સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ બધી વાતો બકવાસ છે. હું અને વૉર્નર ખાસ મિત્રો છીએ. અમારી વચ્ચે મારપીટની કોઈ શક્યતા જ નથી.’ 

તો વૉર્નરે પણ કહ્યું હતું કે ‘મને ખબર નથી પડતી કે આવી બધી વાતો ક્યાંથી આવી જાય છે. અમારી વચ્ચે કંઈ થયું નહોતું. જો તમે અહીં હો અને તમારી પાસે કોઈ પુરાવા હોય તો જ લખવું જોઈએ.’

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગુરુવારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં ખેલાડીઓ, કોચ અને સપોર્ટ-સ્ટાફ સહિત કુલ ૩૯ લોકોને મૉલદીવ્ઝમાં ઉતારો અપાયો હતો. ભારતથી આવતી ફ્લાઇટ પર ૧૫ મે સુધી ઑસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મૂક્યો છે. આઇપીએલમાં કૉમેન્ટરી કરતો સ્લેટર સૌથી પહેલાં મૉલદીવ્ઝમાં આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધની સ્લેટરે ટીકા કરી હતી. 

cricket news sports news sports david warner ipl 2021